Entertainment

અનુરાગ કશ્યપ દોબારા…. દોબારા

અનુરાગ કશ્યપ તેના જુદા વિષયવાળી ફિલ્મોને કારણે જાણીતો છે અને ‘દોબારા’ એક સાયન્સ ફિકશન ફિલ્મ છે. જોકે તેને ફિલ્મોથી વધુ હવે વેબસિરીઝના દિગ્દર્શનમાં રસ પડે છે. છેલ્લે ૨૦૧૮ માં તેની ‘મનમર્ઝીયા’ ફિલ્મ રજૂ થયેલી પણ આ દરમ્યાન ‘સેક્રેડ ગેમ્સ’ને કારણે તેઓ વધુ જાણીતો થયો હતો. તે કહે પણ છે સે મને લાંબી વાર્તા કહેવી વધુ ગમે છે પણ આપણે ત્યાં રાજકારણ અને ધર્મના વિષય છેડી શકાતા નથી એટલે ઘણી મર્યાદા આવી જાય છે. ‘મનમર્ઝીયા’ અને તે ઉપરાંત ‘સાંડ કી આંખ’ માટે જાણીતો અનુરાગ તાપસી સાથે ફરીવાર કામ કરી રહ્યો છે પણ તે કહે છે કે ‘દોબારા’ના સેટ પર અમે બંને ખૂબ ઝગડતા હતા અને તેના વિડીયો પણ છે.

અનુરાગ કહે છે કે અમે જયારે લડવાનું શરૂ કરતાં ત્યારે અમારી ટીમ કેમેરા કાઢી રેકોર્ડ કરી લેતી. અમારી અનેક પ્રકારની લડાઇ થાય છે. એક બે વાર તો સેટ છોડીને જતો પણ રહેલો પણ પાછો વળેલો. શું કરું તાપસીને તો કોઇ શરમ પણ નથી આવતી. અનુરાગ કશ્યપ ‘બ્લેક ફ્રાઇડે’, ‘નો સ્મોકિંગ’, ‘દેવ ડી’, ‘ગુલાલ’, ‘ગેંગ્સ ઓફ વાસેપૂર’, ‘અગ્લી’, ‘બોમ્બે વેલ્વેટ’, ‘રામન રાઘવ’ અને ‘ચોક્‌ડ’ સહિતની ફિલ્મો આપી ચુકયો છે. હવે તો તે નિર્માતા તરીકે પણ ઘણી ફિલ્મો બનાવે છે. ‘સુપર ૩૦’, ‘ધૂમકેતુ’ નિર્માતા તરીકે તેણે જ બનાવેલી. તે કયારેક શોર્ટ ફિલ્મ, ડોકયુમેન્ટ્રી પણ બનાવે છે.

હમણાં તે ‘વિશપૂરી’ અને ‘સ્ટારડસ્ટ’ નામની બે ટીવી શ્રેણી બનાવી રહ્યો છે. તે ફિલ્મોમાં ઘણી ટેલેન્ટ પણ લાવ્યો છે. વિકી કૌશલ જેનાથી જાણીતો થયો તે ‘મસાન’નો નિર્માતા અનુરાગ જ હતો. એ જ રીતે ‘ઉડતા પંજાબ’ પણ તેની જ ફિલ્મ હતી. જરા આગળ જાવ તો ‘ફવિન’નો નિર્માતા પણ તે હતો. નિર્માતા તરીકે તે ફિલ્મ, ટી.વી. શ્રેણી, શોર્ટ ફિલ્મ, ડોકયુમેન્ટ્રી સહિત કુલ ૬૫નો પ્રોડયુસર અને ૩૦ નો દિગ્દર્શક રહી ચુકયો છે. તેના નામે લેખક તરીકે ૫૯ ફિલ્મ ચડી ચુકી છે. અને અભિનેતા તરીકે તે ૨૬ વાર આવ્યો છે. •

Most Popular

To Top