Columns

કૂતરાં કરડવાની લાખો ઘટનાથીદેશના સ્વાસ્થ્ય પર જોખમ છે?

કૂતરું કરડવાની ઘટના સામાન્ય છે પણ છેલ્લા થોડા મહિનાઓમાં કૂતરું કરડે છે અને તે ન્યૂઝ બની રહ્યા છે. મે મહિનામાં અમદાવાદના હાથીજણ વિસ્તારમાં રોટવાઈલર પ્રજાતિનો પાળેલો કૂતરો ચાર મહિનાની બાળકીને એકાએક કરડ્યો અને બાળકીનું મોત થયું. આ કૂતરાના ગળે બાંધેલી સાંકળ તેના માલિકના હાથમાં હતી પણ તે છોડાવીને કૂતરાંએ બાળકીને લઈને ફરતી તેની માસી પર હૂમલો કર્યો અને પછી નાની બાળકીને બાનમાં લીધી. આ પૂરી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને તે પછી તે અંગે તપાસ પણ થઈ. કૂતરાંના માલિકની ધરપકડ થઈ. આવી બીજી ઘટના સુરતના ઉમરપાડા તાલુકાના જોટાણ ગામની છે. અહીંયા શેરી કૂતરાંઓએ 40 વર્ષીય મહિલા પર હૂમલો કર્યો હતો અને તેમનું મૃત્યુ થયું હતું. સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના વાઘડિયા ગામમાં પણ મજૂરી કામ કરતાં પરિવારના બે વર્ષના બાળક પર શેરી કૂતરાએ હૂમલો કર્યો અને પછીથી તે બાળકનું મૃત્યુ થયું. રાજ્ય અને દેશભરમાંથી આવી અસંખ્ય ઘટનાઓ અવારનવાર સામે આવે છે અને કેટલીક ઘટનાઓ તો સીસીટીવીમાં કે મોબાઈલમાં કેદ સુધ્ધા થઈ છે, ત્યારે એવું લાગે છે કે એક સમયે માણસના સૌથી વિશ્વાસુ પ્રાણીમિત્ર કૂતરાં કેમ ઘાતક બની રહ્યા છે? આવી અનેક ઘટનાઓ ન્યૂઝમાં ચમકતા તેની નોંધ સુપ્રીમ કોર્ટ સુધ્ધાએ લીધી છે. સુપ્રીમ કોર્ટે કૂતરાં કરડવાની ઘટનાઓને ચેતવણીરૂપ હોવાની ટકોર કરી છે. સુપ્રીમ કોર્ટ સુધી કૂતરાં કરડવાની વાત ગઈ તેનું એક કારણ કૂતરાં કરડે તેના મસમોટા આંકડા છે. ગત વર્ષની વાત કરીએ તો દેશભરમાં 37 લાખ લોકોને કૂતરાં કરડ્યા હતા. આ તો નોંધાયેલા આંકડા છે અને તેમાંથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 54 સુધી પહોંચી હતી.
કૂતરું કરડવાની ઘટના ગંભીર છે તેનું એક કારણ દેશમાં વધતી કૂતરાંઓની સંખ્યા છે. આપણી પાસે હાલમાં થયેલા 20માં પશુધન ગણતરીના જે આંકડા આવ્યા છે – તે મુજબ દેશમાં દોઢ કરોડથી વધુ શેરી કૂતરાં છે. જોકે પ્રાણીની સંખ્યા પર દૃષ્ટિ કરતા અનેકોનું માનવું છે કે આ ગણતરીમાં ન નોંધાયેલા કૂતરાંઓની સંખ્યા મોટી છે. એક અંદાજ મુજબ દેશમાં કૂતરાંઓની સંખ્યા છ કરોડની આસપાસ છે. સંખ્યામાં વધારો થયો છે તેમ વીતતાં વર્ષોમાં કૂતરાં કરડવાની ઘટના વધુ બની રહી છે. 2021માં 17 લાખ લોકોને કૂતરાં કરડ્યા હતા, 2023માં તે આંકડો 30 લાખ સુધી પહોંચ્યો હતો. મતલબ કે આ દરમિયાન આવી ઘટનાઓ 80 ટકા સુધી વધી હતી. કૂતરાંની વસતી નિયંત્રણ માટે દેશના અનેક શહેરોની કોર્પોરેશન, નગરપાલિકા કે ગ્રામિણ સ્તરે પ્રયાસો થઈ રહ્યા છે. પૂણે મહાનગરપાલિકાનું ઉદાહરણ અનેક ઠેકાણે આપવામાં આવે છે. પૂણેમાં સ્ટર્લિલાઇઝેશન ડ્રાઇવમાં કૂતરાની સંખ્યા ટૂંકા ગાળામાં 42 ટકા સુધી ઘટાડવામાં આવી હતી. પરંતુ તેની સામે જ્યારે કૂતરાં કરડવાની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો હતો. 2022માં તે આંકડો 17 હજારની આસપાસ હતો, જ્યારે 2024માં તે 26 હજાર સુધી પહોંચ્યો હતો. જેમ જેમ કૂતરાં કરડવાની ઘટના વધી રહી છે તેમ એન્ટી રેબિઝ વેક્સિનમાં ઘટ પડી રહી છે.
