પૃથ્વી પર થઇ રહેલા હવામાન પરિવર્તનની સમસ્યાને હાથ ધરવા માટે વર્ષોથી વાર્ષિક ધોરણે હવામાન પરિષદો જુદા જુદા દેશોમાં યોજાય છે. આ વખતે તે બ્રાઝિલમાં યોજાઇ હતી. દર વખતની જેમ જ ખાસ કોઇ મોટી ફલશ્રુતી વિના આ બેઠક પુરી થઇ છે. બે અઠવાડિયાની વાટાઘાટો પછી, આ વર્ષની સંયુક્ત રાષ્ટ્રની આબોહવા વાટાઘાટો શનિવારે એક બાંધછોડ સાથે સમાપ્ત થઈ, જેને કેટલાક લોકોએ નબળાઇ ગણાવી અને કેટલાકે પ્રગતિ ગણાવી છે! COP30 પરિષદમાં અંતિમ સ્વરૂપ પામેલા કરારમાં દેશોને આબોહવા પરિવર્તનને અનુકૂલિત કરવામાં મદદ કરવા માટે વધુ નાણાંનું વચન આપવામાં આવ્યું છે, પરંતુ આપણા પૃથ્વી ગ્રહને ગરમ કરતા તેલ, કોલસો અને ગેસ જેવા અશ્મિભૂત ઇંધણથી દૂર જવાની સ્પષ્ટ યોજનાઓનો અભાવ છે. અને આ જ બાબત મહત્વની છે. જો પ્રદૂષણને કાબૂમાં લેવું હશે તો આ ઇધણોનો ઉપયોગ ઘટાડતા જવું પડશે, પરંતુ આ વખતે પણ તે અંગે કંઇ નક્કર નિર્ણય લઇ શકાયો નથી.
આ પરિષદે વિશ્વને જેટલું જોઈએ છે એવું વૈજ્ઞાનિકો માનતા હતા તેટલું કામ કર્યું નહીં. બહુ ઓછા દેશોને તેઓ જે ઇચ્છતા હતા તે બધું મળ્યું. અને આ વખતે તો વળી ખુદ કાર્યક્રમના સ્થળ પર આગ પણ લાગી! આ વખતની પરિષદની લાગણી થોડી જીત અને આગામી વર્ષે દેશો માટે વધુ પ્રગતિ કરવાની આશા સાથે મિશ્રિત છે. નેતાઓએ આબોહવા પરિવર્તન સામે લડવા માટેની સ્પષ્ટતાઓને સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે ખરો.
નેતાઓ એક દાયકાથી આબોહવા પરિવર્તનની અસરો, જેમ કે ભારે હવામાન અને સમુદ્ર સપાટીમાં વધારા સામે કેવી રીતે લડવું તે પર કામ કરી રહ્યા છે. તે કરવા માટે, દરેક દેશ પાસે પોતાની રાષ્ટ્રીય આબોહવા યોજનાઓ લખવાનું હોમવર્ક હતું. સંવેદનશીલ દેશોને આબોહવા પરિવર્તનનો સામનો કરવામાં મદદ કરવા માટે વચન આપેલા નાણાંની રકમ ત્રણ ગણી કરવા રાષ્ટ્રો સંમત થયા. પરંતુ તેમને તે કરવામાં વધુ પાંચ વર્ષ લાગશે. કેટલાક સંવેદનશીલ ટાપુ દેશોએ કહ્યું કે તેઓ નાણાકીય સહાયથી ખુશ છે. પરંતુ અંતિમ દસ્તાવેજમાં અશ્મિભૂત ઇંધણથી દૂરનો રોડ મેપ શામેલ નહોતો, જેના કારણે ઘણા લોકો સ્વાભાવિક રીતે નારાજ થયા છે.
ભારતે રવિવારે COP30 પ્રેસિડેન્સીના સમાવેશી નેતૃત્વ માટે બ્રાઝિલને ‘મજબૂત સમર્થન’ વ્યક્ત કર્યું અને તાજેતરમાં પૂર્ણ થયેલા આબોહવા સમિટમાં લેવામાં આવેલા અનેક નિર્ણયોનું સ્વાગત કર્યું હતું. નવી દિલ્હીએ ઘણા નિર્ણયો પર સંતોષ વ્યક્ત કર્યો હોવા છતાં, તેણે ખાસ કરીને COP30 ને આબોહવા પરિવર્તનના મુદ્દાઓને રોકવા માટે નીતિ ઘડવામાં સફળતા ગણાવી નથી. એક સત્તાવાર નિવેદનમાં, ભારતે શનિવારે અહીં સંયુક્ત રાષ્ટ્ર ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (UNFCCC) COP30 ના સમાપન પૂર્ણાહુતિમાં “ઉચ્ચ-સ્તરીય નિવેદન” માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. ભારત વતી આ પરિષદમાં પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ભાગ લીધો હતો. ભારતના નિવેદનમાં COP પ્રમુખ આન્દ્રે કોરિયા દો લાગોના નેતૃત્વ પ્રત્યે ભારતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. વધુ એક હવામાન શિખર પરિષદ કોઇ નક્કર અને મજબૂત ઢંઢેરા વિના સમાપ્ત થઇ છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે જો આવું જ ચાલતુ રહેશે તો માણસજાત હવામાન પરિવર્તનને કારણે વધુને વધુ મુશ્કેલીઓમાં સપડાતી જશે.