Columns

આખા ભારતમાં આતંકવાદી હુમલાઓ કરવાની તૈયારી ચાલી રહી છે?

૨૦૧૪માં ભાજપના મોરચાની સરકાર સત્તા પર આવી તે પછી તેણે દાવો કર્યો હતો કે યુપીએના રાજમાં આતંકવાદીઓ છેક મુંબઈ અને દિલ્હી જેવાં શહેરો પર ત્રાટકતા હતા, પણ અમારા રાજમાં તેમને સરહદ પર જ ઠાર મારવામાં આવે છે. ભાજપના આ દાવાને ખોટો પુરવાર કરતા હોય તેમ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ હવે ભારતની રાજધાની દિલ્હી પર જ ત્રાટક્યા છે, જેણે ભારતની ગુપ્તચર સંસ્થાઓની નબળાઈ છતી કરી દીધી છે. ભારતની રાજધાની દિલ્હીમાં ધડાકા થયા તેની સાથે ફરીદાબાદમાંથી વિસ્ફોટકો પકડાયા હતા અને ગુજરાતમાંથી પણ આરડીએક્સ જેવા પદાર્થો પકડાયા છે, જેના પરથી ખ્યાલ આવે છે કે ભારતના વિવિધ ભાગોમાં આતંકવાદી હુમલાઓ કરવાના સંગઠિત પ્રયાસો ચાલી રહ્યા છે.

દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા વિસ્ફોટની તપાસ માટે મંગળવારે સવારથી તપાસકર્તાઓ અને અધિકારીઓની એક ટીમ ઘટનાસ્થળે હાજર છે, પણ હજુ સુધી તેઓ અંધારામાં જ અથડાઈ રહ્યા છે. દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે એક વિસ્ફોટ થયો તે પછી તરત જ પોલીસ અને તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ગૃહમંત્રી અમિત શાહે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. ફોરેન્સિક અધિકારીઓએ ઘટનાસ્થળેથી નમૂના લીધા હતા અને તેમને પરીક્ષણ માટે લેબમાં મોકલ્યા હતા, પરંતુ અત્યાર સુધી એવા ચાર પ્રશ્નો છે, જેના જવાબો હજુ સુધી મળ્યા નથી.

આ વિસ્ફોટ કેવી રીતે થયો? શું કારમાં કોઈ વિસ્ફોટક સામગ્રી કે બોમ્બ પહેલાથી જ સંગ્રહિત હતો? શું કારની ઇંધણ ટાંકી કે CNG ટાંકી વિસ્ફોટ થઈને અન્ય વાહનોને ગળી ગઈ? શું કારમાં સવાર લોકોને કોઈ પૂર્વ જાણકારી હતી? આ અંગે હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી. વિસ્ફોટ અંગે માહિતી આપતાં દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલ્ચાએ મીડિયાને જણાવ્યું હતું કે વિસ્ફોટથી નજીકના વાહનોને પણ નુકસાન થયું છે. માહિતી મળતાં જ દિલ્હી પોલીસ, FSL, NIA અને NSGની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ વિસ્ફોટની તપાસ કરવામાં આવી રહી છે અને તેનું મૂલ્યાંકન થયા પછી ટૂંક સમયમાં જ તેના વિશે માહિતી આપવામાં આવશે, પરંતુ હજુ સુધી કારમાં વિસ્ફોટ થવાનાં કારણો અંગે કોઈ સ્પષ્ટ માહિતી દિલ્હી પોલીસના હાથમાં આવી નથી.

બીજો અનુત્તરિત પ્રશ્ન એ છે કે શું આ આતંકવાદી હુમલો હતો? તેના જવાબમાં પોલીસ પ્રશાસને આ હુમલા અંગે કોઈ સ્પષ્ટ નિવેદન જારી કર્યું નથી. દિલ્હી પોલીસ કમિશનરે જણાવ્યું છે કે અનેક એજન્સીઓ આ ઘટનાની તપાસ કરી રહી છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારી મોહમ્મદ વાહિદે પત્રકારોને જણાવ્યું હતું કે ઘટનાસ્થળ પરથી એકત્રિત કરાયેલા નમૂનાઓ લેબમાં મોકલવામાં આવી રહ્યા છે. તે પછી જ અમને વધુ માહિતી મળશે.

નમૂનાઓનું પરીક્ષણ કર્યા પછી જ અમે કોઈપણ નિષ્કર્ષ પર પહોંચી શકીશું. આ વિસ્ફોટ અંગે મીડિયામાં વિવિધ અટકળો ચાલી રહી હતી. કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ તો એવો દાવો પણ કર્યો હતો કે વિસ્ફોટ CNGના કારણે થયો હતો. જોકે પોલીસે સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરી નથી. મંગળવારે સવારે દિલ્હી ઉત્તરના ડીસીપી રાજા બંઠિયાએ મીડિયાને જણાવ્યું હતું કે દિલ્હી વિસ્ફોટમાં યુએપીએ, વિસ્ફોટકો અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ફોરેન્સિક નિષ્ણાતો, એફએસએલ ટીમ અને અન્ય નિષ્ણાત ટીમો પણ ઘટનાસ્થળે હાજર છે.

