Columns

મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભાગ લેતી સ્ત્રીઓને વેશ્યા સમજવામાં આવે છે?

દેશમાં અને વિદેશોમાં યોજાતી સૌંદર્ય સ્પર્ધાઓ સ્ત્રીઓનું શોષણ કરવાનું સાધન છે, તેવી વાતો ઘણા સમયથી સંભળાતી હતી, પણ હવે તેનો નક્કર પુરાવો પણ મળી ગયો છે. આ વર્ષે મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં થઈ રહ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લઈ રહેલી મિસ ઇંગ્લેન્ડ ૨૦૨૫ મિલા મેગીએ મિસ વર્લ્ડ સ્પર્ધાના આયોજકો પર ગંભીર આરોપ લગાવ્યો છે કે તેની સાથે વેશ્યા જેવો વ્યવહાર કરવામાં આવતો હતો. મિલા મેગી મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભાગ લેવા માટે ૭ મેના રોજ હૈદરાબાદ આવી હતી, પણ આયોજકો દ્વારા અનેક અનુચિત માગણીઓ કરાતાં તે સ્પર્ધામાંથી ખસી ગઈ છે અને લંડન પાછી ફરી છે. મિલા મેગી દ્વારા લગાવવામાં આવેલા આરોપોની ગંભીરતાને જોતાં તેલંગાણા સરકારે તપાસના આદેશ આપ્યા છે.

બ્રિટિશ ટેબ્લોઇડ અખબાર ધ સનને આપેલા ઇન્ટરવ્યુમાં મિલા મેગીએ પોતાના અનુભવો જણાવતાં કહ્યું છે કે ‘‘તેઓએ મને એવો અનુભવ કરાવ્યો કે હું એક વેશ્યા છું. અમને શ્રીમંત પુરુષ પ્રાયોજકોની સામે પરેડ કરાવવામાં આવતી હતી. આયોજકોની નજરમાં અમે ફક્ત મનોરંજનનું સાધન હતાં. ત્યાં ગયા પછી મને એવું લાગ્યું કે મારી સાથે રમકડાં જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. આ પછી મેં નક્કી કર્યું કે હવે મારે નિર્ણય લેવો પડશે. સવારે નાસ્તાથી શરૂ કરીને અમારી પાસે આખો દિવસ બોલ ગાઉન પહેરીને બેસી રહેવાની અપેક્ષા રાખવામાં આવે છે. દરેક ટેબલ પર છ મહેમાનો સાથે બે છોકરીઓ બેઠી હતી.

અમને કહેવામાં આવ્યું હતું કે આપણે તેમની સાથે બેસીને આખી સાંજ તેમનું મનોરંજન કરવું પડશે. મને આ વિશે ખૂબ જ ખોટું લાગ્યું. હું ત્યાં લોકોનું મનોરંજન કરવા ગઈ નહોતી. હું જે મુદ્દા માટે સમાજસેવા કરી રહી છું તેના વિશે વાત કરવા માંગતી હતી, પરંતુ ત્યાં હાજર રહેલા પુરુષો બિનજરૂરી અને અસંબંધિત બાબતો વિશે વાત કરી રહ્યા હતા. તે મારા માટે એક અસ્વસ્થતાભર્યો અનુભવ હતો. તેઓએ અમારી સાથે સમાન નહીં, પણ બાળકો જેવો વ્યવહાર કર્યો હતો. મિસ વર્લ્ડ જેવી સ્પર્ધાનાં કેટલાંક મૂલ્યો હોવાં જોઈએ, પરંતુ આ ઇવેન્ટ જૂના જમાનાની વિચારસરણીમાં અટવાયેલી છે.’’મિલા મેગીએ તેની માતાને ફોન પર કહ્યું કે તેનું ત્યાં શોષણ થઈ રહ્યું છે અને તેણે પોતાનો કડવો અનુભવ જણાવ્યો હતો.

જો કે મિસ વર્લ્ડના આયોજકોએ કહ્યું છે કે મિલા મેગી ફક્ત એક જ કાર્યક્રમમાં હાજર હતી, જે રાત્રિભોજન હતું. હૈદરાબાદના તત્કાલીન નિઝામ રાજવંશના સત્તાવાર નિવાસસ્થાન ચૌમહલ્લા પેલેસ ખાતે સરકાર દ્વારા આ સહભાગીઓ માટે રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. મિલાએ મિસ વેલ્સ ૨૦૨૪ અને કેટલાક અન્ય લોકો સાથે ટેબલ શેર કર્યું હતું. આ કાર્યક્રમની વિડીયો ક્લિપ હવે રિલીઝ કરવામાં આવી છે. તે વીડિયોમાં જોઈ શકાય છે કે મિલા મેગી જે ટેબલ પર બેઠી હતી તે ટેબલ પર ફક્ત એક જ પુરુષ દેખાઈ રહ્યો છે. આ વિવાદ બાદ મિસ ઇંગ્લેન્ડની રનર-અપ ચાર્લોટ ગ્રાન્ટ હવે મિલા સ્પર્ધામાં ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરી રહી છે.

