ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ફરી એકવાર સરકારી ભરતી પરીક્ષાનું (Exam) પેપર લીક (Paper leak) થયું છે. રાજ્યમાં આજે લેવાયેલી વન રક્ષક (Forest guard) ભરતી પરીક્ષાનું પેપર ફૂંટ્યું હતું. મહેસાણાના (Mahesana) ઉનાવાના મીરા દાતાર સર્વોદય વિદ્યાલયમાંથી પેપર ફૂંટયું હોવાના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં યોજાઇ રહેલી સરકારી ભરતી પરીક્ષામાં વધુ એક ગેરરિતી સામે આવી છે. આ અગાઉ પણ હેડ કલાર્ક (Head clerk) વર્ગ-3ની પરીક્ષાનું પેપર ફૂંટયું હતું.
સરકારી ભરતીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓની મહેનત ફરી એકવાર પાણીમાં ગઈ છે. વિદ્યાર્થી દર વર્ષે પરીક્ષાની તૈયારી કરતા હોય છે પણ કોઇના કોઇ કારણે પરીક્ષા રદ્દ થઈ જાય છે અથવા તો પેપર લીક થઈ જવાની ઘટના બનતી હોય છે. રાજ્યમાં આજે વન રક્ષક વર્ગ – 3ની ભરતી પરીક્ષા યોજવામાં આવી હતી. પરંતુ ચાલુ પરીક્ષાએ પેપર ફૂંટ્યાના સમાચાર સામે આવ્યા છે. મહેસાણાના ઉનાવા મીરા દાતાર સર્વોદય વિદ્યાલયમાં જે પેપર ફૂટ્યુ છે, તેમાં લેટર પેડ પર એ જ સવાલો છે, જે પરીક્ષામાં પૂછાયેલા છે. ત્યારે આખરે આ પેપર આવ્યુ ક્યાંથી તે ચર્ચાનો વિષય બન્યો છે. સાથે જ વિદ્યાર્થીઓનું કહેવું છે કે પેપર નહિ, વિદ્યાર્થીઓનુ ભવિષ્ય ફૂટ્યુ છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી આ જ સિલસિલો ચાલી રહ્યો છે. ભરતી પરીક્ષા દરમિયાન જ પેપર ફૂંટ્યાના સમાચાર આવતા હોય છે. જેથી વિદ્યાર્થીઓ નિરાશ થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યમાં વન રક્ષક – વર્ગ 3 ની પરીક્ષા યોજાઈ હતી. કુલ 334 જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરાયુ હતું. આ પરીક્ષાના ફોર્મ 2018માં ભરાયા હતા પરંતુ આ અગાઉ પણ કોરોનાની પરિસ્થિતિ અને પેપર ફૂંટ્યાના બનાવ બનતા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી અને આજે ફરી ચાર વર્ષ બાદ પરીક્ષા લેવામાં આવતા પેપર ફૂંટયાના સમાચાર સામે આવ્યા છે.
નોંધનીય છે કે વર્ષ 2018 માં ભરતી માટે રાજ્યભરમાંથી અંદાજે 4.97 લાખ ઉમેદવારોએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. અનામતના વિવાદને કારણે અગાઉ પરીક્ષા સ્થગિત રખાઈ હતી, અને આખરે ફોર્મ ભરાયાને 4 વર્ષ વીત્યા બાદ આજે લેખિત પરીક્ષા યોજવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં અંદાજે 52 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. લેખિત કસોટી બાદ ઉમેદવારોની શારીરિક કસોટી લેવાની હતી, તે પહેલા જ પેપર ફૂટવાની ઘટના બની છે. પરીક્ષા માટે ફોર્મ ભરાયાને 4 વર્ષ વીત્યા હોવાથી ઉમેદવારોની વયમર્યાદામાં રાહત આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.