નવી દિલ્હી: સંસદના (Parliament) ચોમાસુ સત્રના સાતમાં દિવસે એટલે કે આજે મંગળવારે સંસદમાં અનુરાગ ઠાકુર (Anurag Thakur), રાહુલ ગાંધી (Rahul Gandhi), અને અખિલેશ યાદવ (Akhilesh Yadav) વચ્ચે તીખી બહેસ થઇ હતી. અસલમાં અનુરાગે પોતાના ભાષણ દરમિયાન જાતિ વસ્તિ ગણના અને અગ્નિવીર યોજના બાબતે ટીપ્પણી કરી હતી. તેમજ ભાજપા નેતાએ એવી ટીપ્પણી કરી કે જેના પર વિપક્ષના ઘણા સાંસદો વેલમાં આવી ગયા હતા અને તેમણે અનુરાગ ઠાકુરને માફી માંગવા કહ્યું હતું.
સંસદના બજેટ સત્ર દરમિયાન આજે લોકસભામાં સપા સાંસદ અખિલેશ યાદવ અને બીજેપી સાંસદ અનુરાગ ઠાકુર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાસ્તવમાં, અગ્નિવીર યોજનાનો ઉલ્લેખ કરતા અખિલેશ યાદવે પોતાની પ્રતિક્રીયા આપી હતી. તેમજ ભાજપ ઉપર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. આ સાથે જ કોંગ્રેસ સાંસદ અને ગૃહમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અનુરાગ ઠાકુર જાતિ ગણતરીના મુદ્દે એકબીજા સાથે અથડાયા હતા. બંને વચ્ચે જોરદાર ચર્ચા થઈ હતી અને આ દરમિયાન અખિલેશ યાદવે પણ રાહુલ ગાંધીનું સમર્થન કર્યું હતું. ત્યારે ચર્ચા દરમિયાન ગૃહનું વાતાવરણ ખૂબ જ ઘોંઘાટભર્યું હતું.
અનુરાગ ઠાકુરની અખિલેશ યાદવ સાથે બહેસ
અસલમાં અખિલેશ યાદવે ટિપ્પણી કરી હતી કે “જો અગ્નિવીર યોજના એટલી સારી છે તો તમે શા માટે રાજ્યોને 10 ટકા ક્વોટા આપવાનું કહો છો.” જેના જવાબમાં અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, “હું હિમાચલ પ્રદેશથી આવું છું, આ પ્રદેશે દેશને પ્રથમ પરમવીર ચક્ર વિજેતા સ્વર્ગસ્થ મેજર સોમનાથ શર્મા આપ્યા હતા. કારગીલમાં મોટાભાગના શહીદો હિમાચલ પ્રદેશના હતા. આ નરેન્દ્ર મોદી સરકાર જ છે કે જેમણે વન રેન્ક વન પેન્શન યોજના આપી હતી. તેમજ લાંબા સમયથી પડતર માંગણી પૂરી કરી હતી. હું કહું છું કે અગ્નિવીરમાં 100 ટકા રોજગારની ખાતરી છે.”
અનુરાગ ઠાકુરની આ વાત પર અખિલેશ યાદવે તેમને પૂછ્યું કે, “તો પછી રાજ્ય સરકારોને અગ્નિવીર માટે ક્વોટા આપવાની શું જરૂર છે? હું મિલિટરી સ્કૂલમાં ગયો છું, આપણે પરમવીર ચક્રો પણ ગણી શકીએ.” ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી ફરી ઉભા થયા અને કહ્યું, “હું હમણાં જ સૈનિક સ્કૂલમાં ગયો છુ, તેમજ હું ટેરિટોરિયલ આર્મીમાં કેપ્ટન તરીકે સેવા આપી રહ્યો છું. અખિલેશ જી, મને જ્ઞાન ન આપો.”
‘જેમની જાતિ જાણીતી નથી, તેઓ ગણતરીની વાત કરે છે’: અનુરાગ ઠાકુર
બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધીનું નામ લીધા વિના સંસદમાં કહ્યું હતું કે તમારા ભાષણનીતો કાપલી આવે છે. ઉછીની બુદ્ધિથી રાજકારણ ન થાય. આજકાલ કેટલાક લોકો પર જાતિની વસ્તી ગણતરીનું ભૂત સવાર છે. જેને જાતિઓની જ ખબર નથી, તેઓ જાતિની વસ્તી ગણતરી કરાવવા માંગે છે. જેના પર વિપક્ષના ઘણા સાંસદો વેલમાં આવી ગયા હતા. તેમજ તેમણે અનુરાગ ઠાકુરને માફી માંગવા કહ્યું હતું. પરંતુ રાહુલ ગાંધીએ તેમની માફી પણ સ્વીકારવાની ના પાડી દીધી હતી.
અનુરાગ ઠાકુરની ટીપ્પણી બાદ રાહુલ ગાંધીએ ગૃહમાં આરોપ લગાવ્યો હતો કે ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો છે તેમજ તેમને ગાળ આપી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે જે કોઈ આદિવાસીઓ, દલિતો અને પછાત લોકોના મુદ્દા ઉઠાવે છે તેની સાથે દુર્વ્યવહાર થાય છે. હું આ દુર્વ્યવહારને ખુશીથી સ્વીકારીશ. અનુરાગ ઠાકુરે મારું અપમાન કર્યું છે. પરંતુ હું તેમની પાસેથી કોઈ માફીની આશા રાખતો નથી.