આણંદ : આણંદ જિલ્લો એનઆરઆઈ હબ છે અને અહીંના લોકો યેનકેન પ્રકારે વિદેશ જવા ધમપછાડા કરતાં હોય છે, ત્યારે કેટલાક લેભાગુઓ જુદા જુદા રસ્તે તેમની સાથે છેતરપિંડી આચરતા હોવાના કિસ્સા અવાર નવાર બહાર આવતાં રહે છે. તેમાં વિદ્યાનગર પોલીસે બાતમી આધારે રાધા સાયુજ્ય કોમ્પ્લેક્સમાં આવેલા લોટસ ઓવરસીઝ એજ્યુકેશનમાં દરોડો પાડી બોગસ બેન્ક સર્ટીફિકેટ બનાવી આપવાનું મસમોટું કૌભાંડ પકડી પાડ્યું હતું. આ બોગસ બેન્ક સર્ટીફિકેટ બનાવવના રૂ.ત્રણ લાખ જેવી માતબર રકમ લેવામાં આવતી હોવાની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
વિદ્યાનગર પોલીસને બાતમી મળી હતે કે, વી.સી. પટેલ સ્કૂલની સામે આવેલા રાધા સાયુજ્ય કોમ્પ્લેક્સમાં લોટસ ઓવરસીઝ એજ્યુકેશન આવેલી છે. જેના માલિક સ્ટુડન્ટ વિઝા પર તથા પીઆર પર વિદેશ જવા ઇચ્છતા ગ્રાહકોને બોગસ ડોક્યુમેન્ટ તથા બેન્ક સ્ટેટમેન્ટ બનાવી વિદેશ મોકલે છે. તે પેટે લોકો પાસેથી તગડી ફી વસુલે છે. આ બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ચૌહાણ, કોન્સ્ટેબલ વિજયસિંહ સહિતની ટીમ બનાવી 24મી ઓગષ્ટ,2021ની સાંજ લોટસ ઓવરસીઝ એજ્યુકેશનમાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં સ્ટાફ ઉપરાંત અલગ કેબીનમાં બેઠેલા કલ્પેશ ખીમજીભાઈ સોલંકી (રહે. સીતારામ કોમ્પ્લેક્સ પાસે, હરિઓમનગર, વિદ્યાનગર) મળી આવ્યાં હતાં. જેમાં કલ્પેશ સોલંકીની પૂછપરછ કરતાં તેણે ઓફિસના માલિક હોવાનું જણાવ્યું હતું.
પોલીસે તેની અટક કરી ઓફિસમાં તપાસ કરતાં એક કોમ્પ્યુટરમાંથી અલગ અલગ છ વ્યક્તિના નામના બોગસ બેન્ક સર્ટીફિકેટ મળી આવ્યાં હતાં. આ તમામ બેંક બેલેન્સ સર્ટીફિકેટ વર્ડની ફાઇલમાં બેંકના સ્ટેમ્પ, લોગો, બેંકનું નામ તથા બેંકની અન્ય વિગત અને બેંકના અધિકારીની સહી, સિક્કાનો ડિજીટલ સ્વરૂપમાં ઉપયોગ કરી બનાવેલા હતાં. જે એડીટેબલ હતાં. આ અંગે કલ્પેશ સોલંકીની પૂછપરછ કરતાં પોતે સ્ટુડન્ટ વિઝા તથા પીઆર વિઝા ઉપર વિદેશ જવા ઇચ્છતા ગ્રાહકો પાસેથી અભ્યાસને લગતાં ડોક્યુમેન્ટસ તથા પાસપોર્ટ મેળવી પાઇલ તૈયાર કરી વિદેશ મોકલવાની સંપૂર્ણ જવાબદારી લે છે. તેમાં એક ગ્રાહક દીઠ રૂ. ત્રણ લાખ બેન્ક બેલેન્સ સર્ટીફિકેટ તથા ફાઇલ ફીના લઇ ગ્રાહકોના નામે ખોટા જુદી જુદી બેંકના બેલેન્સ સર્ટીફિકેટ બનાવ્યાં હતાં. કલ્પેશની આ કબુલાત આધારે પોલીસે કોમ્પ્યુટર, પ્રિન્ટર, મોબાઇલ મળી કુલ રૂ.32 હજારનો મુદ્દામાલ તપાસ અર્થે કબજે લીધો હતો.