ફેસબુક, વૉટ્સએપ અને ગુગલની સેવાઓ વિશ્વના વિવિધ ભાગોમાં ખોરવાવાના બનાવો પછી હવે ટેક જાયન્ટ એપલની ઓનલાઇન સેવાઓ અને વિવિધ એપ્સ ડાઉન થઇ ગયા હતા.
અમેરિકાના ઇસ્ટર્ન ટાઇમ પ્રમામણે બપોરે દોઢ વાગ્યાના સુમારે બુધવારે આ સેવાઓ ખોરવાવાનું શરૂ થયું હતું.
આમાં એપલ મ્યુઝિક, એપ સ્ટોર અને આઇટ્યુન્સ તથા આઇમેસેજ જેવી એપ્સ, સાઇટ્સ ડાઉન થઇ ગઇ હતી અને લગભગ બે કલાક સુધી ડાઉન રહી હતી. જ્યારે કે એપલની ક્લાઉડ સેવાઓ તો લાંબા સમય સુધી ડાઉન રહી હતી.
આઇક્લાઉડ, ફોટોઝ, ફાઇન્ડ માય ફ્રેન્ડ જેવી સેવાઓ બુધવારે બપોરથી ડાઉન થવાનું શરૂ થયું હતું અને આ અહેવાલ મોકલાયા તેના પછી પણ હજી આ સેવાઓમાં સમસ્યાઓ ચાલુ રહી હતી. આઇક્લાઉડ બેકઅપમાં પણ સમસ્યા સર્જાઇ હતી અને યુઝરો તેમના ડિવાઇસની કન્ટેન્ટ્સને બેકઅપ કરી શકતા ન હતા.
એપલ બુક્સ અને એપલ રેડિયોમાં પણ ગરબડોના હેવાલ મળ્યા હતા. આ સેવાઓ મોટે ભાગે અમેરિકા અને યુરોપના ભાગોમાં જ ખોરવાઇ હોવાનું જણાયું હતું. આ સેવાઓ ખોરવવા પાછળનું કારણ હજી જાણવા મળ્યું નથી.