Business

ધાર્મિક,પૌરાણીક અને ઐતિહાસિક મહત્વ ધરાવતું પાર નદીના કિનારે વસેલું અરણાઈ

દક્ષિણ ગુજરાત ની મહત્વની પાર નદીના રમણીય કિનારે,નાની ટેકરીઓ,હરિયાળા ડુંગરો,વનરાજી વચ્ચે  આવેલા  અને વલસાડ થી આશરે 55 કી. મી.દૂર કપરાડા તાલુકાનું અરણાઈ ગામ ધાર્મિક સ્થળ તરીકે જાણીતું છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા અરણાઈ ગામનો જે રીતે રાજ્ય કક્ષાએથી વિકાસ થવો જોઈએ તેવો થયો નથી. જોકે સ્થાનિક સરપંચોની તથા અગ્રણીઓ દ્વારા રજૂઆત તેમજ ગામના વિકાસ કર્યો છે તેનાથી ગામમાં ઘણી સુવિધાઓ ઊભી થઈ છે. અરણાઈ ગામની ઓળખ વર્ષોથી ધાર્મિક સ્થળ તરીકે પ્રસ્થાપિત થયેલી છે. અહીં ગરમ પાણીના ઝરા માટે લોકવાયકા છે કે માતા સીતાને પાણી ની જરૂરિયાત ઉપસ્થિત થતા ભગવાન રામે તિર માર્યું તે સ્થળે ગરમ પાણીના ઝરા નીકળ્યા હતા. જે આજે  24 કલાક વહેતા ગરમ પાણીના ઝરા તરીકે દેશ- વિદેશમાં આ ગામ જાણીતું છે. છતાં અત્યાર સુધીની સરકારોએ ઉનાઈની જેમ ધાર્મિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા ખાસ કશું કર્યુ નથી માત્ર મુલાકાત,સર્વે અને ફાઈલો જ બનાવી છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે,પૂરક વ્યવસાયમાં પશુપાલન,નોકરી,કે અન્ય સ્થળે શહેરોમાં જય છે, અહીં કુકણાં, વારલી, ઢોડિયા સહિતના લોકો વસે છે. તો પાર નદીના કિનારે આવેલું હોવા છતાં ગામના મહત્તમ ફળિયાઓમાં ઉનાળામાં પીવાના પાણીની કારમી મુશ્કેલી ઉભી થાય છે. તો જર્જરિત આગનવાડી, જર્જરિત પ્રાથમિક શાળાને નવી બનાવવાની દરખાસ્ત પણ ફાઈલોમાં અટવાઈ છે. અહીં મહિલા સંચાલિત દૂધ મંડળી પ્રતિદિન 700 લીટર દૂધ ભરે છે.આશરે 80થી વધુ સભ્યો છે.તો નિમાર પાડા, વડપાડા, ચિચપાડા ફળિયામાં પાણીની સમસ્યા, યથાવત છે. કપરાડા તાલુકાના સરકારી તંત્ર કે રાજકીય પદા ધિકારીઓ એ પણ ગામની પાયાની સમસ્યાઓને દૂર કરવામાં વિશેષ રસ રુચિ ધરાવી નથી, તે ગામની મુલાકાત થી જાણી શકાય છે.જોકે ધાર્મિક સ્થળ તરીકે વિકસવાની તમામ શક્યતાઓ ધરાવતા અરણાઈ  ગામના તા.પ.સભ્ય ભગીરથ ભાઈ  ગ્રામ પચાયતના માજી સરપંચો ઉપરાંત ગત ટર્મ ના મહિલા સરપંચ અને હાલના સરપંચ અબુભાઈ.એસ ભોયા અને સભ્યોની એકરાગીતા ના પગલે  દોડધામ કરી સરકારની વિવિધ યોજનાઓના લાભ ગ્રામજનોને અપાવ્યા છે.ઉપરાંત પાણી પુરવઠા યોજના,પાકા રસ્તાઓ, સુવિધાયુક્ત સ્મશાન ભૂમિનું નિર્માણ, મહિલા સંચાલિત દૂધ ડેરીનો વિકાસ સહિતના મહત્વના કાર્યો કર્યા છે.ગામમાં પ્રાથમિક શાળા,સરકારી માધ્યમિક શાળા,આશ્રમશાળા જેવા શેક્ષણિક સંસ્થાનો પણ આવેલા છે.જેમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી પોતાની શેક્ષણિક કારકિર્દી કંડારી રહ્યા છે.

