કોવિડ-19ના કારણે જાતજાતની મુશ્કેલીઓ ઊભી થઈ હતી. 2 વર્ષ સુધી અમેરિકન કોન્સ્યુલેટની ઓફિસો બંધ હતી. અમેરિકા જવા ઈચ્છતા અનેક એ માટે જરૂરી ‘B-1/B-2’ વિઝા મેળવી શક્યા નહોતા. આજે પણ આ પરિસ્થિતિનો અંત નથી આવ્યો. ‘B-1/B-2’ વિઝાના અરજદારો અથવા જેમની પાસે 10 વર્ષના એ મલ્ટિએન્ટ્રી વિઝા હતા અને એ પૂરા થતાં રિન્યુ કરવા માટે પણ સમય ફાળવવામાં ખૂબ જ ઢીલ થાય છે.
જેમની પાસે 10 વર્ષના મલ્ટિએન્ટ્રી ‘B-1/B-2’ વિઝા હતા અને જેમણે એ વિઝાના કાયદાઓ તેમ જ નિયમોનું ઉલ્લંઘન કર્યું નહોતું, જેમના ભૂતકાળમાં કોઈ પણ પ્રકારના અમેરિકાના વિઝા નકારવામાં આવ્યા નહોતા, એવા લોકો જો આજે ‘B-1/B-2’ વિઝાની અરજી કરવા ઈચ્છતા હોય તો એમણે એ માટે જરૂરી વિઝાનું અરજીપત્રક ફોર્મ ‘DS-160’ ઑનલાઈન ભરીને, વિઝા પ્રોસેસિંગ ફી આપીને ઈન્ટરવ્યૂનો સમય મેળવવાનો રહે છે. એ પહેલાં બાયોમેટ્રિક્સ આપવાની રહે છે. ત્યાર બાદ કોન્સ્યુલર ઓફિસરો નક્કી કરે છે કે એમને ઈન્ટરવ્યૂ માટે બોલાવવા કે નહીં? જો જરૂર જણાય તો એમને પર્સનલ ઈન્ટરવ્યૂ માટે બોલાવે છે. અનેક વાર ઈન્ટરવ્યૂનો જે સમય હોય છે એ અચાનક કેન્સલ કરવામાં આવે છે. અરજદારે ઈન્ટરવ્યૂની તારીખ ફરી પાછી મેળવવાની રહે છે. કોન્સ્યુલર ઓફિસરને લાગે કે અરજદારને ઈન્ટરવ્યૂમાં બોલાવવાની જરૂરિયાત નથી તો તેઓ એ મુજબની જાણ કરે છે અને પાસપોર્ટ આપવાનું જણાવે છે. એમને ઈન્ટરવ્યૂમાં બોલાવ્યા સિવાય વિઝા આપવામાં આવે છે. સામાન્ય રીતે એ 10 વર્ષના મલ્ટિએન્ટ્રી હોય છે.
આ બધી પ્રક્રિયા પૂરી થતાં આજે ઘણો લાંબો સમય લાગે છે. ઈન્ટરવ્યૂની તારીખ મેળવવા માટે ખૂબ મહેનત લેવી પડે છે. ટૂંક સમયમાં બધી જ કોન્સ્યુલર ઓફિસો રાબેતા મુજબ કામ કરતી થશે તો પણ 2 વર્ષથી વધુ સમય આ ઓફિસો બંધ રહી હોવાના કારણે અરજદારોએ લાંબો સમય સુધી વાટ જોવાની રહેશે જ. અરજદારોએ આવા સંજોગોમાં અમેરિકન કોન્સ્યુલેટને દોષ ન દેતાં કુદરતી પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે એનો ખ્યાલ રાખીને ધીરજ ધરવી જોઈએ અને જરૂર હોય તો જ વિઝાની અરજી કરવી જોઈએ. ‘ચાલો, વિઝા લઈને રાખી મૂકીએ એટલે ગમે ત્યારે અમેરિકા જઈ શકાય’ આવું વિચારીને વિઝાની અરજી કરવી ન જોઈએ. એમ કરતાં કોન્સ્યુલેટ પર કામનો બોજો વધી જશે અને જરૂરતમંદોને મુશ્કેલી ઊભી થશે. હાલના સંજોગોને ધ્યાનમાં લેતાં જેમને અમેરિકામાં જવાની ખૂબ જ જરૂર હોય એમણે જ વિઝાની અરજી કરવી જોઈએ. અન્યોએ ધીરજ ધરીને કામકાજ વ્યવસ્થિત થઈ જાય પછી જ વિઝાની અરજી કરવી જોઈએ.
