Business

ભારતની બેન્કોના ગોટાળા કોઇ હવા દ્વારા થઇ રહ્યા છે? અદૃશ્ય શકિત પકડાતી કેમ નથી?

બેન્કોના અધિકારીઓ પોતપોતાનું કામ નિયતથી કરે તો આજે બેન્કોના દસ લાખ કરોડ કરજદારો પાસે ડૂબી ગયા તે બચી ગયા હોત. વાસ્તવમાં બેન્કોના અધિકારીઓની મિલિભગતથી 1991થી હર્ષદ મહેતાને માત્ર મૌખિક વચનના આધારે મુંબઈ ખાતેની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ત્યારના સમયમાં રૂપિયા 625 (છસ્સો પચ્ચીસ કરોડ) શેર બજારમાં વાપરવા માટે આપી દીધા હતા. સામાન્ય માનવીને એક નવો પૈસો સહી કર્યા વગર નહીં આપતી બેન્કો કોઇ પણ જાતના સહી સિક્કા વગર હર્ષદ મહેતાને 625 કરોડ રૂપિયા આપી દે ત્યારે ખાનગી કમિશન પણ અધિકારીઓને તગડું મળ્યું હશે.

પત્રકાર સૂચેતા દલાલે કૌભાંડ જાહેર કર્યું. મહેતા પાસે જે અબજો રૂપિયા શેર હતા તેની કિંમત ગગડી ગઇ. બજારમાં મૂળ પૈસા આવે તો મહેતા બેન્કને ચૂકવે ને? બેન્કના પૈસા પણ ડૂબી ગયા. વરસોના અદાલતી ખટલાઓ બાદ એક બે અધિકારીઓને મામૂલી જેલ સજા થઇ. એક બે તો હેબતાઇને જ હાર્ટ એટેકથી મરી ગયા. પણ આ હકીકત દેશની સરકાર માટે શરમજનક ગણાવી જોઇએ અને તેનું પુનરાવર્તન ન થવું જોઇએ એવી જડબેસલાક વ્યવસ્થા ત્યારથી જ થવી જોઇતી હતી. એ પછી તો અનેક તોતિંગ કૌભાંડો થયાં. હજારો લાખો કરોડ લઇને લોકો લંડન જતા રહે અને ભારત સરકાર એમનો વાળ વાંકો ન કરે. શું લંડનની કે બારબુડાની સરકારને ધમકી આપો તો સીધી દૌર ન થઇ જાય?

બ્રિટન ભારતમાંથી આવીને એના ગુનેગારોને ઉઠાવી જાય. ભારતમાં ગુનો આચર્યો તેવાને પણ ઇટાલી લઇ જાય. વિમાન માર્ગે પુરૂલિયામાં શસ્ત્રો ડ્રોપ કર્યા હોય તો પણ એ ગુનેગારને રશિયા ઉપાડી જાય. મામા કવાત્રોચીના બોફોર્સ કમિશનના નાણાં છૂટા કરાવવા માટે લંડનની બેન્ક સુધી જાણે કે સોનિયા ગાંધીના ખાસ દૂત તરીકે ભારત સરકારનો અધિકારી લંડન પહોંચે. પણ ભારત સરકારની કોઇ હાક વાગતી નથી કે માલ્યા, નિરવ, નદીમ, સાંડેસરા ભાઇઓ કે મેહુલ ચોકસીને અહીં મોકલી દેવાની ફરજ પાડે. અરે માનવ અધિકારોનાં બળદો, એણે ભારતમાં ગુનો આચર્યો છે અને એ ભારતના નાગરિકો છે. ભારતની સંપત્તિ લૂંટીને ત્યાં તમારા દેશમાં લઇ ગયા છે.

તમને એમના પર આટઆટલું વહાલ શા માટે ઉપજે છે? આટલી દયા લૂંટારા, ગુંડાઓની શા માટે ખાઇ રહ્યા છો? ખોંખારો ખાઇને આ રજૂઆત ભારત સરકારે આ દેશો સમક્ષ કરવી જોઇએ અને જો ન માને તો તેઓની સાથેના અઘળા વ્યવહારો બંધ કરી દેવા જોઇએ. એમના રાજદૂતાવાસોના માણસોને પાછા મોકલી દેવાની ધમકી આપશો એટલામાં જ ગુંચવાડો ઉકલી જશે. પણ લાગે છે કે બ્રિટન આ રીતે છબછબિયાં કરે, નિરવભાઇને ટોઇલેટ નહીં ફાવે, નિરવભાઇને જેલની રોટલી નહીં ફાવે, મામા મેહુલને ડાયાબિટિસ છે વગેરે ફીજુલ, હાસ્યાસ્પદ કારણો આપીને બ્રિટનના મુરખા જજોની અદાલતો તેઓને ત્યાં કોઇક અગમ્ય કારણોસર ઘાલી રાખે છે. ભારતનું એક લશ્કરી જહાજ બારબુડાના દરિયા કાંઠા નજીક પહોંચે ત્યાં જ મેહુલભાઇને ત્યાંની સરકાર ઢોલ નગારા સાથે શિપ પર મૂકી જાય.