કૂતરું કે અન્ય કોઈ પ્રાણી માણસને કરડે ત્યારે તેનાથી હડકવા વાઇરસનો ચેપ લાગે છે અને જો તેની અવગણના કરવામાં આવે તો તેનાથી વ્યક્તિનું મોત પણ થઈ શકે છે. જોકે વિશ્વમાં હડકવા થવાના 99 ટકા કિસ્સામાં કૂતરાં હોય છે અને તેનાથી થતાં મૃત્યુ મહદંશે એશિયા અથવા આફ્રિકામાં ખંડમાં થાય છે. વિશ્વના બીજા કેટલાંક દેશો કૂતરાંથી થતાં હડકવાથી મુક્ત છે. એટલું જ નહીં – હડકવાથી વિશ્વમાં જે મૃત્યુ થાય છે, તેમાંના 36 ટકા મૃત્યુ એક માત્ર આપણા દેશમાં થાય છે. આ કેટલી પાયાની બાબત છે કે આજના સમયમાં કૂતરાં કરડવાથી કોઈનું પણ મૃત્યુ થવું ન જોઈએ. અથવા પહેલી તકેદારી એ રાખવી કે કૂતરું કોઈને કરડે જ નહીં. આ બંને જોખમમાં ભારત સૌથી ઉપર આવે છે અને હજુ સુધી આપણા દેશમાં તેનો કોઈ ઉકેલ શોધાયો નથી. આપણે જ્યારે વિકાસની કે વિશ્વમાં નંબર વન થવાનાં બણગાં ફૂંકીએ છીએ ત્યારે આવી બાબતો સૌથી પહેલાં નજર કરવી જોઈએ. હડકવાને લઈને આપણા દેશમાં જે સ્થિતિ છે તેનાથી તદ્દન વિપરીત સ્થિતિ યુરોપ અને અમેરિકામાં છે. યુરોપ હડકવાથી મુક્ત છે અને અમેરિકા પણ કૂતરાં કરડવાથી થતાં હડકવાના ચેપથી મુક્ત છે. આ યાદીમાં જાપાન, દક્ષિણ કોરિયા કેટલાંક લેટિન અમેરિકાના દેશો પણ છે.
સુપ્રીમ કોર્ટે કૂતરું કરવાની ઘટનાની નોંધ લેવી પડી તેનું એક કારણ રાજ્ય કે કેન્દ્ર સરકાર વ્યાપક સ્તરે જે કામ થવું જોઈએ તે કરતી નથી. 2001માં કૂતરું કે અન્ય પ્રાણીઓના કરડવાની ઘટના ઘડાટવા અર્થે સરકાર ‘એનિમલ બર્થ કન્ટ્રોલ રૂલ્સ’ લાવી હતી. આ રૂલ્સને બે દાયકા પછી અપડેટ કરવામાં આવ્યા, તેમાં કૂતરાંની સંખ્યા નિયંત્રિત કરવા માટે મારી નાંખવાની સુધ્ધા મંજૂરી હતી – તે પડતી મૂકી દેવામાં આવી. કૂતરાંની વસતી નિયંત્રિત કરવા માટે માત્ર ને માત્ર સ્ટર્લિલાઇઝેશન અથવા તો વેક્સિનેશનને જ ઉપાય તરીકે સ્વીકારવામાં આવ્યો. હવે આ કિસ્સામાં સ્વાભાવિક છે કે કૂતરાંની સંખ્યા વધતી ગઈ. બીજું કે ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન’ દ્વારા થયેલાં એક અભ્યાસમાં એવું તારણ આવ્યું હતું કે શેરી કૂતરાંઓમાંથી 70 ટકા કૂતરાંની નિયમિત રીતે સ્ટર્લિલાઇઝેશન કરવામાં આવે તો જ કૂતરાંની સંખ્યા નિયમનમાં રાખી શકાય. સ્ટર્લિલાઇઝેશનનો ઉપાય હોવા છતાં મોટા ભાગના આપણા દેશના શહેરોમાં કૂતરાની સંખ્યા સતત વધી રહી છે. દક્ષિણ ભારતના એક અખબારમાં અર્નાકુલમના શહેરના કૂતરાંઓના આંકડા આપવામાં આવ્યા