નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કેજરીવાલે પૂજારી અને ગ્રંથી સન્માન યોજનાની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલ આ યોજના માટે કનોટ પ્લેસના હનુમાન મંદિરથી રજીસ્ટ્રેશન શરૂ કરશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું હું આજે જે યોજનાની જાહેરાત કરવા જઈ રહ્યો છું તેનું નામ પૂજારી ગ્રંથી સન્માન યોજના છે. આ અંતર્ગત મંદિરોના પૂજારીઓ અને ગુરુદ્વારાના પૂજારીઓને દર મહિને માનદ વેતન આપવાની જોગવાઈ છે. તેમને દર મહિને લગભગ 18,000 રૂપિયાનું માનદ વેતન આપવામાં આવશે.
કેજરીવાલે ટ્વિટર પર લખ્યું જો આમ આદમી પાર્ટી જીતશે તો દિલ્હીના મંદિરોના પૂજારીઓ અને ગુરુદ્વારા સાહિબના ગ્રંથીઓને દર મહિને 18,000નું માનદ વેતન આપવામાં આવશે. આ યોજના સમાજમાં તેમના આધ્યાત્મિક યોગદાન અને આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવાના તેમના પ્રયાસોને શ્રદ્ધાંજલિ છે. તેમજ ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ભાજપના લોકોએ આને રોકવાની કોશિશ ન કરવી જોઈએ, તે મોટું પાપ થશે.