એવું કહેવાય છે કે મેગીની ગંભીર ટિપ્પણીઓને સમર્થન આપવા માટે મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભાગ લઈ રહેલી લગભગ ૫૦ યુવતીઓનાં નિવેદનોનું વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. તેલંગાણા સરકારે રવિવારે તાત્કાલિક કાર્યવાહી કરીને મિલા મેગી દ્વારા લગાવવામાં આવેલા શોષણ અને અપમાનના આરોપોની તપાસ માટે ત્રણ વરિષ્ઠ મહિલા અધિકારીઓની નિમણૂક કરી હતી. સરકારે આ મામલાની તપાસ માટે પોલીસ મહાનિર્દેશક (ક્રાઈમ) શિખા ગોયલ સાથે તે જ શાખાના નાયબ પોલીસ મહાનિરીક્ષક સાઈ શ્રી અને સાયબરાબાદની સ્પેશ્યલ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનરની નિમણૂક કરી છે.

રવિવારે હોટેલ પહોંચેલી ત્રણ મહિલા IPS અધિકારીઓએ સહભાગીઓના રહેવાનાં સ્થળો અને બહાર ફરતી વખતે તેઓએ જે પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો તેની સંપૂર્ણ તપાસ શરૂ કરી છે. તેમણે મિસ વેલ્સ, જુલિયા મોર્લી અને રાજ્ય સરકાર વતી આ કાર્યક્રમના પોઇન્ટમેન રહેલા પર્યટન વિભાગના ખાસ મુખ્ય સચિવ જયેશ રંજન અને અન્ય અધિકારીઓની પૂછપરછ કરી હતી. મિસ વર્લ્ડના આયોજકોએ જણાવ્યું હતું કે તેઓએ સત્ય જાણવા માટે મિલા સાથે વાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. મિલાએ સ્પર્ધા છોડી દેતાં પહેલાં ફક્ત પહેલી જ ઇવેન્ટમાં ભાગ લીધો હોવાનું જાણવા મળે છે. આ સમગ્ર વિવાદ પર ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) એ તીવ્ર પ્રતિક્રિયા આપી છે.

બીઆરએસે સોશ્યલ મિડિયા પર લખ્યું કે તેલંગાણાનાં લોકોના ૨૫૦ કરોડ રૂપિયા ખર્ચીને આંતરરાષ્ટ્રીય સ્તરે તેલંગાણા રાજ્ય અને હૈદરાબાદની છબી ખરાબ કરવા બદલ કોંગ્રેસ સરકાર અને તેના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડી પાસે શું જવાબ છે? આ ઘટનાએ સ્થાનિક સ્તરે રાજકીય વળાંક લીધો અને ભારત રાષ્ટ્ર સમિતિના કાર્યકારી પ્રમુખ કેટી રામારાવે નિષ્પક્ષ અને સંપૂર્ણ તપાસની માંગ કરી હતી. તેલંગાણાની ધરતી પર મિલાના અનુભવ પર આશ્ચર્ય વ્યક્ત કરતા અને મહિલાઓ પ્રત્યે આદરની સમૃદ્ધ સંસ્કૃતિનો ઉલ્લેખ કરતાં રામારાવે કહ્યું કે એક પુત્રીના પિતા તરીકે તેઓ દુઃખી છે. તેમણે રાજ્યનાં લોકો વતી મેગીની માફી માંગી હતી. તેમણે પીડિતાના આરોપોની તપાસ કરવાને બદલે તેને દોષી ઠેરવવાના સરકારના પ્રયાસની નિંદા કરી હતી.

