સુરત: (Surat) પોલિયેસ્ટર યાર્નની (Polyester Yarn) સતત વધી રહેલી કિંમતો અને એન્ટિ ડમ્પિંગ મુદ્દે શનિવારે ફોગવા અને વિવર્સ સંગઠનોની મીટિંગ મળી હતી. જેમાં વિવર્સોએ એકસૂરે યાર્નની વધી રહેલી કિંમતોનો વિરોધ કરવાની સાથે જ જો પોલિયેસ્ટર યાર્ન ઉપર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી (Anti-dumping duty) લગાડવામાં આવે તો તેની સામે કાનૂની લડત આપવાનો નિર્ણય લીધો હતો.
ફોગવાના (Fogva) પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, લોકડાઉન પછી યાર્ન ઉત્પાદકો દ્વારા કાર્ટેલ્સ બનાવી મનમરજી મુજબ યાર્નની કિંમતો વધારવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ મહિનામાં જ યાર્નની કેટલીક ક્વોલિટીમાં 60 રૂપિયાનો વધારો થયો છે. જે હજી પણ યથાવત છે. યાર્ન ઉત્પાદકોની જોહુકમીના લીધે વિવર્સનો નફો ધોવાઇ ગયો છે. એક બાજુ યાર્ન ઉત્પાદકો સતત કિંમતો વધારી રહ્યા છે અને બીજી બાજુ તેમની મોનોપોલી જળવાઇ રહે એ માટે ચીન, વિયતનામ સહિત અન્ય દેશોમાંથી આયાત થતાં યાર્ન ઉપર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી નાંખવામાં આવે તેવા પ્રયાસો કરી રહ્યા છે. હાલમાં જ ડીજીટીઆરે પણ પોલિયેસ્ટર યાર્ન ઉપર વધુ પાંચ વર્ષ માટે પોલિયેસ્ટર યાર્ન પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી નાંખવામાં આવે તેવી ભલામણ કરી હતી. જેના પગલે વિવર્સની ચિંતા વધી છે.
એક બાજુ સ્થાનિક યાર્ન ઉત્પાદકો યાર્નની કિંમત વધારી રહ્યા છે અને બીજી બાજુ વિદેશથી આયાત થતા યાર્ન પર ડ્યૂટી નાંખવામાં આવે તો તેની કિંમતો પણ વધશે. ફોગવાની મીટિંગમાં પણ આ મુદ્દે વિવર્સોએ તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો. તમામ વિવર્સનો એક જ સૂર હતો કે જો એન્ટી ડમ્પિંગ મુદ્દે યોગ્ય સ્તરે રજૂઆત નહીં કરવામાં આવશે, તો યાર્ન વપરાશકર્તા ઉદ્યોગનો અસ્તિત્વનો સવાલ ઊભો થશે. જેથી આ અંગે લડત કરવા યાર્ન વપરાશકર્તા ઉદ્યોગોએ તૈયારી રાખવી પડશે. ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધીએ સુરતમાં ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાની સમક્ષ આ મુદ્દો ઊભો કર્યો હતો અને પોલિયેસ્ટર યાર્ન પરથી એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી હટાવી લેવા માંગ કરી હતી. ઉપરાંત કેન્દ્રનાં નાણામંત્રી અને વાણિજ્યમંત્રીને પણ પત્ર લખી ફિઆસ્વી દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
મીટિંગમાં ફોગવા પ્રમુખ અશોક જીરાવાલા, અનિલભાઈ સરાવગી, સુરેશભાઈ ગબ્બર, વિષ્ણુભાઈ, પવન અગ્રવાલ, હરિભાઈ કથીરિયા, વિકાસ મિત્તલ, મનોજભાઈ શેઠિયા, વિજય માંગુકિયા, જયંતીભાઈ જોલવા, રાકેશભાઈ અસારાવાલા, નિકુંજ સભાયા, બાબુભાઇ સોજિત્રા અને સંજયભાઈ દેસાઈ હાજર રહ્યા હતા.