National

વધુ એક પાકિસ્તાની કાવતરું નિષ્ફળ, દિલ્હી પોલીસે શસ્ત્રો સાથે ચાર આરોપીની ધરપકડ કરી

દિલ્લી પોલીસે આંતરરાષ્ટ્રીય હથિયાર તસ્કરીના રેકેટનો ભાંડાફોડ કરી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પાકિસ્તાનથી ડ્રોન મારફતે ભારતમાં હથિયારો મોકલી અહીંના કુખ્યાત ગેંગ સુધી પહોંચાડવાનું કાવતરું હતું.

દિલ્લી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે એક મોટું આંતરરાષ્ટ્રીય હથિયાર સિન્ડિકેટ પકડી પાડ્યું છે. આ રેકેટ પાકિસ્તાન દ્વારા ડ્રોન મારફતે ચાઈનીઝ અને તુર્કી બનાવટની પિસ્તોલ ભારત સુધી લાવે છે અને ત્યાર બાદ દેશના કુખ્યાત ગેંગસ્ટરોને સપ્લાય કરે છે. પોલીસે આ ગેંગ સાથે જોડાયેલા ચાર આરોપી અજય, મનદીપ, દલવિંદર અને રોહનને પકડી પાડ્યા છે. આ ચારેય પર પાકિસ્તાની ISI જોડાયેલા શસ્ત્ર દાણચોરી નેટવર્કનો ભાગ હોવાનો શંકા છે.

ક્રાઈમ બ્રાન્ચને મળી આવેલી ગુપ્ત બાતમી અનુસાર કેટલાક તસ્કરો દિલ્હીમાં હથિયારોની મોટી ખેપ પહોંચાડવા જઈ રહ્યા હતા. આ માહિતીના આધાર પર પોલીસે રોહિણી વિસ્તારમાં ટ્રેપ ગોઠવ્યો અને ચારેય આરોપીઓને શસ્ત્રોના જથ્થા સાથે ઝડપી લીધા હતા. મળેલી માહિતી મુજબ આરોપી પંજાબ અને ઉત્તર પ્રદેશના રહેવાસી છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે આ હથિયારો પાકિસ્તાનમાંથી ડ્રોન મારફતે પંજાબમાં નાખવામાં આવતા હતા. ત્યાંથી સ્થાનિક તસ્કરો તેને ઉઠાવી દેશના અન્ય રાજ્યોમાં પહોંચાડતા હતા. આ તસ્કરો દિલ્હીમાં આવીને આ હથિયારો લોરેન્સ બિશ્નોઈ, બંબીહા, ગોગી અને હિમાંશુ ભાઉ જેવા કુખ્યાત ગેંગને વેચવા માંગતા હતા.

પોલીસે હથિયારોની જયારે તપાસ કરી ત્યારે તેમાં તુર્કી અને ચીનમાં બનેલા અત્યાધુનિક પિસ્તોલ અને હાઈ-ટેક વેપન્સ મળ્યા. આ વેપન્સનો ઉપયોગ મોટાભાગે ગેંગવોર અને ક્રાઇમ માટે થતો હોવાથી આ સંપૂર્ણ નેટવર્ક પોલીસ માટે ચિંતા જનક બન્યું છે.

ક્રાઈમ બ્રાન્ચે હવે સમગ્ર રેકેટની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે. પાકિસ્તાનથી લઇને પંજાબ અને ત્યારબાદ દિલ્હી સુધીના આ દાણચોરી માર્ગની સંપૂર્ણ વિગતો મેળવવા પોલીસે તપાસને વધુ તેજ કરી છે. બીજા સભ્યોને પકડવા માટે છાપામાર કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

દિલ્લી પોલીસના આ પગલાથી એક મોટું આંતરરાષ્ટ્રીય કાવતરું નિષ્ફળ બન્યું છે અને ફરી એકવાર રાજધાનીમાં મોટી ઘટનાઓ અટકી ગઈ છે.

Most Popular

To Top