શહેરમાંથી વધુ એક બોગસ ડોક્ટર (Bogus Doctor) પકડાયો છે. એલસીબીએ (LCB) આજે મંગળવારે સવારે લસકાણા વિસ્તારમાં ડાયમંડ નગર ઇન્ડસ્ટ્રીઝ વિભાગ એક પાસે શિવમ ક્લિનિકમાં દરોડો (Raid) પાડયો હતો અને કોઈપણ જાતની ડીગ્રી ધરાવતા ન હોય તેમ છતાં મેડિકલ (Medical) પ્રેક્ટિસ કરતા બોગસ તબીબ કમલેશભાઈ રામદેવ રાય (ઉં.વ. 40)ને ઝડપી પાડ્યો હતો.
કમલેશ મૂળ બિહારનો વતની છે. પોલીસે દવાખાનામાંથી મેડિકલ સામાન તથા દવાનો જથ્થો મળી કુલ 39,076 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બોગસ ડોક્ટર કોઈ લાયસન્સ કે આધાર વગર એલોપેથી દવાનો જથ્થો રાખી દવાખાનામાં આવતા બીમાર દર્દીઓને સારવાર આપી ડિગ્રી વગર ડોક્ટરી પ્રેક્ટિસ કરતો હતો. હાલ આ મામલે લસકાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ડીસીપી આલોક કુમારે કહ્યું કે, ઝોન- 1 એલસીબી શાખા દ્વારા ડુપ્લીકેટ ડોક્ટરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તેનું નામ કમલેશભાઈ રામદેવ રાય છે. તે મૂળ બિહારનો વતની છે. તે લસકાણા વિસ્તારમાં ડાયમંડ નગર ઇન્ડસ્ટ્રીઝ વિભાગ એક પાસે શિવમ ક્લિનિક નામથી દવાખાનું ચલાવતો હતો. પોલીસે સીડીએચઓ(CDHO)ની ટીમ સાથે ક્લિનીકમાં દરોડો પાડ્યો હતો. તે માત્ર ધો. 12 ભણેલો છે. તેની પાસે એમબીબીએસ(MBBS), બીએએમએસ(BHMS) જેવી કોઈ પણ ડીગ્રી નહોતી. તે છેલ્લાં 4 વર્ષથી ત્યાં પ્રેક્ટીસ કરતો હતો.
તે દુકાનમાં અલગ અલગ પોસ્ટર લગાવીને એવો ક્લેઈમ કરતો હતો કે, તે આઈ સ્પેશ્યાલીસ્ટ છે. વીમેન, હાર્ટ સ્પેશીયાલીસ્ટ છે, કીડની સ્પેશ્યાલીસ્ટ છે, દરેક પ્રકારની બિમારીનો તે ઈલાજ કરી શકે છે. તેના ક્લિનીકમાંથી સર્જરી કીટ, સિલાઈ કીટ, ઇન્જેક્શન બોટલ, બીપી મશીન, હેમોગ્લોબિન ટેબલેટ વગેરે મળી 39 હજારનો મેડિકલ સામાન તથા દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. લોકોને અપીલ છે કે, તમે જે ડોક્ટર પાસે જાવ છો. ત્યારે તેની પાસે ડીગ્રી સાચી કે નહી તેની તપાસ કરે, ખોટા ફર્જી સર્ટિફિકેટ વાળા ડોકટરો પાસે તમે ના જાવ.
