Charchapatra

વિવિધ ધર્મના તહેવારોનો સંગમ એટલે એપ્રિલ

એપ્રિલની વિશેષતા એ છે કે, આ મહિનામાં મોટા ભાગના ધાર્મિક તહેવારો આવે છે. ઈદ પછી રામનવમી આવી, હવે  જૈનોની મહાવીર જયંતિ આવશે, ખ્રિસ્તીઓનો ગુડફ્રાઈડે. હનુમાન જયંતિ અને પરશુરામ જયંતિ જેવા તહેવારો એક જ મહિનામાં આવે છે. આ બધામાં એક અવતારી મહાપુરુષ કહી શકાય તેવા આપણા રાષ્ટ્રના બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકર સાહેબનો જન્મદિવસ ચૌદમી એપ્રિલે આવે છે. સામાન્ય રીતે દલિતો તેમને પોતાના નેતા માને છે પરંતુ તે સમગ્ર રાષ્ટ્રના તમામ ભારતીયોના નેતા છે. તેમણે ફક્ત દલિતો માટે લડત કરી હતી તેવું નથી.

તે સમયે કોઈપણ વર્ણની સ્ત્રી હોય તેમને અન્યાય થતો હતો. તે અન્યાય થતો અટકાવવા તથા તેમને આગળ લાવવા માટે 5 ફેબ્રુઆરી 1951માં મહિલા સમાનતાનો અધિકાર આપવા માટે  બિલ પાર્લામેન્ટમાં રજૂ કર્યુ હતું, જે તેમની હયાતીમાં પાસ થયું ન હતું પરંતુ તેમના મૃત્યુ બાદ ત્રણ તબક્કે પસાર થયું હતું. મહિલાઓનો મુક્તિનો માર્ગ ખુલ્યો હતો. આજે આપણે જે કોઈ મહિલાઓને જાહેર, સામાજિક, આર્થિક જીવનમાં અગ્રેસર જોઈએ છીએ તે આપણાં ડો.બાબાસાહેબની દીર્ઘદ્રષ્ટિને આભારી છે.
સુરત     – પ્રવિણ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

વક્તવ્ય અને બક્તવ્ય…
વક્તવ્ય એ કળા છે તો શ્રવણ એ મહાકળા છે. જેની પાસે કહેવાનું ઓછું હોય છે એ વધું બોલતા હોય છે. ઘણા બોલવામાં ઉતાવળા હોય છે તો ઘણાં શાંતિથી સાંભળી શકે એવા ધૈર્યવાન હોય છે. વક્તા બધાં શ્રેષ્ઠ નથી હોતા, ઘણાં બક્તા પણ હોય  છે. આપણે ત્યાં એક કહેવત છે કે, “એક કાને સાંભળી બીજા કાનેથી કાઢી નાખવું” ટૂંકમાં કાનને પણ ગરણી (ફિલ્ટર) લગાડવું પડે.

જેમ બોલતી વખતે ‘હૈયે હોય એ જ હોઠે આવે’ એમ સાંભળતી વખતે પણ સારું હોય એ જ હૈયે અર્થાત્ મનને સ્પર્શતું હોય છે. વિદ્વાન અને ધૈર્યવાન કદી ઉંચા અવાજે વાત નથી કરતાં. જે ભીતરથી બોદા, છીછરા અને ખોખલા હોય એને જ અવાજ “મોટો” કરવો પડતો હોય છે. જેમ ઘણી વખત આંખ જોતી હોય પણ મન એની નોંધ નથી લેતું એમ ઘણી વખત સાંભળતી વખતે કાન મોજુદ હોય છે પણ ધ્યાન ગેરહાજર હોય છે.
સુરત     –  પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top