ગાંધીનગરઃ ગુજરાત સરકારે નવા વર્ષના પહેલાં જ દિવસે પ્રજાને મોટી ભેંટ આપી છે. સરકારે નવી 9 મહાનગરપાલિકાને મંજૂરી આપી છે, જેમાં મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, આણંદ, નડિયાદ, પોરબંદર, નવસારી અને વાપીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એક જિલ્લાનો પણ ઉમેરો કર્યો છે.
આ સાથે જ રાજ્યમાં હવે જિલ્લાની સંખ્યા 33થી વધી 34 અને મનપાની સંખ્યા 8થી વધી 17 થઈ છે. રાજ્યમાં હાલ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર અને સુરત એમ 8 મનપા કાર્યરત છે. વર્ષ 2025ના પહેલાં દિવસે તા. 1 જાન્યુઆરીના રોજ મળેલી રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં વધુ 9 મહાનગર પાલિકાનો ઉમેરો કરાયો છે. સરકારે રાજ્યની 9 મહાનગર પાલિકા વિશે વિધિવત જાહેરાત કરી છે. આ 9 નગર પાલિકાઓને મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેથી હવે રાજ્યમાં મહાનગર પાલિકાની સંખ્યા 17 થઈ છે. નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદર અને આણંદને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યો છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નવી મનપાની જાહેરાત સાથે નવા અધિકારીઓની સંભવિત નિમણૂંક સહિતની વહિવટી પ્રક્રિયાઓને અંતિમ સ્વરૂપ આપવાની કામગીરી તેજ ગતિથી ચાલી રહી છે. મુખ્યમંત્રી કાર્યાલયે તમામ જરૂરી ઔપચારિકતા પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપી છે. નગર પાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તાર ઉપરાંત આસપાસના ગામોને પણ મનપા વિસ્તારમાં સમાવી લેવાશે. નવી મનપાને વિકાસ કાર્યો માટે નવા બજેટમાં નોંધપાત્ર ગ્રાન્ટ ફાળવવામાં આવશે.
બનાસકાંઠાના બે ભાગ થયા
ગુજરાતને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નવો જિલ્લો મળ્યો છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરાયું છે. કેબિનેટની બેઠકમાં વિભાજન અંગે મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી કક્ષાએ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યારે 33 જિલ્લા છે. બનાસકાંઠાના બે ભાગ થતા હવે 34 જિલ્લા થયા છે. બનાસકાંઠામાંથી થરાદને નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે.
થરાદ બન્યો નવો જિલ્લો
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદને નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે. બનાસકાંઠામાં અત્યારે 14 તાલુકા આવેલા છે. થરાદ નવો જિલ્લો બનતા થરાદમાં વાવ, સુઇગામ,કાંકરેજ, ભાભર, દિયોદર અને લાખણી તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલનું જિલ્લા મથક પાલનપુર થરાદથી 90 કિલોમીટર દૂર છે ત્યારે થરાદને નવો જિલ્લો બનાવવાથી વહીવટી કામોમાં સરળતા આવશે અને વિકાસની કામગીરીને વેગ મળશે.