નવી દિલ્હી: દિલ્હીનાં મુખ્યમંત્રી અને આપ પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનના પર બુધવારે અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અસામાજિક તત્વોએ સીસીટીવી તોડી નાખ્યા હતા તેમજ સુરક્ષા બેરીકેટમાં પણ તોડફોડ કરી હતી. આ મામલે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આજે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલના ઘરની બહાર બીજેપી યુવા મોરચાનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું. આ પછી વિરોધીઓએ હંગામો મચાવ્યો હતો. તેમજ સીસીટીવી તોડી નાખ્યા હતા.
મનીષ સિસોદિયાએ ટ્વિટ કરી આપી જાણકારી
મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, “દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો કરીને અસામાજિક તત્વોએ સીસીટીવી કેમેરા અને સુરક્ષા બેરીકેટ તોડી નાખ્યા છે. ગેટ પરના બૂમ બેરિયર્સ પણ તૂટી ગયા છે. “ભાજપના ગુંડાઓ સીએમ અરવિંદ કેજરીવાલ જીના ઘરની તોડફોડ કરતા રહ્યા. ભાજપ પોલીસ તેમને રોકવાને બદલે ઘરના દરવાજા સુધી લઈ આવી હતી.
તોડફોડ કરનાર કરી 70 લોકોને કસ્ટડીમાં લીધા: પોલીસ
પોલીસે જણાવ્યું હતું કે, ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ અંગે વિધાનસભામાં કેજરીવાલના નિવેદન સામે વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. ભાજપ યુવા મોરચાના લગભગ 150-200 કાર્યકરોએ સવારે 11.30 વાગ્યે સીએમ આવાસની બહાર દેખાવો શરૂ કર્યા હતા. 1 વાગ્યાની આસપાસ કેટલાક પ્રદર્શનકારીઓ બેરિકેડ તોડીને સીએમ આવાસની બહાર પહોંચ્યા હતા. તેઓએ દરવાજા પર કલર ફેંક્યો અને અહીં લગાવેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને 70 લોકોને કસ્ટડીમાં લીધા હતા. આ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આપ પાર્ટીનો ભાજપ પર આરોપ
આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતાઓ અને કાર્યકરોએ સીએમ અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો કર્યો અને તોડફોડ કરી. વાસ્તવમાં આજે ભાજપના કાર્યકરો અરવિંદ કેજરીવાલનો વિરોધ કરી રહ્યા હતા. ભાજપનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલે કાશ્મીરી પંડિતોના નરસંહારની મજાક ઉડાવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ પ્રદર્શન બાદ તોડફોડની ઘટના સામે આવી છે.