ફેબ્રુઆરી ૨૦૨૨માં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી ત્યાં યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં રશિયાને ધાર્યા કરતા વધુ ફટકાઓ પડ્યા હોવા છતાં યુક્રેનને ઘણુ સહન કરવું પડ્યું છે. અ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકી પ્રમુખપદે એક ટર્મના ગેપ પછી બીજી ટર્મ માટે ડોનાલ્ડ ટ્રમ્પ પદારૂઢ થયા તેના પછી તેમણે યુક્રેન યુદ્ધને અટકાવવા માટે બીડું ઝડપ્યું અને આ યુદ્ધ રોકવા છેલ્લા કેટલાક સમયથી પ્રયાસો કરી રહ્યા છે પણ અત્યાર સુધી તો સફળ રહ્યા નથી. હવે યુક્રેનમાં ચાલી રહેલ આ યુદ્ધનો અંત લાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે એક યોજના રજૂ કરી છે જેમાં યુક્રેને પોતાનો નોંધપાત્ર પ્રદેશ રશિયાને સોંપી દેવા અને પોતાના લશ્કરનું કદ મર્યાદિત કરવા સહિતની બાંધછોડ કરવી પડે તેવી જોગવાઇઓ છે.
દેખીતી રીતે આ યુદ્ધ બંધ કરાવવાનો યશ ખાટવા ઘાંઘા થયેલા ટ્રમ્પે રશિયાની જ તરફેણ કરતી હોય તેવી એક યોજના ઘડી કાઢી છે, જો કે દેખીતી રીતે જ તેની સાથે યુક્રેન અને યુરોપના તેના કેટલાક સાથી દેશો સહમત થયા નથી. આ યોજનાની જોગવાઇઓ આશ્ચર્ય જન્માવે તેવી છે. આ યોજના હેઠળ વ્લાદિમીર પુતિન તેમના પડોશીઓ પર આક્રમણ નહીં કરે તેવી ‘અપેક્ષા’ કરવામાં આવશે! રશિયાનો G8માં ફરી સમાવેશ કરવામાં આવશે, અને યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પની 28-મુદ્દાની શાંતિ યોજના હેઠળ અમેરિકાને નોંધપાત્ર નાણાકીય લાભો પ્રાપ્ત થશે. ટ્રમ્પે અહીં પણ નાણાકીય લાભની ગણતરી રાખી છે.
યુરોપમાં ફ્રીઝ કરાયેલી 300 અબજ યુરોની સાર્વભૌમ સંપત્તિનો લગભગ બે તૃતીયાંશ ભાગ મોસ્કોને આપવામાં આવશે, બાકીના 100 બિલિયન યુરો યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં પુનર્નિર્માણ માટે જશે. અમેરિકાને પુનર્નિર્માણ પ્રોજેક્ટ્સનો લાભ મળશે, જેમાંથી તેને 50 ટકા નફો મળશે, જ્યારે યુરોપ આ પ્રયાસોમાં વધુ 100 બિલિયન યુરોનું યોગદાન આપવાની અપેક્ષા છે. ટ્રમ્પના રાજદૂત, સ્ટીવ વિટકોફ અને ક્રેમલિન સલાહકાર, કિરિલ દિમિત્રીવ દ્વારા તૈયાર કરાયેલ, આ યોજના આ અઠવાડિયાની શરૂઆતમાં મિયામીમાં ઝેલેન્સકી સરકારના ઉચ્ચ કક્ષાના સભ્ય રુસ્ટેમ ઉમેરોવને રજૂ કરવામાં આવી હતી. યુરોપિયન નેતાઓ તરફથી પણ વિરોધ થયો છે.તેઓ કહે છે કે આ યોજનાથી પુટિન હારવાને બદલે ઉત્સાહિત થશે.
આ યોજના યુક્રેન સૈન્યને 600,000 સૈનિકો સુધી મર્યાદિત કરવાનું કહે છે – જે સેનામાં હાલમાં 900,000 સૈનિકોથી વધુ છે, અને દેશને નાટો લશ્કરી જોડાણમાં સભ્યપદ મેળવવા પર પ્રતિબંધ મૂકશે. યોજનામાં ફક્ત એક જ લાઇન યુક્રેનની અનિશ્ચિત ‘સુરક્ષા ગેરંટી’ માટે સમર્પિત છે, અને તે પણ યુકેની આગેવાની હેઠળના ગઠબંધનમાંથી કોઈપણ નાટો સૈનિકોને તેના પ્રદેશ પર તૈનાત કરવા પર પ્રતિબંધ મૂકે છે. ક્રિમીઆ, પુતિને 2014માં આ દ્વીપકલ્પને રશિયા સાથે જોડ્યો હતો, તેને આંતરરાષ્ટ્રીય સ્તરે વાસ્તવિક રશિયન પ્રદેશ તરીકે માન્યતા આપવામાં આવશે, તે સાથે જ દોનબાસના દોનેત્સ્ક અને લુહાન્સ્ક પ્રદેશોને પણ રશિયન પ્રદેશ તરીકે માન્યતા આપવી પડશે.
દેખીતી રીતે જ ઝેલેન્સ્કી આ યોજના સાથે અસંમત થયા છે. તેમણે કહ્યું છે કે યુક્રેન માટે આ કસોટીની ઘડી છે. તેણે ક્યાં તો ગૌરવ ગુમાવવું પડે કે પછી ખાસ સાથીદાર(અમેરિકા) ગુમાવવો પડે. યુક્રેન હાલ તો અમેરિકાને ગુમાવવાનું પસંદ કર્યું લાગે છે. યુક્રેન ઉપરાંત, તેના મુખ્ય યુરોપીયન સાથીઓ – જર્મની, ફ્રાન્સ અને યુકે – એ પણ પ્રસ્તાવિત યુએસ-રશિયન શાંતિ યોજનાના મુખ્ય ભાગોને નકારી કાઢ્યા છે. વાત સ્પષ્ટ છે કે ગમે તેમ કરીને યુદ્ધ બંધ કરાવવા માગતા ટ્રમ્પની આ યોજના યુક્રેન અને તેના યુરોપિયન સાથીદારોને મંજૂર નહીં જ હોય. યુરોપના વિરોધ પછી અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યું કે આ યોજના અમેરિકાની ફાઇનલ યોજના નથી. જો કે એક વાત સ્પષ્ટ છે કે યુદ્ધ અટકાવવાનો યશ ખાટવા ઘાંઘા થયેલા ટ્રમ્પ આ યોજના પર યુક્રેન પર ઠોકી બેસાડવા આતુર જણાય છે.