આ પહેલી વાર નથી જ્યારે મિસ વર્લ્ડ સ્પર્ધામાં વિવાદ થયો હોય. આ સૌંદર્યસ્પર્ધામાં અગાઉ પણ ઘણા વિવાદો થયા છે, જેમાં ઘણી સુંદરીઓના મુગટ પાછા લઈ લેવામાં આવ્યા હતા. (૧) ૨૦ નવેમ્બર, ૧૯૭૦ના રોજ મહિલા મુક્તિ મોમેન્ટના સભ્યોએ લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં મિસ વર્લ્ડ સ્પર્ધામાં શારીરિક દેખાવ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો વિરોધ કર્યો. (૨) ૧૯૭૩માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર અમેરિકન પ્રતિનિધિ માર્જોરી વોલેસના અનેક હાઇ-પ્રોફાઇલ પુરુષો સાથેના અફેર જાહેર થયા બાદ તેનો તાજ છીનવી લેવાયો હતો. (૩) હેલેન મોર્ગને ૧૯૭૪માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો, પરંતુ ચાર દિવસ પછી જ અખબારોમાં જાહેર થયું કે તે એક અપરિણીત માતા છે અને તેના પર એક પરિણીત પુરુષ સાથે અફેર હોવાનો આરોપ મૂકાયો હતો, જેના કારણે તેણે તેનો ખિતાબ પાછો આપવો પડ્યો હતો. (૪) દક્ષિણ આફ્રિકાની રંગભેદ નીતિઓને કારણે ૧૯૭૬ની મિસ વર્લ્ડ સ્પર્ધાનો ઘણા દેશોએ બહિષ્કાર કર્યો હતો, જેના કારણે કાળા અને ગોરા સહભાગીઓ અલગ પડ્યા હતા.

(૫) ૧૯૮૦ની ચેમ્પિયન જર્મનીની ગેબ્રિએલા બ્રુમે જીતના બીજા દિવસે જ સ્પર્ધામાંથી ખસી ગઈ હતી. શરૂઆતમાં તેણે કહ્યું કે તેનો બોયફ્રેન્ડ તેની વિરુદ્ધ છે. થોડા દિવસો પછી ખબર પડી કે તેણીએ એક મેગેઝિન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું છે, તેથી તેણે રાજીનામું આપવું પડશે. (૬) ૧૯૮૨ની મિસ બર્મુડા હીથર રોસ એમ્સ્ટરડેમથી લંડન કોકેઈનની દાણચોરી કરતાં પકડાઈ ગઈ હતી. કોર્ટને ખબર પડી કે તેણે ડ્રગ્સ એક સુટકેસમાં છુપાવ્યા હતા. મિસ વર્લ્ડ સ્પર્ધાના એક અઠવાડિયા પછી જ તેને હીથ્રો એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવી હતી.

(૭) ૨૦૧૩માં ઇન્ડોનેશિયામાં ઇસ્લામિક સમુદાયના વિરોધને કારણે મિસ વર્લ્ડ સ્પર્ધાને બાલીના હિન્દુ ટાપુ પર ખસેડવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનોને કારણે અંતિમ રાઉન્ડ અને સ્પર્ધા પહેલાંની બધી પ્રવૃત્તિઓ ફક્ત બાલીમાં જ યોજાઈ હતી. (૮) ૨૦૧૪માં ૧૯ વર્ષીય મારિયા જોસ અલ્વારાડો ૨૦૧૪ ના સ્પર્ધામાં હોન્ડુરાસનું પ્રતિનિધિત્વ કરવાની હતી, પરંતુ ઘટનાના થોડા દિવસો પહેલાં તેની બહેન અને તેના બોયફ્રેન્ડે તેની અને તેની બહેનની હત્યા કરી દીધી. મિસ હોન્ડુરાસ અને તેની બહેન સોફિયાની હત્યા કર્યા બાદ સપ્ટેમ્બર ૨૦૧૭ માં પ્લુટાર્કો રુઇઝને ૪૫ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

(૯) મિસ ચાઇના વર્લ્ડ રુઆન યુનો ૨૦૨૨નો ખિતાબ તેના ખરાબ વર્તનને કારણે રદ કરવામાં આવ્યો હતો. તેના સ્થાને કિન જીવેનને મિસ વર્લ્ડનો તાજ પહેરાવવામાં આવ્યો હતો, જેને પાછળથી તેના શિક્ષણ અને નોકરીની વિગતો ખોટી રીતે રજૂ કરવા બદલ મિસ વર્લ્ડના પદ પરથી દૂર કરવામાં આવી હતી. આ પછી ચીને નવી મિસ વર્લ્ડની પસંદગી માટે બીજી વખત આખી સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેમાં ઝુ ઝિનને વિજેતા જાહેર કરવામાં આવી હતી.

Most Popular

To Top