સુરત(Surat): સોશિયલ મીડિયાથી (Social Media) ફેમસ થયેલા વરાછાના (Varacha) પિયુષ ધાનાણીનો (Piyush Dhanani) ફરી એક વીડિયો વાયરલ (ViralVideo) થયો છે. પિયુષને એક મહિલાએ જાહેરમાં ધડાધડ બે લાફા ઝીંકી દીધા છે. આ ઘટનાનો વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
લોકોને ટ્રાફિકના નિયમોનો પાઠ ભણાવવા માટે જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પિયુષ ધાનાણી ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. શુક્રવાર તા. 4 એપ્રિલની રાતે પિયુષ ધાનાણીને એક મહિલાએ મારવા લીધો હતો. વાત જાણે એમ હતી કે, કાપોદ્રા ચિકુવાડી ધનુષ બ્રિજની નીચેથી એક મહિલા મોપેડ પર પસાર થઈ રહી હતી. આ મહિલા ચાલુ મોપેડે ફોન પર વાત કરતી હતી. પિયુષ ધાનાણીને નજર પડતા તે મહિલાને અટકાવી હતી અને ચાલુ મોપેડે ફોન પર વાત ન કરવા ટકોર કરી હતી.
અચાનક પિયુષ ધાનાણીએ અટકાવતા મહિલા વિફરી હતી અને પિયુષ ધાનાણી સાથે ઝઘડો કર્યો હતો, જેના લીધે ટોળું ભેગું થઈ ગયું હતું. મહિલા અને ટોળામાં સામેલ લોકોએ પિયુષ ધાનાણીને ખખડાવ્યો હતો. દરમિયાન મહિલાએ પિયુષ ધાનાણીને ધડાધડ બે લાફા ઝીંકી દીધા હતા. આ સમગ્ર ઘટના મોબાઈલના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આજે આ વીડિયો પિયુષ ધાનાણીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. તેથી તે ફરી ચર્ચામાં આવ્યો છે.
મહિલાને અટકાવી શીખામણ આપવી પિયુષને મોંઘી પડી
પિયુષ ધાનાણીએ શુક્રવારે રાત્રે કાપોદ્રામાં ધનુષ બ્રિજની નીચેથી પસાર થતી મહિલાને ચાલુ મોપેડ પર ફોન પર વાત ન કરવા અટકાવી હતી. તેથી મહિલા ગુસ્સે ભરાઈ હતી અને હોબાળો મચાવ્યો હતો. મહિલાની બૂમો સાંભળી ટોળું ભેગું થઈ ગયું હતું. ત્યારે મહિલાએ પિયુષ ધાનાણીના ગાલ પર બે તમાચા મારી દીધા હતા. મહિલાએ મારતા ટોળાંએ પણ પિયુષ પર હાથ સાફ કરી લીધો હતો. એક વડીલે લોકોને સમજાવી અટકાવ્યા હતા.
ટોળાંએ પિયુષને માનસિક દિવ્યાંગ ગણાવ્યો
વાયરલ વીડિયોમાં અનુસાર મહિલાને અટકાવ્યા બાદ લોકો એવું બોલી રહ્યાં છે કે, આ તો પેલો માનસિક છે. તેને બીજું કોઈ કામ નથી. ટોળામાંથી કોઈક એવું પણ બોલ્યું કે, ફેમસ થવા લોકોને હેરાન કરે છે. હવે મહિલાઓની પણ પાછળ પડી ગયો છે. કોઈકે કહ્યું , ભાઈ સરકારે તને જવાબદારી સોંપી છે. સરકારે નિયમો બનાવ્યા છે. પોલીસ તેનું પાલન કરાવશે. તું કોણ તેવા પણ સવાલો કર્યા હતાં.
માર પડવા છતાં પિયુષ શાંતિથી લોકોની વાતો સાંભળતો સાંભળતો રહ્યો
પિયુષ ધાનાણીને માર પડવાની આ બીજી ઘટના છે. આ વખતે પિયુષ માર ખાતા રહ્યો અને લોકોની કોમેન્ટ સાંભળતો રહ્યો હતો. કોઈ પ્રતિકાર કર્યા વિના તે શાંતિથી બેઠો હતો. જાણે તેને કોઈ જ ફરક ન પડતો હોય. એક વડીલ તેના બચાવમાં આવ્યા તો પિયુષ તે વડીલને પણ શાંત કરતો જોવા મળ્યો હતો. જો કે આ વખતે પિયુષથી કાચું કપાઈ ગયું હોય તેમ બચાવની મુદ્રામાં જોવા મળ્યો હતો.
અગાઉ પણ ધાનાણીને માર પડી ચૂક્યો છે
પિયુષ ધાનાણી બે વર્ષ કરતા વધુ સમયથી ટ્રાફિક જાગૃતિ અભિયાન ચલાવે છે. તે વરાછા, કાપોદ્રા વિસ્તારમાં વાહનચાલકોને રોંગ સાઈડ વાહન ન ચલાવવા, ચાલુ વાહને મોબાઈલ પર વાત ન કરવા જેવા મામલે અટકાવીને સમજાવે છે. વાહનો અટકાવી તે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે. તેથી વરાછા-કાપોદ્રાના લોકો તેનાથી નારાજ છે. ગયા વર્ષે ડિસેમ્બર 2023માં તે લાઈમલાઈટમાં આવ્યો હતો. કાપોદ્રા ચીકુવાડી બ્રિજ પાસે લોકોએ પિયુષ ધાનાણીને જાહેરમાં માર્યો હતો. આ માણસ ખોટો છે… તેવું બોલી માર માર્યો હતો. ત્યારે પિયુષે કેટલાંક લોકોને રોંગ સાઈડ વાહન દોડાવતા અટકાવ્યા હતા. આ કેસમાં બાદમાં પોલીસ ફરિયાદ પણ થઈ હતી.