ગરમ પાણીના ઝરા સાથે રામાયણનો સંદર્ભ

અરણાઈ ગામના 24 કલાક વહેતા ગરમ પાણીના ઝરા પાછળ ઘણી ધાર્મિક અને ઐતિહાસિક માન્યતાઓ જોડાયેલી છે.  સ્થાનિક લોકવાયકા અને સરપંચના જણાવ્યા મુજબ માન્યતા છે કે અહીં ભગવાન રામચંન્દ્રજી માતા સીતા સાથે આવ્યા હતા.અને પાણીની જરૂરિયાત ઉભી થતા ભગવાન રામે જમીનમાં બાંણ મારતા તેમાંથી ગરમ પાણીનો ઝરો ફૂટ્યો હતો,જે આજ પર્યન્ત ચાલુ છે. ઉંમરાના ઝાડમાંથી સતત ગરમ પાણી વહેતુ રહે છે.તો નજીકમાંજ ઠંડા પાણીનો ઝરો પણ વહેતો રહે છે.જે માટે બે કુંડ પણ બનાવવામાં આવ્યા છે . અહીં બનાવવામાં આવેલી રામ પારેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા થોડું રીનોવેશનનું કામ થયું છે. અહીં શ્રીરામ કથાનું પણ આયોજન કરાયું હતું.અહીં વર્ષભર ધાર્મિક શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે,ઝરા નજીક સ્નાન કરી પવિત્ર થાય છે,માન્યતા છે કે અહીં સ્નાન કરવાથી ચામડીના રોગ પણ મટી જાય છે.જોકે અહીં સુવિધાઓનો અભાવ જોવા મળે છે.

ધાર્મિક સ્થળ તરીકે વિકસાવવા સ્થાનિક ટ્રસ્ટની રજૂઆત

અગાવ 2013-૨૦14માં સ્થાનિક ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી વિકાસ કરવા જણાવ્યું હતુ,  જોકે માત્ર સર્વે સિવાય કોઈ કામગીરી થઈ ન હતી.હાલે રાજકીય પદાધિકારી અને અધિકારીઓની ટીમે મુલાકાત કરી  ધાર્મિક સ્થળ તરીકે વિકસાવવા સર્વે કર્યો છે.અહીં શંકર ભગવાનનું દરવાજા વગરનું એતિહાસિક મંદિર, સીતાકુંડ, માવલી માતાનું મંદિર, રામ ,લક્ષ્મણ, સીતા હનુમાનજીનું મંદિર પણ આવેલું છે.જો ધાર્મિક સ્થળ તરીકે વિકાસ થાય તો સ્થાનિક કક્ષાએ રોજગારીના અનેકવિધ સ્ત્રોત ઊભા થઇ શકે છે.

ચેક ડેમ કમ કોઝવેમાં ભંગાણ પડ્યા બાદ રીપેર થયો નથી

ગામમાં કપરાડા અને ધરમપુર તાલુકાને જોડતા પાર નદી ઉપર વર્ષો અગાવ ચેકડેમ કમ કોઝવે બનાવાયો છે. જોકે તેમાં વચ્ચે ભંગાણ થયું છે. જેના પગલે ચોમાસા દરમિયાન દુર્ઘટનાનો ટાળવા રીપેર કરવા પંચાયતે દરખાસ્ત કરી હોવા છતાં રીપેર કરાયો નથી ,કે ઉચોંકરાયો નથી.એ કોઝવે થકી 15 કી. મી.દૂર ધરમપુર પહોંચી શકાય છે,એજ રીતે સીધા કપરાડા જવા વાયા ચાંદ વેંગણ થઈ 15 કી. મી.માં પહોંચી શકાય તેમ છે.જોકે વચ્ચે આવતા ખનકા ઉપર પુલ ન હોઈ ચોમાસા દરમિયાન 25 કી. મી.નો ફેરાવો લોકોને ફરવો પડે છે .છતાં આ મુદ્દે રજૂઆતો બાદ પણ કોઈ ગતિવિધિ શરૂ થઈ નથી.

