વડોદરા : મધ્યગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયેલ કોરોનાગ્રસ્ત તેમજ પેરાલીસીસથી પીડિત મહિલા દર્દીની સારવાર કરવામાં ફરજ પરના સ્ટાફની માનવતા મરી પરવાડી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.ભરૂચના જંબુસરના રહેવાસી મહિલા દર્દીના મોઢા પર કીડીઓએ ડેરો નાખ્યો હોવા છતાં મેડિકલ સ્ટાફ દ્વારા આ અંગે કોઈ તસ્દી નહીં લેવાતા મહિલા દર્દીના પતિએ તેનો મોબાઈલમાં વિડિઓ બનાવી વાયરલ કર્યો છે. ગુરુવારે સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા એક મહિલા દર્દીના વીડિયોએ સયાજી હોસ્પિટલના વહીવટી તંત્રની પોલ અને દર્દીની સારવાર માટે તેમની ફરજની પોલ ઉઘાડી પાડી દીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકામાં રહેતા ગીતાબેનની તબિયત લથડતા સયાજી હોસ્પિટલમાં લવાતા ગીતાબેનને કોવિડ વોર્ડમાં સારવાર અપાઈ રહી છે. ગુરુવારે ગીતાબેનની તબિયત જોવા તેમના પતિ ગયા હતા.તે દરમિયાન ગીતાબેનના મોઢામાં તેમજ શરીર પર કીડીઓની ચહલપહેલ જોવા મળતા તેઓ ગુસ્સે ભરાયા હતા અને તુરંત જ આ અંગે હોસ્પિટલના સ્ટાફને જાણ કરી હતી.
હોસ્પિટલનો સ્ટાફ આવે તે પહેલાં જ તેમણે મોબાઈલમાં તેમની પત્નિના મોઢામાં ફરી રહેલી કીડીઓનો વિડિઓ ઉતારી લઈ અને સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો.જે બાદ દર્દી ગીતાબેન પાસે આવેલ નર્સિંગ સ્ટાફ સમક્ષ પોતાનો રોષ વ્યકત કરી દર્દી સાથે માનવતા રાખવા કહ્યું હતું. ફરજ પર હાજર સ્ટાફને કહ્યું હતું કે હોસ્પિટલમાં દર્દીની સારસંભાળ રાખવી તમારી ફરજ છે.આ તો સદનસીબે હું અહી આવ્યો એટલે માલુમ પડ્યું. મારી પત્નિને પેરાલીસીસ છે. તે તેની પીડા વિશે કહી શકે તેમ નથી. અહીં વોર્ડમાં જ્યારે જીવ જંતુઓ છે તો દવા છાંટતા કેમ નથી.મારો પુત્ર પણ નાનો છે.તમને કોઈ તકલીફ પડતી હોય તો મને કહો.તમે કહેશો તે ખાવાનું હું લાવી આપીશ પણ દર બે કલાકે તેમને ખવડાવો.
બીજી તરફ માનવતા નેવે મુકનાર ફરજ પર હાજર મહિલા સ્ટાફે ગીતાબેનને વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે આ ખાનગી હોસ્પિટલ નથી.થોડું તમારે પણ એડજેસ્ટ કરવું પડે.ધ્યાન રાખવું પડે તમે આવીને તેમનું મોઢું લૂછી નાખજો તેમ જણાવ્યું હતું.જોકે આ સમગ્ર ઘટના સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ પણ સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટએ આવી કોઈ ઘટના મારા ધ્યાને આવી નથી કે આવી કોઈ ફરિયાદ મળી નથી.