Comments

અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરનારાંઓની હકાલપટ્ટી ઉપરાંત બીજા પ્રશ્નો પણ ટ્રમ્પના આગમન સાથે માથું ઊંચકશે

અમેરિકાના હાલના પ્રમુખ જો બાઇડેન વિદાય લે અને નવા પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનાં સૂત્રો સંભાળે એ દિવસ નજીક આવતો જાય છે. ટ્રમ્પની કેટલીક પ્રાથમિકતાઓ છે જે એણે ચૂંટણીપ્રચાર દરમિયાન વ્યક્ત કરી હતી. આમાંની એક અમેરિકામાં ગેરકાયદેસર રીતે મેક્સિકો-કેનેડા બૉર્ડર અથવા અન્ય રીતે ઘૂસી આવતાં અને ગેરકાયદેસર રીતે અમેરિકામાં સ્થાયી થતાં ઘૂસણખોરોને અમેરિકા બહાર તગેડી મૂકવાની. અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશતાં બધાં ઘૂસણખોરો પકડાતાં નથી પણ રોજનાં ૧૦ જેટલાં ભારતીય ઘૂસણખોરો પકડાય, એમાંથી પાંચ ગુજરાતી હોય છે. એચ-૧બી વિઝા મેળવી અમેરિકા જઈ કામ કરતા H1B વિઝા હોલ્ડર ભારતીય વ્યાવસાયિકોમાં ૭૨ ટકા ગુજરાતીઓ છે.

આમ, અમેરિકામાં સ્થિર થવું તે ગુજરાતીઓની પહેલી પસંદગી છે એમ કહીએ તો જરાય ખોટું નથી. મોટા ભાગનાં ગુજરાતીઓ ડેમોક્રેટિક પાર્ટી પસંદ કરતાં હોવા છતાં આ વખતે એમાંનાં ઘણાં બધાં ટ્રમ્પ તરફ વળ્યાં અને એમણે ટ્રમ્પને જીતાડવામાં ફાળો આપ્યો. સરવાળે જમણેરી ઝોક ધરાવતાં યુવાનો, શ્વેત અમેરિકનો અને ડોનાલ્ડ ટ્રમ્પની સાથે લાગણી ધરાવતાં હિસ્પેનિક આ બધાએ ભેગાં થઈને ટ્રમ્પને ઐતિહાસિક વિજય અપાવ્યો છે. આને કારણે અત્યારે તો ટ્રમ્પ હવામાં ઊડે છે. વાંદરાને દારૂ પાયો હોય એ સ્થિતિ ટ્રમ્પ અને એની આજુબાજુના ટેસ્લાવાળા એલન મસ્ક સહિતનાની છે.

ટ્રમ્પે જાહેર કર્યું છે કે પ્રમુખ તરીકે એ પહેલો ઓર્ડર મેક્સિકો-કેનેડાની આયાત ઉ૫૨ ૨૫ ટકા અને ચીનની આયાત ઉપર ૧૦ ટકા ટેરિફ ઝીંકવાનો કરશે. બીજો મુદ્દો ગેરકાયદેસર ઘૂસણખોરોને ભગાડવાનો રહેશે. ત્રીજો મુદ્દો જે એના મગજમાં ઘૂમરાય છે તે ‘નેચરલાઈઝએશન ઑફ બર્થ’, અમેરિકામાં જન્મને કારણે પ્રાપ્ત થતું નાગરિકત્વ ન મળે તે જોવાનો રહેશે. જ્યારે ચોથો મુદ્દો નાટોમાં અમેરિકાનો ફાળો ઘટાડવાનો રહેશે. આ ચારેય મુદ્દા ઉપરાંત અમેરિકાની ઇઝરાયલ અને યુક્રેન નીતિ શું રહેશે તેમજ ભારત સાથે અમેરિકાના સંબંધોમાં આવેલી કડવાશ જેવા બીજા ઘણા મુદ્દા ટ્રમ્પ ગાદીએ બેસે એટલે રાહ જોતાં હશે.

વિદેશમાં કાયમી વસવાટ કરવા માટે ભારતીય નાગરિકતા ત્યજતાં લોકોમાં પહેલા નંબરે દિલ્હી, બીજા નંબરે પંજાબ અને ત્રીજા નંબરે ૨૨,૩૦૦ નાગરિકો સાથે ગુજરાત આવે છે. દેશની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ફુગાવો, બેરોજગારી અને અશાંતિ જેવાં પરિબળો માથું ઊંચકી રહ્યાં છે ત્યારે જીવના જોખમે પણ અમેરિકાની બૉર્ડર પાર કરી ઘણાં ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓ અમેરિકા પહોંચે છે. ૨૦૨૩-૨૪ દરમિયાન અમેરિકન કસ્ટમ્સ અને બૉર્ડર પ્રોટેક્શન દ્વારા ૨૯ લાખ લોકોને મેક્સિકો અને કેનેડા બૉર્ડરે અટકાવાયાં હોવાનું નોંધવામાં આવ્યું છે, જેમાં ૯૦૪૧૫ ભારતીય નાગરિકો હતાં, જે ભારતીયોનું અમેરિકા જઈને સેટલ થવાનું ખેંચાણ કેટલું તીવ્ર છે, તેનું ઉદાહરણ છે.

અમેરિકામાં ભલે પગાર બહુ વધારે ન મળે પણ મૂળ આકર્ષણ બાળકો ત્યાં મોટાં થાય અને બીજું અમેરિકામાં જે કાંઈ બચત કરી હોય એ બચત ભારત આવે ત્યારે સીધી ૮૫ ગણી થઈ જાય અને એટલે એક લાખ ડૉલરની બચત કરી હોય તો ભારતમાં આવો વ્યક્તિ કરોડપતિ તરીકે આરામથી પોતાની નિવૃત્તિનો સમય ગાળી શકે એ ગણી શકાય. ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે જાનનું જોખમ તો ખરું જ પણ ૪૦થી ૫૦ લાખ રૂપિયા જેટલો ખર્ચો થાય તે વધારાનો.

અમેરિકાની સેન્ટ્રલ બ્યુરોના ડેટા મુજબ કોઈ પણ પ્રકારના કાયદેસર ડોક્યુમેન્ટ વગર અમેરિકામાં રહેતાં ભારતીય નાગરિકોની સંખ્યા ૫,૮૭,૦૦૦ છે. આ સંખ્યા પણ અધિકૃત તો ન જ કહી શકાય, સાચી સંખ્યા આનાથી ઘણી વધારે હશે. આ પરિસ્થિતિમાં મોટા પાયે જો ભારતીયો અને તેમાં પણ ગુજરાતીઓની અમેરિકામાંથી હકાલપટ્ટી કરવામાં આવે તો આ લોકોને સમાવવાનો પ્રશ્ન અને તેને કારણે ઊભી થતી આડઅસરો નાની નહીં હોય. જો કે, આ પ્રતિબંધ એટલો સરળ નહીં હોય, કારણ કે મામલો છેક આંતરરાષ્ટ્રીય હ્યુમન રાઇટ્સ સુધી પહોંચે અને જેમ ભારતને આમાં મોટું નુકસાન થાય તેમ બીજા દેશોને પણ નાની-મોટી અસર તો થાય જ.
ડૉ. જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top