National

ઉત્તરાખંડમાં ફરી કુદરતી આફત: ચમોલીમાં વાદળ ફાટવાથી સાત લોકો ગુમ, ભારે તબાહી મચી

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બુધવારે રાત્રે ફરી એકવાર કુદરતી આફત તૂટી પડી છે. નંદનગર વિસ્તારના ફળી, કુંત્રી, સાંતી, ભૈંસવાડા અને ધુર્મા ગામોની ટેકરીઓ પર વાદળ ફાટવાની ઘટના બની હતી. જેના કારણે ભારે તબાહી સર્જાઈ હતી. ભારે વરસાદ અને કાટમાળના પ્રવાહે અનેક ઘરોને નુકસાન પહોંચાડ્યું છે. જેમાંથી છ ઇમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં સાત લોકો ગુમ થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. જ્યારે બે લોકોને SDRFની ટીમ દ્વારા જીવતા બહાર કાઢવામાં આવ્યા છે.

ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ SDRFની ટીમ તાત્કાલિક નંદપ્રયાગ પહોંચી ગઈ છે. જ્યારે NDRFની ટીમ ગોચરથી નંદપ્રયાગ જવા રવાના થઈ ગઈ છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. સંદીપ તિવારીએ મીડિયાને જણાવ્યું કે નંદનગરના કુંત્રી લગા, ફળી વિસ્તારમાં સૌથી વધુ નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે કાટમાળનો પ્રવાહ ઘરોમાં ઘૂસી ગયો હતો. જેના કારણે છ મકાનો સંપૂર્ણપણે દટાઈ ગયા છે. હાલ સુધી સાત લોકો ગુમ હોવાનું જાણવા મળ્યું છે.


નગર પંચાયત નંદનગર હેઠળ આવતા કુંત્રી લગા ફળી વિસ્તારમાં SDRF, સ્થાનિક પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમોએ શોધ અને બચાવ કામગીરી શરૂ કરી છે. ઘટનાસ્થળે એક મેડિકલ ટીમ અને ત્રણ 108 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારી (CMO)એ જણાવ્યું કે રાહત અને બચાવ કામગીરીમાં કોઈ વિલંબ ન થાય તે માટે તબીબી વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે.

આ ઉપરાંત નંદનગર તાલુકાના ધુર્મા ગામમાં ભારે વરસાદને કારણે પાંચ ઇમારતોને નુકસાન થયું હોવાની માહિતી મળી છે. સદનસીબે આ ગામમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે વિસ્તારની મોક્ષ નદીનું પાણીનું સ્તર સતત ઊંચું થઈ રહ્યું છે. જેના કારણે ચિંતા વધી રહી છે. અધિકારીઓએ નદીકાંઠાના ગામોને સતર્ક રહેવા સૂચના આપી છે.

જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર વરસાદને કારણે વિસ્તારનો રસ્તાઓ પરનો સંપર્ક પણ મોટે ભાગે તૂટી ગયો છે. જેને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે. SDRF અને NDRFની ટીમો કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. સ્થાનિક રહેવાસીઓને સલામત સ્થળે ખસેડવા માટે તાત્કાલિક વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.

ચમોલી જિલ્લામાં વાદળ ફાટવાની ઘટનાઓ અવારનવાર બને છે અને દર વખતે ભારે જાનહાનિ તથા માલમત્તાનું નુકસાન થાય છે.

હાલ SDRF, NDRF, સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ સંયુક્ત રીતે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીમાં લાગી ગયા છે.

Most Popular

To Top