સુરતની શાળાના વિદ્યાર્થીઓ છેલ્લા થોડા સમયથી વિવાદમાં રહે છે. ધોરણ 12ની ફેરવેલ પાર્ટીને યાદગાર અને અનોખી બનાવવા માટે લક્ઝુરિયસ કારમાં બેસીને સીનસપાટા કરતાં હોવાનું સામે આવી રહ્યું છે.
ફાઉન્ટેન હેડ સ્કૂલના વિદ્યાર્થીઓનો વિવાદ હજુ શમ્યો નથી. ત્યાં ગોડાદરા વિસ્તારમાં આવેલી અરિહંત એકેડમી સ્કૂલમાં ફેરવેલ પાર્ટી દરમિયાન વિદ્યાર્થીઓએ સીન સપાટા કરીને રોલા પાડ્યા હોવાનું સામે આવતાં પોલીસે કાર્યવાહી કરી છે.
ગોડાદરાની અરિહંત એકેડેમી સ્કૂલમાં ફેરવેલ પાર્ટી દરમ્યાન વિદ્યાર્થીઓ દ્વારા સીન સપાટા કરવામાં આવ્યાં હતાં. વિદ્યાર્થીઓમાં ફેરવેલનો નવો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ટ્રાફિક અને આરટીઓના નિયમોની ઐસી તૈસી કરી લક્ઝરીયસ કારમાં જોખમી રીતે સીન સપાટા કરવામાં આવ્યાં હતાં. જે બાદ સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. અન્ય વાહન ચાલકોની અવરજવર વચ્ચે લક્ઝરીયસ કારમાં સવાર થઈ વિદ્યાર્થીઓ દ્વારા સીન સપાટા કરાયા હતાં.
ખુલ્લી લક્ઝરીયસ કારમાં હાથમાં ઇલેક્ટ્રિક કલર ફોમ સ્ટીક વડે સીન સપાટા કર્યા હતાં. વાયરલ વીડિયો બાદ ગોડાદરા પોલીસે બે અલગ અલગ ગુના દાખલ કર્યા છે. જેમાં કાર ચાલક જોકારામ કાનાજી ચૌધરી અને દેવેન્દ્ર મહેન્દ્રસિંહ રાજપૂત સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
પોલીસે બે લક્ઝુરીયસ કાર કબ્જે કરી છે. જ્યારે અન્ય બે કાર બહાર હોવાથી કબ્જે લેવાની બાકી છે. શાળામાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો ફેરવેલ કાર્યક્રમ હતો. જે કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વિધાર્થીઓએ ખુલ્લી કારમાં સીન સપાટા કર્યા હતાં. પોલીસે શાળાના સંચાલકોને બોલાવી ઠપકો આપ્યો હતો.
ફાઉન્ટેન હેડ સ્કૂલ કેસમાં 20 ગાડી કબ્જે લેવાઈ
સુરતના જહાંગીરપુરા -દાંડી રોડની ફાઉન્ટન હેડ સ્કુલના વિદ્યાર્થીઓએ વૈભવી કાર સાથે રેલી કાઢી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ફેરવેલમાં રોલો પાડવા માટે રીતસર વૈભવી કારનો રોડ શો યોજી કાયદાના ધજાગરા ઉડાવ્યા હતા. જોકે, આ મામલે સુરતની પાલ પોલીસે 20 જેટલી ગાડીઓ જપ્ત કરી છે.
