સરકારો ક્યારેક તેમની બજેટ યોજનાઓનાં પાસાંઓ મીડિયા સામે લીક કરી દેતી હોય છે કાં તો જાહેર પ્રતિક્રિયા જાણવા માટે અથવા નાણાંકીય બજારો અથવા મતદારોને આઘાતજનક ન લાગે તેના માટે પગલાં લેવાની તૈયારી કરવા માટે. પરંતુ આ વખતે, યુનાઇટેડ કિંગડમ (યુ.કે.)નાં ધનિકોમાં વ્યાપક ભય છે કે તેમને ટૂંક સમયમાં વધુ કર ચૂકવવા પડશે. ચાન્સેલર રશેલ રીવ્સ 26 નવેમ્બરના રોજ તેમના બજેટમાં કરવધારો કરે તેવી અપેક્ષા છે, જેથી તેમની ખર્ચ યોજનાઓમાં અબજો પાઉન્ડનો તફાવત ભરવામાં મદદ મળે. તેથી, અતિ-ધનિક લોકો યુ.કે. છોડી રહ્યાં હોવાની અફવાઓ ફેલાઈ છે.
ભારતીય મૂળના સ્ટીલના મોટા કારોબારી લક્ષ્મી એન. મિત્તલ, જે અત્યાર સુધી બ્રિટનમાં રહેતા હતા અને દેશના સૌથી ધનિક અબજોપતિઓની યાદીમાં નિયમિત હતા, તેમણે યુ.કે. છોડવાનો નિર્ણય લીધો છે. ગયા જુલાઈમાં કીર સ્ટારમરની આગેવાની હેઠળની સરકાર ચૂંટાઈ આવી ત્યારથી સમાચાર અહેવાલો આવી રહ્યા છે કે, શાસક લેબર પાર્ટી અમીર લોકોને બહાર કાઢી રહી છે.
ગયા ઓક્ટોબરમાં રજૂ કરાયેલા પ્રથમ લેબર બજેટથી યુ.કે.માં કેટલીક ઉચ્ચ કમાણી કરનારી વ્યક્તિઓ નારાજ થઈ હતી, જેમણે કહ્યું હતું કે, તેમના પર પહેલાથી જ ખૂબ કર લાદવામાં આવ્યો છે. એવી અટકળો ચાલી રહી છે કે, ચાન્સેલર રીવ્સ એક મૂડી લાભ-કર રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છે, જે ત્યારે લાગુ થશે જ્યારે કોઈ શ્રીમંત વ્યક્તિ યુ.કે. છોડીને બીજા દેશમાં રહેવા જાય. આનો ઉદ્દેશ શ્રીમંત વ્યક્તિઓને યુ.કે. કરથી બચવા માટે વિદેશમાં નાણાં લઈ જવાથી રોકવાનો છે.
બીજા શબ્દોમાં કહીએ તો, ચાન્સેલર તરીકેના તેમના બીજા બજેટમાં આગામી સપ્તાહે વધુ વસુલાતની અફવાઓ, જેમાં યુ.કે. છોડનારાઓ પર 20% એક્ઝિટ ટેક્સનો સમાવેશ થાય છે, તેનાથી ધનિક લોકો બેચેન થઈ ગયાં છે. થોડા મહિના પહેલાં હેનલી એન્ડ પાર્ટનર્સે આગાહી કરી હતી કે, આ વર્ષે રેકોર્ડ 142,000 કરોડપતિઓ વિદેશ ચાલ્યાં જશે, જેમાં યુ.કે.થી સૌથી મોટો નેટ આઉટફ્લો જોવા મળશે. 2024માં કંપનીએ આગાહી કરી હતી કે, યુ.કે.થી કરોડપતિઓનો બીજા ક્રમનો સૌથી વધુ આઉટફ્લો હશે, જેમાં 9,500 હાઇ-નેટ-વર્થ વ્યક્તિઓ જશે. એક વર્ષ અગાઉ અહેવાલ આપ્યો હતો કે, 2017થી 2023ની વચ્ચે 16,500 કરોડપતિઓ યુ.કે. છોડી ચૂક્યાં છે.
લક્ષ્મી મિત્તલ સહિત શ્રીમંત બ્રિટિશ ભારતીયો અને અન્ય હાઇ-નેટ-વર્થ ઉદ્યોગ-સાહસિકો હવે યુ.કે. છોડી રહ્યાં હોવાનું કહેવાય છે. કારણ કે, તેઓ લેબર સરકાર હેઠળ વધતા કરવેરા અને નીતિગત અનિશ્ચિતતાને કારણે યુ.કે. છોડી રહ્યા છે. વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંના એક મિત્તલ, લગભગ ત્રણ દાયકાથી યુ.કે.માં છે. ‘કિંગ ઓફ સ્ટીલ’ તરીકે જાણીતા મિત્તલ યુ.કે.નાં ધનિકોની યાદીમાં આઠમા ક્રમે છે. મિત્તલ પાસે પહેલેથી જ દુબઈમાં એક હવેલી છે અને સંયુક્ત આરબ અમીરાત (યુ.એ.ઈ.)માંના ટાપુ પર જમીન ખરીદી હોવાના અહેવાલ છે. મિત્તલની કુલ સંપત્તિ 21.4 બિલિયન ડોલર છે.