શિક્ષણ ક્ષેત્રે પણ પ્રગતિ

પ્રાથમિક શાળામાં કુલ 452 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.જેમાં 219 કન્યા અને 233 કુમાર શિક્ષણ મેળવે છે.જ્યારે 14 શિક્ષકો શિક્ષણ આપે છે.વિવિધ શેક્ષીક સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ અનેકવિધ ઇનામો મેળવ્યા છે.આચાર્ય પ્રકાશ પટેલ અને શિક્ષકો ઉત્તમ શિક્ષણ આપી રહ્યા છે. જોકે જર્જરિત શાળાના ઓરડાઓને તોડવા અને નવી બનાવવા પ્રાથમિક શિક્ષણ વિભાગ નિષ્ક્રિય રહ્યું છે.અહીં કેમ્પસમાં 1960માં લોક ફાળા થકી બનેલા ઓરડાનો પણ સમાવેશ થાય છે.

ગામમાં ત્રણ આંગણવાડી અને ૨૯ કૂવા છે પ્રાથમિક શાળાના ઓરડા જર્જરીત

અરણાઈગામમાં સરપંચ દ્વારા શૌચાલઈનું આશરે 95 ટકા કામ પૂર્ણ કરાયું છે.ગામમાંકુલ 29 કૂવાઓ, 43 હેન્ડ પમ્પ, ઉપરાંત ત્રણઆંગણવાડી આવી છે, જે પેકી એકઆંગણવાડીઅત્યંત જર્જરિત થઈ ચૂકી છે.જેને બનાવવા દરખાસ્ત કર્યાનો ખાસ્સો સમય વીતીગયો હોવા છતાં વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી શરૂ થઈ નથી.તો ગામની પ્રાથમિકશાળા કેમ્પસમાં આવેલા અને 1960માં નિર્માણ કરાયેલા ઓરડો વર્ષોથી અત્યંતજર્જરિત થયો હોય તેને બંધ કરી દેવાયો છે,જોકે તેને તોડવાની કોઈ પ્રક્રિયાહજુ સુધી શરૂ ન થતા તે જોખમી બન્યો છે.

સાક્ષરતા દર 60 ટકા છે

ગામનો સાક્ષરતા દર કુલ 60 ટકા છે,જેમાં પુરુષ 74.91, મહિલા 46.08 છે.ગામની કુલ વસ્તી 2716 છે, જેમાં 1377 પુરુષ અને 1339 મહિલાઓનો સમાવેશ થાય છે.

  • ગામમાં ગરમ પાણીના ઝરા માટે લોકવાયકા છે કે માતા સીતાને પાણી ની જરૂરિયાત ઉપસ્થિત થતા ભગવાન રામે તિર માર્યું તે સ્થળે ગરમ પાણીના ઝરા નીકળ્યા હતા. જે આજે  24 કલાક વહેતા ગરમ પાણીના ઝરા તરીકે દેશ- વિદેશમાં આ ગામ જાણીતું છે. છતાં અત્યાર સુધીની સરકારોએ ઉનાઈની જેમ ધાર્મિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા ખાસ કશું કર્યુ નથી માત્ર મુલાકાત,સર્વે અને ફાઈલો જ બનાવી છે.

પાર નદી ઉપર બોટીંગની પણ શકયતા

અરણાઈ ગામ નજીકથીજ પાર નદી વહેછે.ચારે તરફ વિશાળ ડુંગરો આવ્યા છે.ધાર્મિક પ્રવાસન સ્થળ તરીકે વિકસવા સાથેઅહીં પાર નદી ઉપર જો ચેક ડેમ બનાવવામાં આવે તો વર્ષના 8 મહિના અહીં બોટીંગપણ શરૂ કરી શકાય તેમ છે.અગાવ સથાનીક આગેવાનો એ કલેકટર ને રજુસ્ટ બાદ  ખાનગી એજન્સીઓ એ પણ અહીં સર્વે કર્યો હતો. અને અહીં પાર નદી માં બોટીંગ શરૂકરી શકાય તેવી શકયતા દર્શાવી હતી.નાસિક રોડ ઉપર પાનસ પાટિયાથી અહીં સુધીનવો માર્ગ પણ બન્યો છે.પ્રવાસીઓ પણ અહીં વર્ષભર આવે છે.જો પ્રવાસન વિભાગઅહીં પ્રોજેકટ બનાવે તો ચોક્કસ આ સ્થળના સાથે સ્થાનિક કક્ષાએ રોજગારીનાઅનેક આયામો પણ ખુલી શકે તેમ છે.