ત્રીજો જવાબની રાહ જોઈ રહેલો પ્રશ્ન એ છે કે કારનો માલિક કોણ છે? આ કાર વિશે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. તેનો માલિક કોણ હતો? કાર ક્યાંથી આવી રહી હતી? ક્યાં જઈ રહી હતી? કારમાં કેટલા લોકો હતા અને વિસ્ફોટમાં કેટલા લોકો માર્યા ગયા? તપાસ અધિકારીઓ કારની ગતિવિધિઓ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. અધિકારીઓ હજુ પણ અનિશ્ચિત છે કે કાર તે વિસ્તારમાં પાર્ક કરવામાં આવી હતી કે જ્યાં વિસ્ફોટ થયો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે કાર પાર્કિંગમાં પાર્ક કરવામાં આવી હતી અને વિસ્ફોટના થોડા સમય પહેલા તે ધીમે ધીમે આગળ વધવા લાગી હતી અને વિસ્ફોટનું સ્થાન લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનની ખૂબ નજીક હતું. આ ઘટના અંગે માહિતી આપતા ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે સોમવારે સાંજે લગભગ ૭ વાગ્યે દિલ્હીના લાલ કિલ્લા પાસે સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર એક હ્યુન્ડાઇ કારમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટને કારણે નજીકનાં કેટલાંક વાહનોને નુકસાન થયું હતું. એ પણ પ્રશ્ન ઊભો થાય છે કે શું વિસ્ફોટ ઘટના સ્થળે આકસ્મિક રીતે થયો હતો કે પછી તે જાણી જોઈને ત્યાં કરવામાં આવ્યો હતો.

જો આ ઇરાદાપૂર્વકનો વિસ્ફોટ હતો, તો તેનું નિશાન કોણ હતું? શું આ ઘટનાઓ સ્થાનિક સ્તરે જોડાયેલી હતી, કે રાજ્ય કે દેશની બહાર કોઈ સંબંધ હતો? આ બધી બાબતો વિશે માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે એક કારમાં થયેલા વિસ્ફોટના સંદર્ભમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ માહિતી ડીસીપી દિલ્હી ઉત્તર રાજા બંઠિયાએ આપી છે. યુએપીએ, વિસ્ફોટકો અધિનિયમ અને બીએનએસની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તપાસ ચાલુ છે અને જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. તપાસમાં કોઈ તથ્ય બહાર આવ્યા પછી માહિતી જાહેર કરવામાં આવશે.

દિલ્હીમાં વિસ્ફોટ થયો તે દરમિયાન દિલ્હીની નજીક આવેલા ફરીદાબાદમાંથી વિસ્ફોટકોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ બે ઘટના વચ્ચે કોઈ જોડાણ હતું કે કેમ? તેની પણ તપાસ ચાલી રહી છે. હરિયાણા પોલીસે દાવો કર્યો છે કે રાજ્યના ફરીદાબાદ જિલ્લામાં હથિયારો સાથે મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. હરિયાણા પોલીસ અને જમ્મુ-કાશ્મીર પોલીસ વચ્ચે છેલ્લા ૧૫ દિવસથી સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે અને હજુ પણ ચાલુ છે. આ ઓપરેશનના ભાગ રૂપે ભાડાના ઘરમાંથી આ હથિયારો અને જ્વલનશીલ સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. આવી ઘણી વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે જેનો ઉપયોગ IED એટલે કે મોટા વિસ્ફોટકો બનાવવામાં થઈ શકે છે.

ફરીદાબાદ પોલીસ કમિશનર સતેન્દ્ર કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે ફરીદાબાદમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા કરવામાં આવેલાં સર્ચ ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં IED બનાવવાની સામગ્રી અને દારૂગોળો મળી આવ્યો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને અંસાર ગઝવત-ઉલ-હિંદ સાથે જોડાયેલા એક આંતર-રાજ્ય અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન, જમ્મુ અને કાશ્મીર પોલીસે શ્રીનગર, અનંતનાગ, ગાંદરબલ અને શોપિયામાં અનેક સ્થળોએ શોધખોળ હાથ ધરી હતી.

એ જ રીતે ફરીદાબાદમાં હરિયાણા પોલીસના સહયોગથી જમ્મુ અને કાશ્મીર પોલીસે અને સહારનપુરમાં ઉત્તર પ્રદેશ પોલીસે પણ શોધખોળ હાથ ધરી હતી. પોલીસના નિવેદનમાં અત્યાર સુધી જપ્ત કરાયેલી વસ્તુઓની યાદી પણ આપવામાં આવી છે. જપ્ત કરાયેલી વસ્તુઓમાં એક ચાઇનીઝ સ્ટાર પિસ્તોલ, એક બેરેટા પિસ્તોલ, એક AK-56 રાઇફલ અને એક AK ક્રિંકોવ રાઇફલનો સમાવેશ થાય છે, જેમાં આ શસ્ત્રો માટે દારૂગોળો પણ શામેલ છે. દરોડામાં ૨,૯૦૦ કિલો IED બનાવવાની સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે.

આ કેસમાં આરિફ નિસાર ડાર, યાસીર-ઉલ-અશરફ, મક્સૂદ અહેમદ ડાર, મૌલવી ઇરફાન અહેમદ, ઝમીર અહેમદ અહંગર, ડૉ. મુઝમ્મિલ અહેમદ ગનાઈ અને ડૉ. આદિલની ધરપકડ કરવામાં આવી છે. ફરીદાબાદ અને જમ્મુ-કાશ્મીરની જેમ ગુજરાતમાં પણ આતંકવાદી હુમલાની તૈયારી ચાલી રહી હોવાનું જણાઈ રહ્યું છે. ગુજરાત ATS એ ISIS સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ATS દ્વારા અમદાવાદમાંથી આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ત્રણ સંદીગ્ધ આતંકવાદીને અટકાયત કરવામાં આવી છે. રાજ્યમાં આતંકવાદ ફેલાવવાના એક મોટા ષડ્યંત્રનો ગુજરાત ATS દ્વારા પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે. ઝડપાયેલા આ ત્રણેય જણ ISIS (ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક એન્ડ સિરિયા) મૉડ્યુલ સાથે જોડાયેલા છે. આખરે આ આંતકવાદીઓનો પ્લાન શું હતો? આ મામલે પોલીસે મહત્ત્વની વિગતો આપી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top