સુરત(Surat): સુરતમાં વધુ એક ડુપ્લિકેટ માર્કશીટનું (Duplicate Marksheet Scam) કૌભાંડ ઝડપાયું છે. ઉતરાણ પોલીસે ડુપ્લીકેટ માર્કશીટના મામલે 6 આરોપી સામે ગુનો નોંધી ત્રણની ધરપકડ (Arrest) કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોટા વરાછા અને સરથાણા જકાતનાકા વિસ્તારમાં આ બોગસ માર્કશીટનું કૌભાંડ ચાલતું હતું. ઉતરાણ ડી માર્ટ રોડ ઉપર ગ્રીન પ્લાઝામાં તેજાણી ટુરીઝમની ઓફિસમાં બોગસ માર્કશીટ નો વેપલો ચાલતો હતો. અત્યાર સુધીમાં સેકડો લોકોને બોગસ માર્કશીટ આપવામાં આવી હોવાની વાત સામે આવી છે. આ કેસમાં ઉતરાણ પોલીસે નીલકંઠ દેવાણી, વિશાલ તેજાણી, સંજય ગેલાણી તેમજ બોની તાલા, વૈભવ તાલા અને ધ્રુવીન કોઠીયાની સામે ફરિયાદ નોંધી છે. જે પૈકી નીલકંઠ અને બોની તાલા બંને વિદેશમાં હોવાની માહિતી સાંપડી છે.
માર્કશીટ દીઠ 1 લાખથી વધુ રકમ વસૂલતા હતા
ઉતરાણ પોલીસે હાલ ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી હકીકત બહાર આવી છે કે આરોપીઓ એક માર્કશીટ દીઠ 1,00,000 થી 1,30,000 જેટલી રકમ વસૂલ કરતા હતા. ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડની ડુપ્લીકેટ બોગસ માર્કશીટ બનાવવામાં આવતી હતી. ધો. 10 અને ધો. 12 બોર્ડની નકલી માર્કશીટ બનાવી આપવામાં આવતી હતી. જે છ આરોપી સામે ગુનો નોંધાયો છે તે પૈકી બે આરોપી હાલ યુકે અને કેનેડા હોવાનું જાણવા મળ્યું છે.
બે દિવસ પહેલાં સુરત પોલીસે દિલ્હીથી એક આરોપીની ધરપકડ કરી હતી
ડુપ્લીકેટ માર્કશીટ/સર્ટિફિકેટ કેસમાં સુરતની સિંગણપોર પોલીસે તા. 26 માર્ચે દિલ્હીમાં એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ દિલ્હીના રાહુલ સૈનીને ઉંચકી લાવી છે. સુરતનો એજન્ટ નિલેશ દિલ્હીમાં ડુપ્લીકેટ માર્કશીટ બનાવડાવતો હતો. આ સાથે જ સુરત પોલીસે દેશવ્યાપી માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. તે કેસમાં સુરત પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. આ સાથે જ સુવ્યવસ્થિત નેટવર્ક ધરાવતા રેકેટને ખુલ્લું પાડ્યું છે. આરોપીઓ લાખો રૂપિયા લઈ ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપતા હતા. પોલીસ આ કેસમાં સઘન તપાસ કરી રહી છે.
સુરત પોલીસના જણાવ્યા અનુસાર ડુપ્લીકેટ માર્કશીટનું કૌભાંડ દેશભરમાં ફેલાયેલું છે. એજન્ટોના નેટવર્ક મારફતે આ સ્કેમ ચાલી રહ્યું હતું. વિદેશ જવા માંગતા હોય તેવા યુવક-યુવતીઓને ડોક્યુમેન્ટ જોઈતા હોય છે. ત્યારે તેઓ ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ ખરીદતા હતા. નિલેશ સાવલિયા ગુજરાતનો એજન્ટ હતો. તેના દેશભરના વિવિધ રાજ્યોમાં ફેલાયેલા એજન્ટો સાથે કોન્ટેક્ટ હતા. નિલેશની પૂછપરછ દરમિયાન બે એજન્ટ ઝડપાયા હતાં. જેમાં સેલવાસથી હાસીફ જીવાણી અને કેતન જેઠવાની ધરપકડ કરાઈ હતી. આ બંને જણા જે કોઈને સર્ટિફિકેટની જરૂર હોય તેઓને નિલેશ પાસે મોકલતાં હતાં.