ગુરુવારે તા. 12 જૂન 2025ના ગોઝારા દિવસે અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ 171 પ્લેન ક્રેશ થયું. આ પ્લેન મેઘાણીનગરમાં આવેલા બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલની મેસ બિલ્ડિંગ પર ક્રેશ થયું હતું, જેના લીધે હોસ્ટેલની બિલ્ડિંગોને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. તેમજ મેડિકલ કોલેજની મેસમાં જમી રહેલાં અનેક આશાસ્પદ મેડિકલ સ્ટુડન્ટ્સ અને ડોક્ટર્સના મૃત્યુ થયા હતા.
પ્લેન જ્યાં ક્રેશ થયું ત્યાં બે દિવસ બાદ પણ કાટમાળ ફેલાયેલો છે. હજુ પણ અહીં અવશેષો મળી રહ્યાં છે. આજે શનિવારે સવારે ફાયર બ્રિગેડને અતુલ્યમ હોસ્ટેલની પાછળના ભાગ પર પ્લેનની ટેલમાંથી એક ડેડબોડી મળી છે. આ ડેડબોડી એરહોસ્ટેસની હોવાની આશંકા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની બીજે મેડિકલ કોલેજના સ્ટુડન્ટ માટેની અતુલ્યમ હોસ્ટેલના પાછળના ભાગ ઉપર એર ઈન્ડિયાના બોઈંગ પ્લેનની ટેલ અથડાઈ હતી. આજે શનિવારે સવારે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યૂ સાધનોની મદદથી પ્લેનની ટેલનો કાટમાળ કાપવામાં આવ્યો હતો, જેમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર બ્રિગેડે મહામહેનતે આ ડેડબોડી બહાર કાઢી છે. આ ડેડબોડી એર હોસ્ટેસની હોવાની આશંકા છે.

અમદાવાદ ફાયર બ્રિગેડનો એક કર્મચારી મહા મહેનતે અંદર સુધી ગયો હતો અને તેને કટરથી આગળનો ભાગ કાપ્યો હતો. ત્યાર બાદ દોરડા વડે તેને બાંધી અને થોડો ખેંચવામાં આવ્યો હતો જે બાદ મૃતદેહને બહાર કાઢી લેવામાં આવ્યો હતો. બિલ્ડીંગના ધાબા ઉપરથી મૃતદેહ કાઢવામાં આવ્યું હતું અને જેને એક કપડામાં બાંધી અને ત્યારબાદ તેને દોરડા વડે નીચે ઉતારવામો આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે બપોરે બનેલી દુર્ઘટનામાં 270થી વધુ લોકોના મોત નિપજ્યા છે. અત્યાર સુધી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 230 લોકોના ડીએનએ સેમ્પલ લેવાયા છે. 270 ડેડબોડીના પોસ્ટમોર્ટમ થયા છે. 8 ડેડબોડીની ઓળખ કરી સ્વજનોને સોંપી દેવાઈ છે. આ દુર્ઘટનામાં હોસ્ટેલમાં રહેતા 4 એમબીબીએસ સ્ટુડન્ટના મોત થયા છે.