વડોદરા: કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે બપોરે 1 કલાકે વડોદરા નજીક નેશનલ હાઇ-વે પર આવેલા દુમાડ અને દેણા ચોકડી પર અંદાજે રૂ.54 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરશે. ત્યારબાદ મંત્રી દુમાડ જંક્શન ખાતે જાહેરસભાને સંબોધન કરશે. અત્યાર સુધી દુમાડ ચોકડી પાસે દુમાડ, સાવલી, વડોદરા શહેર, નેશનલ હાઈવે નંબર-8 અને એક્સપ્રેસ વે –આ તમામનું ટ્રાફિક ભેગું થતું હતું. જેના કારણે અહીં વાહનોની લાંબી કતારો લાગવાથી ઇંધણના બગાડ સાથે એક વાહનચાલકનો સરેરાશ 35 મિનિટ જેટલો સમય પણ બગડતો હતો. વળી ટ્રાફિક પોલીસે ઉઠાવવી પડતી જહેમત તો અલગ જ. પરંતુ હવે વાહન વ્યવહાર આવાગમનમાં સરળતા થશે અને વાહનચાલકોને ખૂબ મોટી રાહત મળશે.
ફ્લાયઓવર બ્રિજના લોકાર્પણ બાદ વડોદરાથી દેણા ગામ થઇ સાવલી તરફ જનારા લોકો તેમજ સાવલીથી દેણા ગામ થઇ વડોદરા આવનારા લોકો અકસ્માતના ભય વગર હાઇવે ક્રોસ કરી શકશે. હવેથી માત્ર સાવલી કે વડોદરા શહેર આવતા-જતા વાહનચાલકો જ સર્વિસ રોડનો ઉપયોગ કરશે. જેના કારણે દેણા-દુમાડ ચોકડી પાસે ટ્રાફિકનું ભારણ અને અકસ્માતોનું પ્રમાણ બંને ઘટશે. મહત્વનું છે કે સપ્ટેમ્બર-૨૦૨૧માં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના હસ્તે વડોદરા નજીક દુમાડ ચોકડી ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 અને એક્સપ્રેસ વે પર વડોદરા-સાવલી જંક્શનના સુધાર કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.