National

ફરી એક બલ્યુ ડ્રમકાંડ: લખનઊમાં કિશોરે પિતા પર ગોળીબાર કર્યા બાદ શરીરના ટુકડા કરી વાદળી ડ્રમમાં છુપાવી દીધા

ઉત્તર પ્રદેશના લખનઊમાં બનેલી એક ભયાનક ઘટનામાં, અંદાજે 19થી 21 વર્ષની વચ્ચેની ઉંમરના યુવકે કથિત રીતે તેના પિતાની ગોળી મારીને હત્યા કરી, શરીરના ટુકડા કર્યા અને તેના ભાગો તેમના ઘરે વાદળી ડ્રમમાં છુપાવી દીધા હતા, આ બનાવ અંગે પોલિસે મંગળવારે જણાવ્યું હતું. પીડિત, 49 વર્ષીય પેથોલોજી લેબના માલિક, માનવેન્દ્ર સિંહ, તેના પુત્ર સાથે તેના ભાવિ કારકિર્દી અંગેના વિવાદને કારણે હત્યા કરવામાં આવી હોવાનું કહેવાય છે. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય પાત્રતા કમ પ્રવેશ પરીક્ષા (NEET) પાસ કરવાના દબાણને કારણે પિતા અને પુત્ર વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે આરોપી પુત્ર અક્ષત પ્રતાપ સિંહે 20 ફેબ્રુઆરીએ તેના પિતા ગુમ થયા હોવાની ફરિયાદ નજીકના આશિયાના પોલિસ સ્ટેશનમાં નોંધાવી હતી. જ્યારે પોલિસના અનેક પ્રયાસો બાદ ભાળ ન મળતા પડોશીઓએ સ્થાનિક પોલીસ સ્ટેશન પર દબાણ કર્યું હતું, જેના કારણે તેની તપાસ વધુ સઘન રીતે શરૂ થઈ હતી.

પોલીસે જણાવ્યું હતું કે બંને બાપ – દીકરા  વચ્ચે ઉગ્ર દલીલ બાદ 20 ફેબ્રુઆરીએ સવારે 4.30 વાગ્યે ગુનો બન્યો હતો. ગુસ્સામાં આવીને, અક્ષતે કથિત રીતે તેના પિતા પર ગોળીબાર કરવા માટે લાઇસન્સવાળી રાઇફલનો ઉપયોગ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગોળીબાર વખતે પીડિતાની પુત્રી પણ સામે હતી, આરોપીએ તેણીને ઘટના વિશે ચૂપ રહેવાની ધમકી આપી હતી. હત્યા પછી, અક્ષતે કથિત રીતે મૃતદેહને ત્રીજા માળેથી ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર ખેંચી લીધો હતો, જ્યાં તેણે તેના ટુકડા કરી દીધા હતા. કેટલાક ભાગો તેની કારમાં મૂકવામાં આવ્યા હતા અને એકાંત વિસ્તાર, સદ્રૌનામાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેણે તેનો નિકાલ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે માથું પણ તે જ જગ્યાએ ફેંકી દેવામાં આવ્યું હતું, પરંતુ તે હજુ સુધી મળી આવ્યું નથી. જોકે, સોમવારે સાંજે જ્યારે તેણે ધડનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેના શંકાસ્પદ વર્તનને  જોતાં પોલીસ પેટ્રોલિંગ ટીમે તેને અટકાવ્યો હતો. સતત પૂછપરછ બાદ, તેણે ગુનો કબૂલ્યો. ધડ પાછળથી ઘરની અંદર વાદળી ડ્રમમાંથી મળી આવ્યું હતું, જ્યારે અન્ય અવશેષો વાહનમાં લઈ જઈને અન્યત્ર ફેંકી દેવામાં આવ્યા હતા.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સેન્ટ્રલ) વિક્રાંત વીરે IANS ને જણાવ્યું હતું કે, આરોપીએ ગુનો કબૂલ કરી લીધો છે અને વધુ તપાસ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે અક્ષતે તેમને કહ્યું હતું કે તેણે તેના પિતાની હત્યા કરી હતી કારણ કે તેના પર NEET પરીક્ષા પાસ કરવા અને તબીબી કારકિર્દી બનાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અક્ષત તેના પિતાની માલિકીની દારૂની દુકાન ચલાવતો હતો અને તેને માસિક 17,000 રૂપિયાનો પગાર મળતો હતો, પરંતુ તે તેનાથી નાખુશ હતો. તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે માનવેન્દ્ર સિંહ ઇચ્છતા હતા કે તેમનો પુત્ર આ પરીક્ષાઓની તૈયારી કરે અને તબીબી ક્ષેત્રમાં કારકિર્દી બનાવે, પરંતુ અક્ષતને એમાં જરાપણ રૂચિ નહોતી અને આ બાબતે એમના વચ્ચે ઝઘડાઓ થયા કરતા હતા. આ પહેલા પણ એ આ મતભેદોને કારણે ઘરેથી નીકળી ગયો હતો.

તપાસમાં સામેલ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જ્યાં ગોળીબાર થયો હતો તે રૂમમાંથી એક ગોળી મળી આવી હતી. રાઇફલ અને ગોળી ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે. સોમવારે સાંજે, પોલીસે અક્ષતને કસ્ટડીમાં રાખીને ઘરે દરોડો પાડતા વિકૃત અવશેષો ધરાવતો ડ્રમ જપ્ત કર્યો હતો. ફોરેન્સિક ટીમો કાર અને ઘરની અંદર મળી આવેલા લોહીના ડાઘની તપાસ કરી રહી છે, જ્યારે ગુમ થયેલા શરીરના ભાગો શોધવા માટે શોધ કામગીરી ચાલી રહી છે. પોલિસ આ અંગે ઘટનાઓના સંપૂર્ણ ક્રમને એકસાથે લાવવાના પ્રયાસો ચાલુ છે.

Most Popular

To Top