Editorial

બોઇંગ ડ્રીમલાઇનર વિમાનો ઉડતા ટાઇમબોમ્બ જેવા છે?

ગુરુવારે અમદાવાદમાં એર ઇન્ડિયાનું લંડન જવા માટે રવાના  થયેલું વિમાન ઉડાન ભરવાના થોડા જ સમય પછી એરપોર્ટ નજીક જ તૂટી પડ્યું અને તેમાં કુલ મળીને અઢીસોથી વધુ લોકો  માર્યા ગયા. આ ઘટના મહિનાઓ સુધી ખાસ કરીને ગુજરાતના લોકોના મન પર છવાયેલી રહેશે. આ દુર્ઘટનામાં એર-ઇન્ડિયાનું જે વિમાન તૂટી પડ્યું તે બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર વિમાન  હતું. આ વિમાન બોઇંગ કંપની દ્વારા એક અત્યાધુનિક મુસાફર વિમાન તરીકે એક દાયકા કરતા વધુ સમય પહેલા રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ તેમાં વિશ્વભરમાં અનેક સમસ્યાઓ ઉભી  થતા આ વિમાન શરૂઆતથી જ એક વિવાદાસ્પદ વિમાન રહ્યું છે.

વિશ્વની અનેક એરલાઇનોની માલિકીના આ મોડેલના વિમાનોમાં અનેક સમસ્યાઓ સમયે સમયે સર્જાતી રહી છે, પરંતુ આ  વિમાનનું આખેઆખું માળખું તૂટી પડ્યું હોય તેવો આ પ્રથમ બનાવ છે જે અમદાવાદમાં બન્યો છે. બોઇંગ 787 ડ્રીમલાઇનર એ બોઇંગ કોમર્શિયલ એરપ્લેન્સ કંપની દ્વારા વિકસાવવામાં  આવેલ લાંબા માળખાનું, પહોળી બોડીનું ટ્વીન-એન્જિન વિમાન છે.  આ વિમાન 2011માં રજૂ કરાયું હતું, તે શ્રેષ્ઠ ઇંધણ કાર્યક્ષમતા, મુસાફરોને સરસ આરામદાયક મુસાફરી પુરી પાડનાર  અને આર્થિક રીતે સરસ વળતર પુરુ પાડનાર વિમાન તરીકે રજૂ થયું હતું, જો કે તેમાં શરૂઆતથી જ અનેક સમસ્યાઓ દેખાવા માંડી હતી અને અમદાવાદની ઘટના સાથે જાણે તેમાં પરાકાષ્ઠા  આવી ગઇ છે અને આ વિમાનોના જૂના થતા કાફલાઓ અંગે ચેતવણીનો પણ આમાં સંકેત છે.

આમ તો અમેરિકાની બોઇંગ કંપની દ્વારા આ ડ્રીમલાઇનર વિમાનને એક ઉત્કૃષ્ટ કાર્યક્ષમ અને આરામદાયક વિમાન તરીકે રજૂ કરવામાં આવ્યું છે.  ડ્રીમલાઇનરના એરફ્રેમનો ૫૦ ટકાથી વધુ  ભાગ (વજન દ્વારા) કાર્બન-ફાઇબર-રિઇનફોર્સ્ડ પોલિમરથી બનેલો છે, જે વિમાનનું એકંદર વજન ઘટાડે છે અને ઇંધણનો વપરાશ ઘટાડે છે, પરિણામે તે ઓછા ખર્ચે લાંબા અંતર સુધી ઉડી શકે  છે એમ કહેવાય છે.

આપણા માટે નોંધપાત્ર બાબત એ છે કે આપણા દેશની મુખ્ય એરલાઇન એર ઇન્ડિયા ઓક્ટોબર 2012માં બોઇંગના દક્ષિણ કેરોલિના પ્લાન્ટમાં બનાવેલા ડ્રીમલાઇનરની  ડિલિવરી મેળવનારી પ્રથમ એરલાઇન બની. ભારતીય રાષ્ટ્રીય કેરિયર હાલમાં 787-8નો કાફલો ચલાવે છે, જેનો ઉપયોગ તે યુકે, ઉત્તર અમેરિકા અને મધ્ય પૂર્વ સહિત લાંબા અંતરના  આંતરરાષ્ટ્રીય રૂટ માટે કરે છે. એર ઇન્ડિયાના કાફલામાં ૩૦થી વધુ બોઇંગ ડ્રીમલાઇનર વિમાનો છે. જો કે બોઇંગ ડ્રીમલાઇનરે શરૂઆતથી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. 2013માં, અનેક જેટમાં લિથિયમ-આયન બેટરીમાં આગ લાગવાના બનાવો પછી, અમેરિકાના FAA એ  સમગ્ર વૈશ્વિક 787 ફ્લીટને ગ્રાઉન્ડેડ કરી દીધો.

આ વિમાનોની બાબતમાં સૌથી ગંભીર બાબત તો એ છે કે વર્ષ 2024 ની શરૂઆતમાં એક ભયંકર ચેતવણીમાં, બોઇંગના એન્જિનિયર અને વ્હિસલબ્લોઅર સેમ સાલેહપોરે કંપની પર 777 અને 787 ડ્રીમલાઇનર્સ બંનેના ઉત્પાદનમાં બેદરકારીનો આરોપ  મૂક્યો હતો. ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ અને સીએનએન સાથેની મુલાકાતમાં, સાલેહપોરે આરોપ લગાવ્યો હતો કે અયોગ્ય એસેમ્બલી અને ઉતાવળી ઉત્પાદન પદ્ધતિઓ સમય જતાં વિનાશક  જોખમ ઊભું કરી શકે છે, ખાસ કરીને આ જેટ જૂના થાય ત્યારે.

સેમ સાલેહપોરે તેના 777 અને 787 ડ્રીમલાઇનર જેટના ઉત્પાદનમાં ગંભીર ગુણવત્તાના મુદ્દાઓનો આરોપ લગાવ્યો હતો. જાન્યુઆરી 2024 માં ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન  (FAA)માં આ અંગે ફરિયાદ પણ નોંધાવી હતી.  સાલેહપોરે દાવો કર્યો હતો કે બોઇંગે ઉત્પાદનમાં શોર્ટ કટ અપનાવ્યા છે જે વિમાનના જૂના થતાં લાંબા ગાળાના સલામતી જોખમો ઉભા  કરી શકે છે. તેમણે આ વિમાનોને જેની ઘડીયાળ શરૂ થઇ ગઇ છે તેવા ટાઇમબોમ્બ સાથે સરખાવ્યા  છે. આ વિમાન સાથે બનતા બનાવો જોતા આ ઇજનેરનો દાવો સાવ ખોટો પણ જણાતો નથી. હજી વધુ ભયંકર બનાવો બને તે પહેલા આ વિમાનો ધરાવતી વિશ્વભરની એરલાઇનોએ બોઇંગ કંપનીને આ બાબતમાં ઘટતું કરવા ફરજ પાડવી જોઇએ.

Most Popular

To Top