આ સુંદર સંસ્મરણો માનસપટલ પર એટલા માટે ઉપસી આવ્યા કે હજી હમણાં જ ભારત સરકારે તગડા ઉદ્યોગપતિઓને આપેલા દસ લાખ કરોડ (રિપિટ: દસ લાખ કરોડ) માંડવાળ કર્યા ત્યારે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલાબેન સીતારામને વીમા ઉદ્યોગ બાબતમાં હવે પ્રૌઢ ઉંમરે પ્રવચન આપ્યું છે. જે પ્રવૃત્તિ એ યુવાન હતાં ત્યારથી જોતા આવ્યા છે. વાસ્તવમાં બેન્કિંગ સંસ્થાઓ પર કોઈનો અસરકારક કાબૂ રહ્યો નથી. તેઓ તેઓને યેનકેન પ્રકરેણ ખંખેરવા જ તૈયાર હોય. સારું છે કે નરેન્દ્રભાઇ મોદી ડિજિટલ પેમેન્ટની સિસ્ટમ લઇ આવ્યા છે એટલે બેન્કોમાં જવું પડતું નથી.

જો ગયા તો ત્યાં તમને વીમો કે વીમા મિશ્રિત મ્યુચ્યુઅલ ફંડ વેચવા માટે કેટલાક બાજ શકરાઓની માફક બેઠા હોય. તમને શરમાવીને વીમો કે બચતની સ્કીમ વેચે. ખોટી માહિતીઓ આપે. એક બેન્કે મેનેજરો પણ એવા રાખ્યા છે કે એ બધા માત્ર મધ્યમ વર્ગના લોકોની હાય અને બદદૂઆઓ સાથે જ ઉપર જશે. અરે બેન્કોનું કામ બીજી કંપનીઓના વીમા વેચવાનું છે? એ પણ ખોટું અથવા અર્ધસત્ય બોલીને? અમુક વિગતો ગુપ્ત રાખવામાં આવે છે જે આખરે રોકાણકારને ખરાબ રીતે નડી જાય છે. સાહેબ વન ટાઇમ પેમેન્ટની સ્કીમ છે તેમ સેલ્સમેન સ્ટાફ કહેશે. પણ તે પેમેન્ટ એક વરસમાં વન ટાઇમ હોય અને છેક દસ વરસ સુધી દસ ટાઇમ ભરવું પડશે એ વાત ગોપનીય રાખે. નિર્મળાબેનને નાણાં મંત્રી તરીકે મોડી મોડી આ પ્રેકટિસની જાણ થઇ. દેર આયે દુરસ્ત આયે, પણ તે સુધીમાં તો અનેક લોકોએ પોલીસી લેપ્સ કરાવવી પડી છે. અબજો કરોડો રૂપિયા લોકોના જતા રહ્યા છે જેમ મુંબઇની પંજાબ-મહારાષ્ટ્ર બેન્ક અને યશ બેન્કમાં જતા રહ્યા હતા તે પ્રમાણે.

હવે જયારે લોકોનો વિશ્વાસ આવી પોલીસીઓ, મ્યુચ્યુઅલ ફંડો અને ખુદ બેન્કો પરથી સાવ ઊઠી ગયો છે ત્યારે નિર્મળાબેનને બેન્કોને સલાહ આપવાની જરૂર જણાઇ છે કે આવા પ્રકારના ‘અનૈતિક વ્યવહારો’ પર રોક લગાવો. જે અધિકારીઓના હાથે બેન્કોના લાખો કરોડો ચવાઇ ગયા તેમની તમામ ધન દૌલત જપ્ત કરી તેઓને અફઝલ ગુરુ કે નિર્ભયા કાંડના આરોપીઓની માફક ફાંસીના માંચડે લટકાવી દેવાયા હોત તો બેન્કોના ખાતેદારોના અઢળક નાણાંની ત્રણ ત્રણ દાયકા સુધી ઉઘાડેછોક લૂંટ ન મચી હોત અને સફેદપોશ ધાડપાડુઓ મધદરિયે ક્રુઝરોમાં સવાર થઇને નૃત્ય કરતા ન હોત. આવું ત્યારે જ બને કે ટોચથી તળિયા સુધીની સિન્ડીકેટ સાથે મળીને કામ કરતી હોય. દરમિયાન ગઇકાલે કોલકોતામાં ચાર હજાર કરોડ રૂપિયાનો વધુ એક લોન ગોટાળો સામે આવ્યો છે. શું કહ્યું તમે? હવે ગણવાનું બંધ કર્યું છે?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top