Columns

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ: સ્વયંને સ્વતંત્ર સેનાનીઓ સાબિત કરવાની ચળવળમાં આજે પણ વ્યસ્ત છે

આઝાદીનો અમૃત મહોત્સવ આવ્યો અને ગયો, એમાં ધ્વજ હજીયે ક્યાંક ક્યાંક દેખા દઇ દે છે અને 75 વર્ષ થયા કે 76 વર્ષ થયાની ચર્ચાઓ પણ ચાલ્યા કરે છે. આ બધું સપાટી પરનું ‘નરેટિવ’છે. આઝાદીની લડતના કથાનકમાં પોતાનો સૂર રેલાવવાનો પ્રયાસ કરનારા રાજકીય તત્વોની કોઇ ખોટ નથી. રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ એટલે કે RSS વર્તમાન સમયમાં રાષ્ટ્રવાદને સૌથી સારી રીતે, બિનસાંપ્રદાયિક ઢબે સાકાર કરવાનો દાવો કરે છે. ગણતરીપૂર્વકની એવી કામગીરી ચાલી રહી છે જેમાં રાષ્ટ્રવાદ અને દેશભક્તિ તો એક જ છે એવું લોકોને ગળે ઉતારી શકાય. જો કે RSSના આ દાવાને પડકારાનાઓની સંખ્યા પણ મોટી છે. વળી આ પડકારનારાઓ એ લોકો છે જે સ્વાતંત્ર્ય સંગ્રામને સારી પેઠે પચાવી ગયા છે, તેની વિગતોનો અભ્યાસ કરી ચૂક્યા છે. આ તરફ RSS સ્વતંત્રતા સંગ્રામને જમણેરી દ્રષ્ટિકોણથી બતાડવાનો સતત પ્રયત્ન કર્યા કરે છે.

લાંબા સમયથી RSSનો એ પ્રયાસ રહ્યો છે કે ગાંધીજીના નેતૃત્વ હેઠળ લડાયેલી અહિંસક લડતને નેવે મુકી દેવી. ભારતના ઇતિહાસ પર એક ઝડપી નજર કરવી હોય તો 1857ના વિપ્લવ(બળવો)થી શરૂઆત કરવી પડે. ભારતનો રાષ્ટ્રવાદ શરૂ થયો જ્યારે દાદાભાઇ નવરોજીએ ‘ડ્રેન ઑફ વેલ્થ’ની થિયરીની ચર્ચા કરી અને ત્યાર બાદ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઇ, ગાંધીજીનું આવવું, સ્વદેશી ચળવળ, સત્યાગ્રહો, જલિયાંવાલા બાગ, ભગત સિંહની ફાંસી, ભારત છોડો આંદોલન, આઝાદ હિંદ ફોજથી લઇને છેક અડધી રાત્રે મળેલી આઝાદી સુધીના આખા કથાનકમાં એ લોકોની હાજરી સુદ્ધાં નથી જે આજે રાષ્ટ્રવાદનો દેકારો કરી રહ્યાં છે.

જે RSS રાષ્ટ્રવાદનો રાગ તાણે છે એ જ RSSએ આઝાદીના 52 વર્ષ પછી ત્રિરંગો લહેરાવ્યો નહોતો પણ 1998માં ભાજપા જ્યારે સત્તામાં આવ્યો ત્યારે નાછૂટકે રાષ્ટ્રીય ધ્વજને અપનાવવો પડ્યો. જ્યારે આઝાદ ભારતે પહેલીવાર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો ત્યારે RSSના હેડગેવારે ભગવો ઝંડો ફરકાવી કહ્યું હતું કે પૂર્ણ સ્વતંત્રતામાં સંઘ માને તો છે પણ તિરંગો તો નહીં લહેરાવીએ. ત્રિરંગાનો ત્રીજો રંગ શેતાની રંગ છે, ત્રણનો આંક પણ શેતાની ગણાય એટલે ભારતનો ધ્વજ તો ભગવો જ હોવો જોઇએના દેકારા કરાયા હતા.

RSSની આ જ શૈલી રહી છે – પોતે રાષ્ટ્રભક્ત છે એવું કહેવાનું ખરું પણ ખરી રાષ્ટ્રીય ચળવળથી આભડછેટ રાખવાની.  RSSની સ્થાપના થઇ હતી 1925માં અને તેના સ્થાપક હતા કે બી હેડગેવાર. સ્થાપનાથી માંડીને 1947 સુધી RSSએ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે લૉન્ચ કરેલી એકેય ચળવળમાં ભાગ નહોતો લીધો, ન તો તેમણે અંગ્રેજો સામે પોતાની રીતે કોઇ વિરોધ નોંધાવવાની શરૂઆત કરી. હેડગેવાર તો કોંગ્રેસના સભ્ય પણ હતા, તે નાગપુરમાં મધ્યમ સ્તરીય નેતા હતા અને અસહકારની ચળવળમાં જેલમાં પણ ગયા હતા પણ ત્યારે તે કોંગ્રેસના સભ્ય તરીકે ચળવળમાં ભાગીદાર બન્યા હતા. તેમણે સંઘને આખી ઘટનાથી દૂર રહેવાની સૂચના આપી હતી અને આમ RSSએ સત્યાગ્રહ કે અન્ય કોઇ ચળવળમાં ભાગ નહોતો લીધો.

