SURAT

ડાયમંડ સિટી સુરતમાં ફરી લોહિયાળ ઘટના, મોલ બહાર યુવકની નિર્દય હત્યા

ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર છેલ્લા કેટલાક સમયથી વધતી ગુનાખોરીને કારણે ચર્ચામાં આવી રહ્યું છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં આજે વધુ એક સનસનીખેજ હત્યાની ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ સર્જાયો છે. ક્રિષ્ના AC મોલ જેવા વ્યસ્ત વિસ્તારમાં જાહેર રસ્તા પર 26 વર્ષીય યુવકની નિર્દય હત્યા કરવામાં આવતા કાયદો અને વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. મૃતકનું નામ આશિષસિંહ રાજપૂત હોવાનું જાણવા મળ્યું છે. આશિષસિંહ ડિંડોલી વિસ્તારમાં આવેલા ક્રિષ્ના AC મોલ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક કેટલાક અજાણ્યા હુમલાખોરોએ તેના પર ઘાતક હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર વડે વારંવાર હુમલો કરતા આશિષસિંહને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાહેર રસ્તા પર બનેલી આ લોહિયાળ ઘટનાથી આસપાસના લોકોમાં હડકંપ મચી ગયો હતો. હુમલાખોરો હુમલો કર્યા બાદ તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસનો કાફલો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી. ઈજાગ્રસ્ત આશિષસિંહને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ સમાચાર મળતા જ મૃતકના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ત્યાં શોકમય દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે હાલ આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે, જેથી હુમલાખોરોની ઓળખ થઈ શકે. પ્રાથમિક તપાસમાં અંગત અદાવત અથવા જૂના વેરઝેરના કારણે આ હુમલો કરવામાં આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, પોલીસે તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરમાં હત્યા, લૂંટ, મારામારી અને અન્ય ગુનાખોરીની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને જાહેર સ્થળોએ બનતી આવી ઘટનાઓને કારણે સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા તેજ કરી છે. પોલીસ હવે આરોપીઓને ઝડપી પાડવા માટે તાબડતોબ તપાસ હાથ ધરી રહી છે.

Most Popular

To Top