B-1/B-2 વિઝાના અનેક અરજદારોને અરજી કરતી વખતે કઈ વાતોનો ખ્યાલ રાખવો જોઈએ એની જાણ નથી હોતી. આજે જ્યારે વિઝાનો ઈન્ટરવ્યૂ મેળવવા માટે લાંબી વાટ જોવી પડે છે ત્યારે એમણે આ બધી જાણકારી મેળવી લેવી જોઈએ. સૌ પ્રથમ તો જેઓ ખરા અર્થમાં બિઝનેસમેન હોય અને બિઝનેસના કામ માટે જ થોડા સમય માટે અમેરિકા જવા ઈચ્છતા હોય, જેઓ હકીકતમાં એક વિઝિટર તરીકે જ અમેરિકા ફરવા કે એમના ત્યાં રહેતાં સગાંવહાલાંને મળવા જવા ઈચ્છતા હોય, જેમનો અમેરિકામાં કાયમ રહેવાનો કે ત્યાં નોકરી-ધંધો કરવાનો ઈરાદો ન હોય તેઓ જ ‘B-1/B-2’ વિઝા મેળવવાને લાયક હોય છે.
કોઈ પણ પરદેશી જ્યારે ‘B-1/B-2’ વિઝાની અરજી કરે છે ત્યારે અમેરિકાના ‘ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ, ૧૯૫૨’ની કલમ 214(B) હેઠળ કોન્સ્યુલર ઓફિસરે ફરજિયાત એવું ધારી લેવું પડે છે કે એ અરજદાર અમેરિકામાં ‘ઈમિગ્રન્ટ’ તરીકે એટલે કે કાયમ રહેવાના ઈરાદાથી પ્રવેશવા ચાહે છે. કાયદાની આ કલમના કારણે અરજદારે ઓફિસરને દેખાડી આપવું પડે છે કે એનો અમેરિકામાં કાયમ રહેવાનો કે ત્યાં નોકરી યા બિઝનેસ કરવાનો ઈરાદો નથી. એ ખરા અર્થમાં એક ‘બિઝનેસમેન’ અથવા ‘વિઝિટર’ છે. એ બિઝનેસના કામ માટે કે પછી એક વિઝિટર તરીકે જ અમેરિકા જવા ઈચ્છે છે. એની પાસે ખર્ચાના પૂરતા પૈસા છે. સ્વદેશમાં એનું પોતાનું રહેવાનું ઠેકાણું છે જે એ ત્યજી દેવા નથી ઈચ્છતો. એનું ફેમિલી પણ સ્વદેશમાં છે. સ્વદેશમાં એ બિઝનેસ યા નોકરી કરે છે. જો રિટાયર્ડ હોય તો એની પાસે એટલું ધન છે જે જીવનનિર્વાહ માટે પૂરતું છે.
આ સર્વે વાતોની ખાતરી કેમ કરાવી આપવી એની મોટા ભાગના અરજદારોને ખબર નથી હોતી. ઓફિસર બિઝનેસમેનને જ્યારે પૂછે છે ‘તમે અમેરિકા શા માટે જવા ઈચ્છો છો?’ ત્યારે તેઓ કહે છે ‘બિઝનેસ કાર્ય માટે.’ ઓફિસર બીજો પ્રશ્ર્ન પૂછે છે, ‘કયું કાર્ય?’ અરજદાર જવાબ આપે છે, ‘મીટિંગ.’ ‘કોને મળવાના છો? એપોઈન્ટમેન્ટ લીધી છે?’ અરજદાર આ સવાલનો જવાબ સંતોષકારક આપી નથી શકતો. એ કયા બિઝનેસમેનોને મળવાનો છે, એ માટે એપોઈન્ટમેન્ટ લીધી છે કે નહીં, એ મીટિંગમાં એવી શું વાત કરવાનો છે જે ફોન ઉપર કે E-mail દ્વારા કરી ન શકાય, આ સઘળું એ સંતોષકારક રીતે જણાવી નથી શકતો. હકીકતમાં એ આ બધું જ કરવાનો હોય છે પણ ઈન્ટરવ્યૂમાં પૂછાતા આવા સવાલોના શું જવાબો આપવા એની એણે તૈયારી કરી નથી હોતી. આથી ઓફિસરને એના બિઝનેસમેન હોવા માટે શંકા જાય છે. એના વિઝા રિજેક્ટ થાય છે.
વિઝિટર્સ વિઝાના અરજદારોને પૂછવામાં આવે છે, ‘અમેરિકા શું કામ જવું છે?’ ત્યારે તેઓ કહે છે ‘ફરવા.’ ‘ક્યાં ફરશો? ત્યારે અરજદાર કહે છે, ‘અમે ટુરમાં જઈએ છીએ. જે દેખાડશે એ જોઈશું.’ ઘણા એવું કહે છે, ‘મારા ઓળખીતા ત્યાં રહે છે એ અમને જે જોવાલાયક છે એ બધું દેખાડશે.’ આથી ઓફિસરને વિશ્વાસ નથી બેસતો. આજે જ્યારે તમે ‘B-1/B-2’ વિઝા માટે ઈન્ટરવ્યૂનો સમય મેળવવા વાટ જોતાં બેઠા છો ત્યારે ‘B-1/B-2’ વિઝા મેળવવા શેની જરૂરિયાત છે, ઈન્ટરવ્યૂમાં કેવા સવાલો પૂછવામાં આવે છે, કેવા જવાબોની અપેક્ષા રખાય છે આ બધું જાણી લો. સમયનો સદ્ઉપયોગ કરો, જાણકારી મેળવો. વિઝા મેળવવામાં એ તમને ખૂબ સહાય કરશે.