યુ.એસ.માં બાળ ચિકિત્સકોએ એક અનોખી બાળકીના જન્મનો દાવો કર્યો હતો. જેના શરીરમાં કોરોના વાઇરસથી રક્ષણ આપતા એન્ટિબોડીઝ હતા. આ બાળકીની માતાને સગર્ભાવસ્થા દરમિયાન કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.
આરોગ્ય વિજ્ઞાન સંબંધિત ઇ-પ્રિન્ટ પ્રકાશિત મેડરેક્સિવ પર પોસ્ટ કરવામાં આવેલા પીઅર-રિવ્યુ થયેલ અધ્યયન અનુસાર, બાળકીની માતાને ગર્ભાવસ્થાના 36મા અઠવાડિયામાં રસી આપવામાં આવી હતી. રસી આપવામાં આવ્યાના ત્રણ અઠવાડિયા પછી મહિલાએ એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો અને જન્મ પછી બાળકીના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા જેમાં બહાર આવ્યું કે, બાળકીના લોહીમાં કોરોનાથી રક્ષણ આપતા એન્ટિબોડીઝ મળ્યા હતા. પરંતુ, હજી સુધી આ અધ્યયનની સમીક્ષા કરવામાં આવી નથી.
અમેરિકાની ફ્લોરિડાની એટલાન્ટિક યુનિવર્સિટીના સહ-લેખક પોલ ગિલ્બર્ટ અને ચાડ રુડનિકે જણાવ્યું હતું કે, નવજાત શિશુમાં એન્ટિબોડીઝ મળી આવવાનો આ પહેલો કેસ છે.
ડૉક્ટરોએ અહેવાલ આપ્યો છે કે, મહિલાએ બાળકને વિશેષ રૂપે સ્તનપાન કરાવ્યું હતું. તેમજ આ મહિલાને 28 દિવસના નિયત સમય બાદ રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
આ અંગે અગાઉના અધ્યયનોએ દર્શાવ્યું હતું કે, માતાઓના રસીકરણથી તેમના ગર્ભમાં રહેલા બાળકમાં એન્ટિબોડીઝ પસાર થવાની ધારણા ઓછી હતી. પરંતુ આ સંશોધન સૂચવે છે કે, માતાના રસીકરણથી નવજાત બાળકમાં કોરોના સંક્રમણનું જોખમ ઘટવાની સંભાવના છે.