પાર નદી પર મોટો ચેકડેમ બને તો ગામમાં પાણી મળી શકે

સરકારના અણઘડ આયોજનનો ઉત્તમ નમૂનો અરણાઈ ગામમાં જોવા મળે છે.અહીં  ગામને અડીને વિશાળ પાર નદી વહે છે. જ્યાં મોટો ચેક ડેમ બનાવવામાં આવે અને કોઈ યોજના બનાવાઈ તો ગામ જ નહિ આજુબાજુના ગામોને પણ પાણી આપી શકાય તેમ છે. જોકે માઈલો દૂરથી અસ્ટોલપાણી પુરવઠા યોજના અંતર્ગત પાઇપ લાઈન નાખી પાણી અપાશે.

કપરાડાના પ્રાંત અધિકારી, ધારાસભ્ય સહીતની બેઠકમાં સૂચનો લેવાયા

અરણાઈ ગામનેધાર્મિક અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા તાજેતરમાંજ કપરાડા ના પ્રાંતઅધિકારી,મામલતદાર,ટી.ડી.ઓ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં એક પ્રતિનિધિમંડલેઅરણાઈ ની મુલાકાત લઈ સ્થાનિક આગેવાનો સરપંચો, ટ્રસ્ટી ઓ સાથે બેઠક કરીહતી.જેમાં અહીં કઈ રીતે વિકાસ કરી શકાય તે માટેના સૂચનો અને માહિતી આગેવાનોપાસેથી મેળવાય હતી.અને તેનો રિપોર્ટ પ્રવાસન વિભાગ અને સરકારમાં મોકલવામાંઆવશે.જોકે અહીં નોંધનીય છે કે 2013.14ના વર્ષમાં પણ તત્કાલીન કલેકટરડો.વિક્રાંત પાંડે ને સ્થાનિકોને આપેલા આવેદનપત્ર બાદ માત્ર સર્વે થયો હતો , કામ કોઈ થયું ન હતું. ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી પેટાચૂંટણીમાં જે રીતે વધુ મતોથી ચૂંટાયા છે ત્યાર બાદ તેમણે કપરાડાના વિકાસ માટે પ્રયાસો શરૂ કર્યા છે. પહેલાં તેઓ વિરોધ પક્ષમાં હોવાથી તેઓ ધારાસભ્ય તરીકે ધાર્યુ નિશાન પાર કરી શકતા ન હતા. હવે તેઓ સત્તાધારી પક્ષ તરફથી ચૂંટાયા હોવાથી તેમના દ્વારા સરકારમાં ત્વરીત કામ થઈ શકે છે. તેમની ધારાસભ્ય તરીકેની સક્રિયતા સાથે અરણાઈને પ્રવાસન સ્થળ તેમજ ધાર્મિક સ્થળ તરીકે વિકસાવવા માટે તેમની હાજરીમાં મળેલી બેઠકમાં સૂચનો લેવાયા હતા. હવે સરકારમાં રજૂઆત બાદ તે દિશામાં કામ થશે. હવે અરણાઈ ગામનો વિકાસ થવાની સંભાવનાઓ વધી ગઈ છે.