ઘણાં શ્રીમંત બ્રિટિશ અને બ્રિટિશ-ભારતીય ઉદ્યોગપતિઓ યુ.એ.ઈ. ખાસ કરીને દુબઈમાં, તેના અનુકૂળ કરવેરા માહોલને કારણે સ્થળાંતર કરી રહ્યાં છે.બ્રિટન છોડીને જતાં શ્રીમંત ઉદ્યોગ-સાહસિકોની વધતી જતી યાદીમાં ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ફૂટબોલર રિયો ફર્ડિનાન્ડ અને અબજોપતિ નિક સ્ટોરોન્સકી, રેવોલટના સહ-સ્થાપકનો સમાવેશ થાય છે, જે બંને લંડન છોડીને દુબઈ ગયા છે. બંનેએ યુ.કે. છોડવા માટે સમાન કારણ આપ્યું છે. અન્ય અગ્રણી છોડનારાંઓમાં ભારતીય ઉદ્યોગપતિ શ્રવિન મિત્તલ; ઇજિપ્તના ઉદ્યોગપતિ નાસેફ સાવિરિસ; નોર્વેજીયન-સાયપ્રિયોટ શિપિંગ મેગ્નેટ જોન ફ્રેડ્રિક્સન અને ગોલ્ડમેન સૅશના દક્ષિણ આફ્રિકામાં જન્મેલા વાઇસ પ્રેસિડેન્ટ રિચાર્ડ ગ્નોડ્ડેનો સમાવેશ થાય છે.
ભારતી એરટેલના સ્થાપક સુનીલ મિત્તલના પુત્ર શ્રાવિન મિત્તલ, જે યુ.કે. ટેલિકોમ્યુનિકેશન જાયન્ટ બીટી ગ્રુપ પીએલસીના ટોચના શેરહોલ્ડર છે. તેમણે અગાઉ યુ.કે.ને સૂચિબદ્ધ કર્યા પછી હાલમાં સંયુક્ત આરબ અમીરાતને તેમના નિવાસસ્થાન તરીકે સૂચિબદ્ધ કર્યું છે. અલબત્ત, લેબરના કર ફેરફારોને કારણે કેટલાં શ્રીમંત વ્યક્તિઓ વિદેશમાં જતાં રહ્યાં છે તેનો કોઈ સત્તાવાર ડેટા નથી. કર સુધારા અમલમાં આવ્યા પછી એપ્રિલમાં 691 કરોડપતિઓએ યુ.કે. છોડી દીધું હોવાના અહેવાલ છે – જે ગયા વર્ષની સરખામણીમાં 79 ટકાનો વધારો છે – જેમાં દુબઈ, ઇટાલી અને ગ્રીસ તેમનાં લોકપ્રિય સ્થળો છે. અરોરા ગ્રુપના ચેરમેન બ્રિટિશ-ભારતીય અબજોપતિ સુરિન્દર અરોરા અને એકેક્યુએ અને સ્ટુડિયો વનના સ્થાપક અજાઝ અહેમદ, એક ડઝનથી વધુ શ્રીમંત વ્યવસાય માલિકોમાં સામેલ હતા. જેમણે સંયુક્ત રીતે ચાન્સેલર રશેલ રીવ્સને લખેલા એક ખુલ્લા પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા.
પત્રમાં કહેવામાં આવ્યું છે: ‘’એવા ચિંતાજનક પુરાવા છે કે કેટલાક ઉદ્યોગ-સાહસિકો યુ.કે. છોડી રહ્યાં છે. આ ઉપરાંત, ગયા વર્ષના બજેટ પગલાંએ, જેમાં મૂડી લાભ-કરમાં ફેરફાર, ઉદ્યોગ-સાહસિક રાહત અને એમ્પ્લોયર નેશનલ ઇન્શ્યોરન્સનો સમાવેશ થાય છે. ઘણાં ઉદ્યોગ-સાહસિકો માટે ખર્ચમાં વધારો કર્યો છે.‘ધ સન્ડે ટાઇમ્સે’ મિત્તલના આ પગલાંથી પરિચિત એક સલાહકારને ટાંકીને કહ્યું છે કે, ‘’મુદ્દો આવક (અથવા મૂડી લાભ) પરનો કર નહોતો.’’કેટલાક બિઝનેસ લીડર્સ કહે છે કે, ‘’મુદ્દો વારસા કરનો હતો.
વિદેશમાં રહેતાં ઘણાં શ્રીમંત લોકો એ સમજી શકતાં નથી કે તેમની બધી સંપત્તિઓ, તેઓ વિશ્વમાં ગમે ત્યાં હોય, યુ.કે. ટ્રેઝરી દ્વારા લાદવામાં આવતા વારસા કરને આધીન કેમ હોવી જોઈએ. આ પરિસ્થિતિમાં લોકોને લાગે છે કે, તેમની પાસે યુ.કે. છોડવા સિવાય કોઈ વિકલ્પ નથી અને તેઓ આમ કરવાથી દુઃખી અથવા ગુસ્સામાં છે.’’ આખરે, 26 નવેમ્બરનું બજેટ અથવા જેને ઓટમ સ્ટેટમેન્ટ કહેવામાં આવે છે, તેના પહેલાંના દિવસો અને અઠવાડિયામાં યુ.કે.ના ટ્રેઝરી વિભાગ દ્વારા કરવામાં આવેલા અનેક ફેરફારોએ સરકારના ભરોસાને ગંભીર રીતે નબળો પાડ્યો હોવાનું કહેવાય છે. શું યુ.કે. હવે વ્યવસાયોમાં રોકાણ કરવા માટે એક સ્થિર અને અનુમાનિત સ્થળ નથી રહ્યું?.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.