રાજબારી: બાંગ્લાદેશમાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસાના બનાવો સતત સામે આવી રહ્યા છે. તાજેતરની ઘટના રાજબારી જિલ્લાના સદર ઉપજિલ્લામાં બની હતી, જ્યાં એક હિન્દુ યુવક પર વાહનને ઇરાદાપૂર્વક ચઢાવી કચડીને મારી નાખ્યો હતો. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આ ઘટના શુક્રવારે બની હતી, જેના કારણે આ વિસ્તારમાં તણાવ અને ગુસ્સાની લાગણી ફેલાઈ હતી.
મૃતકની ઓળખ 30 વર્ષીય રિપોન સાહા તરીકે થઈ છે. તે રાજબારીમાં ગોલંદા મોર પાસે કરીમ ફિલિંગ સ્ટેશન પર કામ કરતો હતો. એવું કહેવાય છે કે એક ડ્રાઇવરે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવ્યું હતું, પરંતુ જ્યારે તેણે પૈસા ચૂકવવાનો ઇનકાર કર્યો, ત્યારે રિપોન સાહાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો. આ સમયે આરોપી ડ્રાઇવરે ઇરાદાપૂર્વક રિપોન પર ગાડી ચઢાવી દીધી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ.
પોલીસે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે વાહન જપ્ત કરવામાં આવ્યું છે અને તેના માલિક અબુલ હાશેમની ધરપકડ કરવામાં આવી છે. અબુલ હાશેમ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના રાજબારી જિલ્લા એકમના ભૂતપૂર્વ ખજાનચી હોવાનું કહેવાય છે. ડ્રાઇવર કમાલ હુસૈનને પણ પોલીસે બાનીભાન નિપારા ગામમાંથી અટકાયતમાં લીધો હતો.

પોલીસે તેને હત્યાનો કેસ માન્યો
રાજબારી સદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી ખોંડકર ઝિયાઉર રહેમાને જણાવ્યું હતું કે આ કોઈ અકસ્માત નથી, પરંતુ સ્પષ્ટપણે હત્યાનો કેસ છે. તેમણે સમજાવ્યું કે પીડિત વાહનની સામે ઊભો હતો ત્યારે આરોપીએ પૈસા આપવાનો ઇનકાર કર્યો અને તેના પર ગાડી ચઢાવી ઘટના સ્થળેથી ભાગી ગયો. પોલીસે હત્યાનો કેસ નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે.
બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર અત્યાચાર
બાંગ્લાદેશમાં પહેલા પણ હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસાના બનાવો બન્યા છે. આ અઠવાડિયે ફેની જિલ્લાના દાગનભુઇયાન ઉપજિલ્લામાં વધુ એક હિન્દુ યુવાન સમીર દાસની તીક્ષ્ણ હથિયારોથી હત્યા કરવામાં આવી હતી. તેનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો હતો.

9 જાન્યુઆરીના રોજ, ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતીઓ પર સતત થઈ રહેલા હુમલાઓ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે જણાવ્યું હતું કે તે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને બાંગ્લાદેશ સરકાર પાસેથી સાંપ્રદાયિક હિંસાની આવી ઘટનાઓ સામે કડક પગલાં લેવાની અપેક્ષા રાખે છે. માનવાધિકાર સંગઠનોએ એમ પણ કહ્યું છે કે વર્તમાન વચગાળાની સરકાર હેઠળ લઘુમતીઓની સુરક્ષા એક ગંભીર પડકાર બની રહી છે.