Vadodara

બોમ્બ ફેંકનાર ત્રણેય આરોપી વિરુદ્ધ IPC કલમ 308નો ઉમેરો કરવા અરજી

વડોદરા: વડોદરાની ગોત્રી નવનાથ નગરસોસાયટીમાં રહેતા એનઆરઆઈ પરિવારના 12 વર્ષિય બાળક પર એક સાથે 3 સુતળી બોમ્બ ફેંકાતા બાળકને ઈજાઓ પહોંચી હતી. જે મામલે એનઆરઆઈ પરિવારે રાજ્યના ગૃહમંત્રી અને ગોત્રી પોલીસમાં ફરિયાદ પણ આપી હતી. પોલીસે ફરિયાદના આધારે સુતળી બૉમ્બ ફેંકનાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે 12 વર્ષિય બાળકની માતાએ પોલીસ કમિશનર કચેરીમાં વધુ એક અરજી કરી સુતળી બોમ્બ ફેંકનાર ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 308 ઉમેરો કરવા અરજી કરી છે.

શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ નવનાથ નગર સોસાયટીમાં ચિંતનબેન અમોલ બીનીવાલે પરિવાર સાથે રહે છે.  તેમના પતિ અમોલ બીનીવાલે મંજુસર જીઆઈડીસીમાં આવેલ ખાનગી કંપનીમાં મેનેજીંગ ડિરેક્ટર છે. ચિંતનબેને ગોત્રી પોલીસ મથકમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, દિવાળીની રાતે સોસાયટીમાં રહેતા કેટલાક અજાણ્યા લોકોએ તેમના 12 વર્ષના બાળક અમન પર ત્રણ સૂતરી બોમ્બ ફેંકતાં હાથ, કાન અને આંખમાં ગંભીર ઈજા પહોચી હતી. અમનને સારવાર માટે ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં લઈ જવાતા ડોક્ટરોએ અમનના બંને કાનના પડદાઓને ઈજા પહોંચી હોવાનું અને આંખના વિઝનને પણ નુકશાન થયું હોવાનું જણાવ્યું હતું. આ ઘટના બાદ તેઓએ સોસાયટીના સીસીટીવી પણ તપાસ્યા હતાં.

જેમાં પણ અમન પર સુતળી બોંબ ફેકાયો હોવાનું નજરે ચઢ્યું હતું. જે બાદ એન.આર.આઈ અમોલ બિનીવાલે સીસીટીવી ફુટેજ અને ડોક્ટરી રિપોર્ટ સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં પણ લેખીતમાં ફરિયાદ આપી હતી. જેથી પોલીસે સુતળી બૉમ્બ ફેંકનાર મહેન્દ્ર ઉર્ફે મોન્ટુ પરમાર, નવીન પરમાર અને વિશાલ ધોબી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. દરમિયાન ચિંતનબેન અમોલ બીનીવાલે પોલીસ કમિશનર કચેરીમાં વધુ એક અરજી કરી હતી. આ અરજીમાં આરોપી મહેન્દ્ર ઉર્ફે મોન્ટુ પરમાર, નવીન પરમાર અને વિશાલ ધોબીને જીતેન્દ્રભાઈએ સમજાવેલ હોવા છતાં ઇરાદાપૂર્વક કૃત્ય કર્યું હતું. તેવા કૃત્યથી તેમના પુત્રનું મૃત્યુ નીપજે તેવી શક્યતા હોવાનું જણાતા હોવા છતાં તે કૃત્ય કર્યું હતું. જેથી તે તમામ વિરુદ્ધ આઇપીસી 308ની કલમનો ઉમેરો કરવા માટે અરજી કરી હતી.
કલમ 308 શું છે
સાપરાધ મનુષ્ય વધની કલમ છે. જે મુજબ એવું કૃત્ય કરવું કે જેનાથી સામેના વ્યક્તિનું મોત નિપજી શકે એવી જાણકારી હોય.

Most Popular

To Top