બોલિવુડના ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ વિરુદ્ધ સુરતમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા સુરત પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. સુરતના બ્રાહ્મણ સમાજ દ્વારા આ અરજી કરાઈ છે. બ્રાહ્મણ સમાજ પર તાજેતરમાં દિગ્દર્શકે વાંધાજનક પોસ્ટ કરી હતી, જેને મામલે બ્રાહ્મણ સમાજ ક્રોધે ભરાયો છે.
ફિલ્મ ફૂલે પર સેન્સરની ચાલેલી કાતર બાદ દિગ્દર્શક અનુરાગ કશ્યપ ભડક્યો હતો અને જાતિવાદ મામલે અનેક ટિપ્પણીઓ કરી હતી. દિગ્દર્શકે બ્રાહ્મણ સમાજ અંગે પણ વાંધાજનક પોસ્ટ મુકી હતી, જેથી બ્રાહ્મણો રોષે ભરાયા છે. વિવાદિત પોસ્ટના કારણે તેમની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માટે સુરત પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે.
સલાબતપુરા પોલીસ સ્ટેશન તથા પોલીસ કમિશનરને એક અરજીના માધ્યમથી ફરિયાદમાં ફિલ્મ જગતના જાણીતા દિગ્દર્શક, ફિલ્મ નિર્માતા, લેખક અને અભિનેતા અનુરાગ કશ્યપ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.
આ ફરિયાદ ભગવતીપ્રસાદ હોસલાપ્રસાદ દુબે (ઉમર: 38 વર્ષ, વ્યવસાય: વેપાર) નામના અરજદાર દ્વારા કરવામાં આવી છે. અરજદાર સુરત શહેરમાં નિવાસી છે અને પોતે બ્રાહ્મણ સમાજના છે. અરજદારના જણાવ્યા અનુસાર અનુરાગ કશ્યપે પોતાની ઈન્સ્ટાગ્રામ ID anuragkasap10 પર એક વિવાદાસ્પદ પોસ્ટ મૂકીને બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ ખોટી ટીકા, અપશબ્દ અને બદનક્ષી કરનારું લખાણ જાહેર કર્યું છે.
અરજદારનું કહેવું છે કે ઈન્સ્ટાગ્રામ પર અનુરાગ કશ્યપે મૂકેલી પોસ્ટમાં બ્રાહ્મણ સમાજ સામે અપશબ્દ અને કટાક્ષ કરાયો હોવાનું જણાવાયું છે. વડાપ્રધાનના અટકના ઉલ્લેખ સાથે ટકોર કરવી તથા જાતિગત ટીકા કરાઈ હોવાનો આક્ષેપ છે. તેમની પોસ્ટ પર કમેન્ટ કરનાર લોકો દ્વારા પણ અરજદાર અને સમગ્ર બ્રાહ્મણ સમાજની લાગણીઓ દુભાઈ છે. આ પોસ્ટના કોમેન્ટ વિભાગમાં પણ અશ્લીલ ટિપ્પણીઓ જોવા મળી હોવાનું અરજદારનું માનવું છે.
ભગવતી પ્રસાદ દુબેએ પોલીસ અને સુરત પોલીસ કમિશનરને વિનંતી કરી છે કે આ મામલામાં તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવે તથા અનુરાગ કશ્યપ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવે.
