સુરત: રાજકોટમાં સર્જાયેલી આગની કરુણાંતિકા બાદ સમગ્ર રાજ્યનું ફાયરબ્રિગેડ સતર્ક થયું છે. છેલ્લાં કેટલાંય દિવસોથી સુરતનું ફાયર બ્રિગેડ ઠેરઠેર ફાયર સેફ્ટીના સંદર્ભમાં સીલીંગની કામગીરી રહી છે. એક તરફ ફાયર બ્રિગેડ ફાયર સેફ્ટી માટે કડક કાર્યવાહી કરી રહ્યું છે, બીજી તરફ બેરોકટોક સુરતમાં બોમ્બ સમાન ગેસ રિફિલિંગનો ગેરકાયદે વેપલો ધમધમે છે.
હવે સુરત પોલીસે ગેરકાયદે ચાલતા ગેસ રી-ફિલિંગની ગેરકાયદે પ્રવૃત્તિ પર લાલ આંખ કરી છે. જો કે, તેમ છતાં આ ગેરકાયદે પ્રવૃત્તિ ધમધમી રહી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ગેરકાયદે ગે રી-ફિલિંગ કરવા મુદ્દે કાપોદ્રા પોલીસે બે દુકાનો પર દરોડા કરીને બે વ્યક્તિઓની સાથે સાથે નાની મોટી 36 નંગ બોટલ ઝડપી પાડી છે.
કાપોદ્રા વિસ્તારમાં આવેલા મોહનબાગ ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેસના બોટલોમાંથી બીજા ગેસના બાટલામાં ગેસ રી-ફિલિંગ કરવામાં આવતું હતું. સાથે જ મોટા પાયે ગેસના બાટલાઓનો સંગ્રહ કરવામાં આવ્યું હતું. જેથી લોકોના જાનમાલનું નુકસાન થાય તે પ્રમાણે કૃત્ય કરતા બે દુકાનદારોની ગેસના બાટલા તથા રિફેલિંગના સામાન મળી કુલ્લે 57,700 ના મુદ્દા માલ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે.
પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી બન્ને દુકાનદારોને ત્યાંથી 36 નાની મોટી બોટલની સાથે સાથે વજન કાંટા અને ગેસ રી-ફિલિંગ માટેની પાઈપ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા માટે બે ટીમ બનાવવાાં આવી હતી. હાલ બન્ને આરોપીઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.