અરણાઈમાં માધ્યમિક શાળાને લઈને શિક્ષણની સારી સુવિધા

અરણાઈ ગામમાં 8થી10 ધોરણની સરકારી માધ્યમિક હાઈસ્કૂલ પણ આવેલી છે.જ્યાં બાજુમાં જ સ્ટાફ ક્વાર્ટરસ બનાવાયા છે.અરણાઈ ગામમાં ૮થી ૧૦ ધોરણ માટે સરકારી માધ્યમિક શાળાને કારણે અહીં માધ્યમિક સુધીનું શિક્ષણ ઘર આંગણે જ મળી જાય છે. આ શાળા માટે તેની બાજુમાં જ શિક્ષકો માટે સ્ટાફ ક્વાર્ટસ પણ બનાવવામાં આવ્યા છે. આમ શિક્ષકોને પણ રહેવા માટે શાળાની બાજુમાં જ વ્યવસ્થા હોવાથી આવજાવની મુશ્કેલી પડતી નથી. જોકે આ ગામનો સાક્ષરતા દર ૬૦ ટકા બતાવવામાં આવ્યો છે. તે જોતા ગામમાં શિક્ષણ માટે આશિર્વાદરૂપ આ શાળાઓનો વધુમાં વધુ જો સહયોગ લેવામાં આવે તો આ ગામનો સાક્ષરતા દર પણ ઊંચો આવી શકે તેમ છે. શિક્ષણ માટે ગામમાં હજી વધુ કામ થવું જોઈએ. માધ્યમિક શાળા સુધીનું શિક્ષણ અરણાઈમાં જ ઉપલબ્ધ છે તે પણ તેની સારી ઉપલબ્ધી જ ગણી શકાય. બીજી તરફ આ ગામનો જો પ્રવાસન ધામ કે ધાર્મિક સ્થળ તરીકે વિકાસ થાય તો સ્થાનિક યુવકો વધુ અભ્યાસ કર્યો હોય તો તેમને ઘર આંગણે પ્રવાસન ક્ષેત્રે પણ પોતાની કારકિર્દી બનાવી શકે છે.

ગ્રામ પચાયતના હોદ્દેદારો

સરપંચ: આબુ ભાઈ એસ ભોયા

ડેપ્યુટી સરપંચ:  સરસ્વતીબેન દિનેશભાઈ ચૌધરી

સભ્યો: સરલાબેન દક્ષુ રાથડ, કસ્તુરભાઈ સોનુ ભાઈ ઢાઢર, દેવજી ધાકલભાઈ ઝાંઝર, મધુ દિનેશ ભાઈ ઝાંઝર, સમીતા નવીન ભાઈ સ્વરાનો સમાવેશ થાય છે.જ્યારે એક સભ્ય વિજય ભાઈ જમશું ભાઈ નું નિધન થયું છે.

કપરાડા જવા ખાડી પર પુલ બનાવવા રજૂઆત કરી

વર્તમાન સરપંચ આબુભાઈ ભોયાએ જણાવ્યું કે ગત ટર્મ માં મારી પત્ની સરપંચ તરીકે ફરજ બજાવતી હતી.જેમના શાસનકાળમાં પણ ગામમાં  રસ્તાઓ,પાણી પુરવઠા યોજના, દૂધડેરીનો વિકાસ, વિકાસના અન્ય કામો,અદ્યતન સ્મશાન ભૂમિ, સહિત વિવિધ યોજનાઓના લાભો પણ ગ્રામજનોને અપાવ્યા હતા.સરપંચે જણાવ્યું કે ગામની ગ્રામ પચાયતનું નવું મકાન, આંગણવાડી નું જર્જરિત મકાન, નિમારપડા સહિત ત્રણ ફળિયામાં પાણીની  સમસ્યા નિવારવા  સરકારમાં દરખાસ્ત  કરી છે. તો ગામ નજીકના કોઝવે ઊંચો કરવા, નદીમાંથી પાઇપ લાઈન, કપરાડા સીધા જવા ખાડી ઉપર કોઝવે કે પુલ બનાવવા પણ રજુઆત કરી છે.

અરણાઈને પ્રવાસન અને ધાર્મિક સ્થળ તરીકે વિકસાવો

અરણાઈના અને કપરાડા તાલુકા પંચાયત સભ્ય ભગીરથભાઈ પી. ગાવીતે જણાવ્યું કે અમારું ગામ  ધાર્મિક અને પ્રવાસન સ્થળ તરીકે વિકસી શકવાની તમામ શક્યતાઓ ધરાવે છે.અમે ગ્રામજનો સાથે 2013-૨૦14ના વર્ષમાં કલેકટર ને આ અંગે રજુઆત કરી આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. છતાં સર્વે સિવાય કોઈ કાર્યવાહી થઈ નથી.જો પ્રવાસન વિભાગ વિકસાવે તો પાનસથી લઈ સમગ્ર વિસ્તારમાં અનેકવિધ પ્રકારે લોકોને રોજગારી ઉપ લબ્ધ થઈ શકે.

Most Popular

To Top