હેડગેવાર હિંદુ મહાસભાના નેતા બી એસ મૂંજેના કટ્ટર અનુયાયી હતા. મૂંજેની વિચારધારા પર ફાસીવાદનો ઊંડો પ્રભાવ હતો અને તે પોતે મુસોલિનીની મળ્યા હતા. વળી સાવરકરે 1923માં હિંદુત્વ નામનું જે પુસ્તક લખ્યું હતું તેનો પણ હેડગેવાર પર ઊંડો પ્રભાવ હતો અને એ પુસ્તક અનુસાર ભારત માત્ર હિંદુઓની ભૂમિ છે એવી વાત રજુ કરાઇ હતી. એમ પણ ચર્ચાયું છે કે વ્યવસ્થાને મામલે હેડગેવારનું મગજ ચાલતું અને સાવરકરના વિચારોનો પ્રભાવ કામગીરી પર પડતો. સાવરકરના મોટાભાઇ એ પાંચ લોકોમાંના એક હતા જેમણે 1925માં નાગપુર ખાતે RSSની સ્થાપનાની બેઠકમાં હાજરી આપી હતી. આમ તો એક સમયે હિંદુ મહાસભા અને RSS વચ્ચે પણ ખટરાગ હતો કારણકે હિંદુ મહાસભાને રાજકીય સ્તરે પ્રવૃત્ત રહેવું હતું પણ સંઘને એમ નહોતું કરવું.

સાવરકર રાજકીય રીતે પ્રવૃત્ત રહ્યા પણ હિંદુ મહાસભાના આ નેતાને અંદામાન અને યેરવડાના જેલમાંથી એ જ શરતે છોડાયા હતા કે તે અંગ્રેજો વિરુદ્ધ કઇ કામગીરી નહીં કરે. હિંદુ મહાસભાની લગામ હાથમાં આવતા તરત જ સાવરકરે બે રાષ્ટ્રની થિયરીના ગાણા ગાવાનું શરૂ કરી દીધું હતું. મુસલમાન, ગાંધી અને કોંગ્રેસ વિરોધી વિધાનો માટે સાવરકર જાણીતા હતા. સંઘ પર જેમના વિચારોના પ્રભાવ રહ્યો તેવા સાવરકરે બીજા વિશ્વયુદ્ધ વખતે અંગ્રેજ વાઇસરોય સામે પ્રસ્તાવ મૂક્યો હતો કે કોંગ્રેસને હટાવી મંત્રીમંડળ હિંદુ મહાસભાને આપી દેવા જોઇએ.

આ પછી પણ ઘણું થયું પરંતુ RSSની વાત પર પાછા વળીએ તો ભારત છોડો આંદોલનથી RSSએ અંતર રાખ્યું અને સંઘના યુવા સભ્યોને એમ પાનો ચઢાવ્યો કે તેમણે હજી મોટી લડાઈ લડવાની છે તો આમાં શક્તિ ન વેડફે. RSSને સ્વાતંત્ર્ય સંગ્રામનો હિસ્સો બનાવવાની શરૂઆત ત્યારે થઇ જ્યારે 1999માં અટલ બિહારી વાજપાઇએ હેડગેવારની 110મી જન્મતિથી પર તેમના નામે પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી. ભારતને સ્વતંત્રતા મળ્યા પછી પહેલીવાર RSS સાથે સંકળાયેલા કોઇ નેતાના માનમાં ટપાલ ટિકિટ બહાર પડી હતી.

જો કે રાજધર્મમાં માનનારા વાજપાઇ પર RSSના નેતૃત્વનું ભારે દબાણ હતું કે હેડગેવાર અને ગોલવેળકરને ભારત રત્ન અપાય. મુત્સદ્દી વાજપાઇ સારી પેઠે જાણતા હતા કે આવું ન થવા દેવાય. ખરેખર તો RSS જ્યારથી રચાયો ત્યારથી સામ્રાજ્યવાદ વિરોધી ચળવળને કોઇને કોઇ રીતે ખોરવી દેવાની પેરવીમાં જ રહ્યો. આધુનિક ઇતિહાસની વાત કરીએ તો થોડા વર્ષો પહેલાં નાગપુર યુનિવર્સિટીમાં કોમવાદ પરના હિસ્સા હટાવીને RSSે રાષ્ટ્રના ઘડતરમાં શું ફાળો હતોના પ્રકરણ ઉમેરાયા હતા. 2014માં મોદી સરકાર રચાઇ પછી ફરી સાવરકરને મહાન બનાવવાની ભાંજગડ શરૂ થઇ પણ વિરોધને પગલે બધું ઠરી ગયું. જો કે RSSએ અંગ્રેજો સામેની લડતમાં શું ફાળો આપ્યો તે પરની ચર્ચા હજી પણ ચાલ્યા કરે છે. RSSનો ઘોંઘાટ એ વાતનો પુરાવો છે કે એમની વાતમાં દમ નથી કારણકે જો હોય તો આટલો અવાજ ન કરવો પડે.

Most Popular

To Top