હતા. અહીંયા 2019માં કૂતરાંની સંખ્યા 18,000 હતી, જે 2024 આવતાં-આવતાં બમણીથી વધારે થઈ ચૂકી હતી. એ રીતે મદુરાઈનો પણ કિસ્સો છે. અહીંયા આ વર્ષે પાંચ હજાર કૂતરાંઓની સ્ટર્લિલાઇઝેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે આ આયોજનનો અમલ ગુજરાત અને અન્ય રાજ્યોમાં થતો નથી – તેનાં ઘણાં બધા કારણોમાં એક છે સ્ટાફની કમી, બીજું છે સાવ ઓછું ભંડોળ અને ત્રીજું કારણ આ અંગેની કોઈ પણ આધારભૂત માહિતી એકઠી ન કરવી. આ બધાં કારણો સુપ્રીમ કોર્ટ જાણે છે અને સરકાર પણ તેનાથી બેખબર નથી. અને એટલે સુપ્રિમ કોર્ટે આ વિશે ન્યાયાધીશ ‘સીરી જગનની કમિટિ’ નીમી હતી. આ કમિટી અંતર્ગત આવેલાં સૂચનોમાં ખૂબ મર્યાદિત કામગીરી થઈ રહી છે. કેટલાંક ઠેકાણે શેરી કૂતરાંઓ સાથે લોકો હળેમળે તેવી પણ નીતિ ઘડવામાં આવી છે. એપ્રિલ 2024માં કર્ણાટક સરકારે શેરી કૂતરાંઓને ખવડાવવા માટે ‘કોમ્યુનિટી ફિડિંગ’ કાર્યક્રમને પ્રોત્સાહન આપ્યું હતું. બેંગ્લોરમાં લોન્ચ કરવામાં આવેલા આ કાર્યક્રમનનો ઉદ્દેશ હતો માણસ અને કૂતરાંઓનું સહઅસ્તિત્વ – આ રીતે સંભવત્ શેરી કૂતરાંઓનું આક્રમકપણું ઓછું કરી શકાય.
આ બધાં પ્રશ્નો સાથે કૂતરાં કરડવાની ઘટનામાં આગળનો માર્ગ કયો હોઈ શકે? એક ઉકેલ એવો છે કે આ અંગે તુરંત કાર્યવાહી થવી જોઈએ. બીજું કે શેરી કૂતરાંની વસતીને નિયંત્રિત કરવાની જવાબદારી કોઈ પણ રીતે મ્યુનિસિપાલિટીને ન સોંપવી જોઈએ. અને ‘રાષ્ટ્રીય જાહેર સ્વાસ્થ્ય નીતિ’માં તેનો સમાવેશ કરવો જોઈએ. આ માટે દેશભરમાં મસમોટી ટીમ જોઈએ- જે સતત શહેર પ્રમાણે સ્ટર્લિલાઇઝેશન અને સંખ્યાની ગણતરી કરે. બીજી બાબત એ છે કે જિલ્લા પ્રમાણે વેક્સિન ઉપલબ્ધ થાય – તેની માહિતી એકઠી કરવી.
બીજું કે દેશભરમાં કરડતાં કૂતરા અને તેનાથી થતાં મૃત્યુનાં પ્રમાણની વિગત મેળવવી. આવાં અનેક પગલાં લેવાની ભલામણ થઈ છે. બીજું કે આયોજન ગમે તેટલું સરસ હોય – તેના અમલીકરણ માટે નાણાંની જરૂર રહેવાની- એટલે નિયમિત રીતે કોર્પોરેશન સ્ટર્લિલાઇઝેશનનું બજેટ ફાળવવું જોઈએ. દવા, સ્ટાફ અને અન્ય ઉપલબ્ધ સેવાઓ તુરંત મળી રહે તે પ્રકારની સગવડ પણ ઉભી થવી જોઈએ.
આવી અનેક બાબતો છે જે અંગે અહીંયા વાત થઈ શકે.
કૂતરું કરડે તે ઘટના સામાન્ય રહી નથી અને કૂતરું કરડે તો ડોક્ટરની સલાહ લઈને ઇન્જેક્શન લેવાની ભલામણ ત્વરીત સ્વીકારી લેવી, કારણ કે આજેય હડકવાનો ચેપ લાગ્યા પછી કોઈ પણ બચી શકતું નથી.

Most Popular

To Top