Charchapatra

અંત્યોદય

બહુજન હિતાય, બહુજન સુખાય. આદર્શ અપૂર્ણ છે, ખરેખર તો સમાજના છેવાડે જીવતા અંત્યોના ઉદય માટે કર્તવ્યનિષ્ઠ થવું જરૂરી છે. ઉજળિયાત, પછાત, ઉચ્ચનીચ, અમીર, ગરીબ જેવા ભેદને ભેદીને સુંદર માનવસમાજનું નિર્માણ કરવાનું છે. ઉંમર, નાતજાત, કાળાગોરા વર્ણના ભેદ, તિરસ્કારને દૂર કરી માનવતાની બુલંદી સ્થાપિત કરવાની છે. જનકલ્યાણ અને વિકાસ, સુખાકારી માટે દરેક સરકારે, દરેક સંસ્થાએ સાચા દિલથી લાગી પડવું જોઇએ. આજે રોબોટ અને યંત્રો માનવ કર્મચારીની રોજીરોટી ઝૂંટવી રહ્યા છે.

કર્મચારીઓની છટકણી થઇ રહી છે. શ્રમિકોને સુરક્ષા વિના જોખમી કામગીરીમાં ધકેલી દેવાય છે. બે ટંકનો રોટલો રળવા શ્રમિકો જાનનું જોખમ વહોરી લે છે, ગટર સફાઇમાં ગૂંગળાઇ મરે છે, માટી ધસી પડતાં જીવતે જીવત દફન થઇ જાય છે. વીજ કરંટથી જીવિતનું અગ્નિસ્નાન થઇ જાય છે. ગંદા મૂડીવાદમાં, ભ્રષ્ટાચારી વ્યવસ્થામાં કર્મચારીઓનું શોષણ થતું રહે છે, લોહી પીવાતું રહે છે. ખાનગીકરણ કે ઉદારીકરણ કદી અંત્યોદય થવા નહીં દે. રાષ્ટ્રપિતા ગાંધીજીએ ટ્રસ્ટીશીપની ભાવના ધનિકોને અનુરોધ કર્યો જ હતો. સર્વોદય કે અંત્યોદયનો જ એ માર્ગ કહેવાય. માનવજીવનની કદર થવી જોઇએ. પૂરેપૂરો ખ્યાલ રખાવો જોઇએ. અણુશસ્ત્રો, ભૂમિલાલસા, યુદ્ધખોરી જેવી વિશ્વસંહારક હકીકતો દૂર થવી જોઇએ અને વિશ્વકુટુંબની, તમામ માનવોની સુખાકારીની ભાવના પ્રગટ થવી જોઇએ જેથી સાચો ન્યાય જળવાય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

બેલન્સ પુરાવી આપો
એક દિવસ અમારા મહોલ્લામાં એક યુવાન જેવો ભિખારી ભીખ માંગવા આવ્યો અને ઘરે ઘરે ફરીને એટલું જ બોલે મને કોઇ મોબાઇલનું બેલેન્સ પુરાવી આપો. મેં ગઇ કાલનું ભરપેટ ખાધું છે. હજી હજમ નથી થયું. હમણાં ખાવાની કોઇ ઇચ્છા નથી, ભિક્ષામાં અનાજ પણ નથી જોઇતું પરંતુ મને બેલેન્સ પુરાવી આપો. ભિખારીની વાત સાંભળીને લોકોને નવાઇ લાગી. આથી એક ભાઇએ 50 રૂપિયાનું બેલેન્સ નંખાવી આપ્યું. આથી ભિખારી ખુશ થઇ ગયો.  ભિખારીએ કહ્યું ખોરાક એ તનની જરૂરીયાત છે જયારે મોબાઇલ એ મનની જરૂરિયાત છે.
તરસાડા  – પ્રવીણસિંહ મહીડા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top