National

શહીદ અંશુમનના માતા-પિતા અને પત્નીને વીમા ફંડમાંથી મળ્યા 50-50 લાખ રૂપિયા, પત્નીને મળશે પેન્શન

સિયાચીનમાં આર્મી ટેન્ટમાં લાગેલી આગમાં 19 જુલાઈ 2023ના રોજ શહીદ થયેલા દેવરિયાના કેપ્ટન અંશુમનના પરિવારને આર્મી ગ્રુપ ઈન્સ્યોરન્સ ફંડમાંથી 1 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ રકમ અંશુમનના માતા-પિતા અને તેની પત્ની વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવી છે. આ અંગે સેનાના સૂત્રોએ જણાવ્યું છે કે આર્મી દ્વારા માતા-પિતાને 50 લાખ રૂપિયા અને પત્નીને 50 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. શહીદનું પેન્શન ફક્ત તેની પત્ની સ્મૃતિને જ આપવામાં આવશે કારણ કે અંશુમને તેને પોતાની નોમિની બનાવી હતી.

શહીદના માતા-પિતાએ કહ્યું હતું કે તેમની પુત્રવધૂએ તેમના પુત્રને મરણોત્તર આપવામાં આવેલા કીર્તિ ચક્રને સ્પર્શ પણ કરવા દીધું ન હતું. પુત્રના ગયા પછી પુત્રવધૂ સમ્માન લઈ ચાલી ગઈ હતી. અમારી પાસે કંઈ બચ્યું નથી. સેનાએ શહીદના પરિવારને આર્થિક મદદ આપવાના નિયમોમાં ફેરફાર કરવો જોઈએ.

આ સિવાય યુપી સરકારે પરિવારને 50 લાખ રૂપિયા પણ આપ્યા હતા. તેમાંથી 15 લાખ રૂપિયા માતા-પિતાને અને 35 લાખ રૂપિયા પત્ની સ્મૃતિને આપવામાં આવ્યા હતા. આમ છતાં શહીદના માતા-પિતાએ કહ્યું હતું કે આર્થિક સહાયના નિયમોમાં ફેરફાર કરવો જોઈએ.

સેનાએ કહ્યું- શહીદના પિતા રિટાયર્ડ જેસીઓ છે, તેમને પેન્શન મળે છે
આર્મી ઓફિસરે કહ્યું- કેપ્ટન અંશુમન માર્ચ 2020માં આર્મી મેડિકલ કોર્પ્સમાં જોડાયા હતા. પત્ની સ્મૃતિને વધુ આર્મી લાભો મળી રહ્યા છે કારણ કે અંશુમને તેને પોતાની નોમિની બનાવી હતી. એ પણ જણાવ્યું કે અંશુમનના પિતા આર્મીમાં રિટાયર્ડ જેસીઓ છે. તેમને પેન્શન અને સેનાની અન્ય સુવિધાઓ મળે છે. સેનાએ પહેલા પણ આવી સમસ્યાઓનો સામનો કર્યો છે, ખાસ કરીને જ્યારે શહીદના માતા-પિતા તેમના પર નિર્ભર હોય છે. પરંતુ સૈન્ય એકમો આવા મુદ્દાઓનો સામનો કરે છે. અંશુમનનો મામલો અલગ છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે, કારણ કે તેના પિતાએ પણ સેનામાં સેવા આપી છે.

પત્નીએ કહ્યું- એક કોલે 50 વર્ષના સપના તોડી નાખ્યા
સન્માન સમારોહ પછી સ્મૃતિએ કહ્યું- અંશુમનના શહીદ થવાનો કોલ આવ્યો હતો. આ કોલથી 50 વર્ષનાં સપનાં તૂટી ગયાં. કેપ્ટન અંશુમન ખૂબ જ સક્ષમ હતો. તે ઘણીવાર કહેતો હતો કે, હું મારી છાતીમાં ગોળી ખાઈને મરવા માંગુ છું. હું એક સામાન્ય માણસની જેમ મરવા નથી માંગતો, જેને કોઈ જાણતું નથી. સ્મૃતિએ કહ્યું કે અમે એન્જિનિયરિંગ કોલેજના પહેલા દિવસે મળ્યા હતા. તે પ્રથમ નજરનો પ્રેમ હતો. તેને AFMCમાં પસંદ થયાને હજુ એક મહિનો જ થયો હતો. તે એક સુપર બુદ્ધિશાળી વ્યક્તિ હતો. અમે એક મહિના માટે જ રૂબરૂ મળ્યા. ત્યારપછી આઠ વર્ષ સુધી અંતર રહ્યું, પણ સંબંધ જળવાઈ રહ્યો.

ફેબ્રુઆરી 2023માં અમારા લગ્ન થયા. કમનસીબે તેમના લગ્નના માત્ર બે મહિના પછી તેમને સિયાચીનમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા. 18 જુલાઈ, 2023 ના રોજ અમે આગામી 50 વર્ષમાં આપણું જીવન કેવું હશે તે વિશે લાંબી વાતચીત કરી. પોતાનું ઘર હશે. અમારા બાળકો હશે…અને ઘણા બધા સપના. 19 જુલાઈની સવારે હું એક ફોન કોલથી જાગી ગઈ. ત્યાંથી અવાજ આવ્યો…કેપ્ટન અંશુમાન સિંહ શહીદ થઈ ગયા.

સિયાચીન ગ્લેશિયરમાં ભારતીય સેનાના અનેક તંબુઓમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં રેજિમેન્ટલ મેડિકલ ઓફિસર કેપ્ટન અંશુમાન સિંહ શહીદ થયા હતા. અંશુમાન સિંહના લગ્ન 5 મહિના પહેલા 10 ફેબ્રુઆરીએ થયા હતા. કેપ્ટન અંશુમન 15 દિવસ પહેલા જ સિયાચીન ગયા હતા. અંશુમન મૂળ દેવરિયાના રહેવાસી હતા.

Most Popular

To Top