Charchapatra

હાલની રાષ્ટ્રીય સામાન્ય ચૂંટણીનાં પરિણામો શું ખરેખર મોદીની વિરુદ્ધમાં?

હાલ ભારતની સામાન્ય ચૂંટણીનાં પરિણામો ભાજપની અપેક્ષાઓના પ્રમાણમાં તેની તરફેણમાં ઓછાં જરૂર આવ્યાં છે અને તેને કારણે વિપક્ષો અને તેમનાં ટેકેદાર વર્તમાનપત્રોનાં કટારલેખકો અને વાચકો તેમજ વીજાણુ માધ્યમોએ એવું ચિત્ર ઉપસાવવાનો પ્રયાસ કર્યો કે ભાજપ ધોવાઈ ગયું અને કોંગ્રેસ (અહીં રાહુલ ગાંધી વાંચવું) જીતી ગઈ. તો પહેલી વાત કે ભાજપ અને તેના નિર્વાચન પહેલાં બની ગયેલા સાથી પક્ષોનો આ સામુહિક વિજય છે જ. લોકોએ જનતા દળ યુનાઈટેડ અને તેલુગુ દેશમને જે મત આપ્યા તે એન. ડી. એ. ના જોડાણને માન્ય રાખીને જ આપ્યા છે એમ કેમ નહીં કહી શકાય? અને આ મોરચાના સત્તાધીશ મોદી  જ  હોવાના એ  પણ નક્કી હતું. માટે જો આ પક્ષોને ગરબડ કરવાનું સૂઝે તો તે તેઓની મતદાર પ્રજાનો દ્રોહ જ હશે. રાહુલનો વિજય તેમનો એકલાનો નથી, પણ યુપી માં રાહુલ કરતાં વધારે પ્રબળ નેતા હાલ અખિલેશ સાબિત થયા છે.

રાજસ્થાનમાં બની શકે કે વસુંધરાજીનો અસંતોષ થોડે અંશે કામ કરી ગયો હોય. પણ સામે મધ્ય પ્રદેશ, કર્ણાટકના વિજયની નોંધ પણ લેવાવી જરૂરી છે. ઉપરાંત દક્ષિણમાં કર્ણાટક સિવાય કેરળમાં પ્રવેશ પગલું, તેલંગાણામાં તથા આંધ્ર પ્રદેશમાં પ્રથમ વાર મળેલી બેઠકો અને ઓરિસ્સામાં લોકસભા અને વિધાનસભામાં પ્રથમ વાર મળેલી સ્પષ્ટ બહુમતી શું વિચારવા યોગ્ય નથી? અલબત્ત મોંઘવારી, બેકારી વગેરે મુદ્દાઓએ પણ કેટલીક અસર જરૂર કરી હશે અને અગાઉ પોતાના સમયકાળમાં અનેક વાર બંધારણ ‘સુધારી’ ચૂકેલા વિપક્ષો બંધારણને નામે પ્રજાને ભડકાવીને આંશિક સફળતા પણ મેળવે એ વિધિની વક્રતા નહીં કહેવાય?‘આપ’ ની નિષ્ફળતા બાબતે કોઈ નોંધ લેવાની કે નહીં?
સુરત.                     પિયુષ મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top