Entertainment

આદિપુરુષના ડાયલોગ રાઈટર મનોજ મુંતશીરે બે હાથ જોડી માફી માંગી

મુંબઈ: ફિલ્મ આદિપુરુષ (Adipurush) તેની રિલિઝ પહેલાથી જ ચર્ચામાં હતી. ફિલ્મ રિલિઝ પછી તેના ડાયલોગના (Dialogue) કારણે તે વધુ ચર્ચામાં આવી હતી. ડાયલોગ રાઈટર મનોજ મુંતશીરને (Manoj Muntshir) પણ ટ્રોલ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે મનોજ મુંતશીરે પોતાના ડાયલોગના કારણે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી હોવાના કારણે તમામની બે હાથ જોડી માફી (Apology) માગી છે.

મનોજ મુંતશીરે ટ્વિટ કરીને માફી માગી છે જેમાં લખવામાં આવ્યું છે કે સાધુ સંતો અને શ્રી રામના ભક્તોની ભાવનાને ઠેસ પહોંચાડવા બદલ હું માફી માગું છું. તેમણે પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું કે ફિલ્મ આદિપુરુષના કારણે જે લોકોની ભાવના આહત થઈ છે તે તમામ ભાઈ, બહેન, સાધુ-સંત અને શ્રી રામના ભક્તોને હું હાથ જોડી કોઈ પણ શર્ત વગર માફી માંગુ છું. ભગવાન બજરંગ બલી આપણા સૌ પર ક્રુપા કરે અને આપણને પવિત્ર સનાતન અને મહાન દેશની સેવા કરવા માટે શક્તિ આપે.

‘આદિપુરુષ’ના ડાયલોગ્સથી ચાહકો ગુસ્સે થયા હતા
‘આદિપુરુષ’ની રિલીઝ પહેલા ફિલ્મને લઈને દર્શકોમાં ઘણો ઉત્સાહ હતો. ફિલ્મને જોરદાર એડવાન્સ બુકિંગ મળ્યું અને પ્રભાસ-કૃતિની ફિલ્મ ધમાકેદાર ઓપનિંગ કરી. પરંતુ ફિલ્મ જોયા બાદ દર્શકોને નિરાશા જ હાથ લાગી હતી. ફિલ્મના ડાયલોગ્સથી દર્શકો ગુસ્સે થયા હતા. લોકોનું કહેવું હતું કે મનોજ મુંતશીરે ફિલ્મના સંવાદો રામાયણના સમય પ્રમાણે નહીં પરંતુ આજની બોલચાલ પ્રમાણે લખ્યા હતા. મનોજ મુંતશીરે હજુ પણ ડાયલોગ્સને લઈને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડે છે.

હાઈકોર્ટની ફટકાર પછી ફિલ્મના ડાયલોગ બદલવામાં આવ્યા
આદિપુરુષ ફિલ્મ રિલિઝ થયા પછી દર્શકોએ ડાયલોગના કારણે ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ ઉઠાવી હતી. આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો જેમાં હાઈકોર્ટે સેન્સર બોર્ડ અને ફિલ્મના નિર્માતા-નિર્દેશકને પણ ફટકાર લગાવી હતી. ત્યારબાદ નિર્માતાઓએ સંવાદો બદલવાનો નિર્ણય લીધો હતો. ‘આદિપુરુષ’માં બતાવવામાં આવેલા હનુમાન, રાવણ, ઈન્દ્રજીત જેવા પાત્રોના સંવાદો બદલવામાં આવ્યા હતા.

Most Popular

To Top