બોલીવુડ અભિનેતા અરબાઝ ખાન અને તેમની પત્ની શૂરા ખાને રવિવારે પુત્રીનું સ્વાગત કર્યું. શૂરા શનિવારે ડિલિવરી માટે મુંબઈની પી.ડી. હિન્દુજા હોસ્પિટલમાં દાખલ થઈ હતી. ડિલિવરી દરમિયાન અરબાઝ શૂરા સાથે હાજર હતો. શૂરાની માતા સહિત પરિવારના કેટલાક સભ્યો પણ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. સોહેલ ખાન અને અરબાઝનો પુત્ર અરહાન પણ હોસ્પિટલમાં જોવા મળ્યો હતો.
સલમાન ખાન પણ પરિવાર સાથે આ આનંદદાયક પ્રસંગ ઉજવવા માટે તેના પનવેલ ફાર્મહાઉસથી મુંબઈ જવા રવાના થયો હતો. અગાઉ 29 સપ્ટેમ્બરના રોજ અરબાઝ અને શૂરાએ એક ભવ્ય બેબી શાવરનું આયોજન કર્યું હતું જેમાં નજીકના પરિવાર અને મિત્રો હાજર રહ્યા હતા. સલમાન ખાને પણ આ આનંદદાયક પ્રસંગે હાજરી આપી હતી. શૂરાએ જૂનમાં તેની ગર્ભાવસ્થાની પુષ્ટિ કરી હતી.
સલમાનની માતા, સલમા ખાન, તેનો ભાઈ, સોહેલ અને યુલિયા વંતુર પણ આ કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. અભિનેત્રી ગૌહર ખાન અને નિયા શર્મા પણ આ ઉજવણીમાં જોડાયા હતા.
૫૮ વર્ષની ઉંમરે અરબાઝ બીજી વખત પિતા બન્યો છે. શૂરા પહેલા અરબાઝે અગાઉ મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યા હતા. તેમના પુત્ર અરહાનનો જન્મ ૨૦૦૨ માં થયો હતો. જોકે ૨૦૧૭ માં પરસ્પર સંમતિથી તેઓએ છૂટાછેડા લીધા. થોડા સમય સુધી ડેટિંગ કર્યા પછી અરબાઝ અને શૂરાએ ૨૪ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા. લગ્ન અરબાઝની બહેન અર્પિતા ખાન શર્માના ઘરે થયા હતા.
અરબાઝ અને શૂરા પહેલી વાર રવિના ટંડનની ફિલ્મ “પટના શુક્લા” ના સેટ પર મળ્યા હતા. અરબાઝ ફિલ્મના નિર્માતા હતા જ્યારે શૂરા મુખ્ય અભિનેત્રીની મેકઅપ આર્ટિસ્ટ હતી. તેમની મિત્રતા કામ દરમિયાન પ્રેમમાં પરિણમી હતી.