ગુજરાતના (Gujarat) પોરબંદરના (Porbandar) દરિયામાંથી સર્ચ ઓપરેશન (Search Operation) દરમિયાન 6 પાકિસ્તાની ઝડપાયા છે. ગુજરાત ATS, ભારતીય કોસ્ટ ગાર્ડ અને NCBના સંયુક્ત ઓપરેશનમાં આ 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન તેમની પાસેથી 480 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. આ પકડાયેલા પાકિસ્તાનીઓને પોરબંદર લાવવામાં આવશે. કોસ્ટ ગાર્ડ, એટીએસ અને એનસીબીએ મળીને અત્યાર સુધીમાં 3,135 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.
પોરબંદરના અરબી સમુદ્રમાંથી વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCBએ સંયુક્ત ઓપરેશન કર્યું હતું. પોરબંદરથી 350 કિલોમીટર દૂર જળસીમામાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. આ સંયુક્ત ઓપરેશનમાં 480 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ઓપરેશન દરમિયાન 70થી 80 ડ્રગ્સના પેકેટ સાથે 6 પાકિસ્તાનીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ઝડપાયેલા તમામ આરોપીઓને પોરબંદર લાવવામાં આવશે.
ભારતીય કોસ્ટ ગાર્ડે, એજન્સીઓના ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે 11 માર્ચ સોમવારના રોજ અરબી સમુદ્રમાં ઓપરેશન હાથ ધરાયું હતું. સંયુક્ત ઓપરેશનમાં ભારતીય કોસ્ટ ગાર્ડે (ICG) ગુપ્ત માહિતીના આધારે 6 ક્રૂ અને નાર્કોટિક્સ ઓનબોર્ડ સાથે એક પાકિસ્તાની બોટને પકડી લીધી હતી. ICGએ તેના ડોર્નિયર એરક્રાફ્ટને સંભવિત વિસ્તારોમાં બોટને સ્કેન કરવા અને તેને શોધવાનું કામ હાથ ધર્યું હતું. શોધખોળ કર્યા પછી ICG જહાજો, NCB અને ATS ગુજરાતની ટીમો સાથે સ્થળ પર પહોંચ્યા હતાં. જ્યાં અંધારામાં શંકાસ્પદ રીતે આગળ વધી રહેલી બોટની ઓળખ કરી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.