Dakshin Gujarat

અંકલેશ્વરના બનાસ બલ્ક કેરિયરને GPCBએ ક્લોઝર નોટિસ ફટકારી

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ બનાસ બલ્ક કેરિયરને પ્રદૂષણના મુદ્દે જીપીસીબી દ્વારા ક્લોઝર નોટિસ ફટકારવામાં આવ્યું છે. જ્યારે પર્યાવરણના નુકસાન વળતર સબબ રૂપિયા 25 લાખનો દંડ પણ ફટકારાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્વરિત વીજ અને પાણી કનેક્શન કાપવાનો પણ જે-તે વિભાગને જીપીસીબી દ્વારા આદેશ કરાયો છે. તા.૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૧ની સવારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ બી પમ્પિંગ સ્ટેશન પાસેની વરસાદી કાંસમાં કોઈ તત્ત્વો દ્વારા એસિડીક વેસ્ટ વોટરનો નિકાલ કરવામાં આવ્યો હતો.

જે અંગેની જાણ અંકલેશ્વર જીપીસીબીને કરાતાં જીપીસીબી દ્વારા ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ કોઈ સગળ ન મળતાં અંતે જીપીસીબીને એસિડીક વેસ્ટ કેમિકલના અંશો નોટિફાઈડની ડ્રેનેજમાં જોવા મળ્યા હતા. આ ડ્રેનેજ લાઈન ઈન્ડોકેમ કમ્પાઉન્ડમાંથી આવતી હોવાનું ફલિત થતાં તે તરફ તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં. અંતે શંકાના આધારે તે વિસ્તારના પ્લોટ નં. 2900/6 સ્થિત બનાસ બલ્ક કેરિયરને ત્યાં તપાસ આદરતાં કેટલાક અંશો ડ્રેનેજ લાઈનમાં મળી આવ્યા હતા.

જેમાં પરિસરની બહારના વરસાદી પાણીના નિકાલની લાઈનમાં એસિડીક વેસ્ટ વોટરના અંશો જોવા મળ્યા હતા. જ્યારે બનાસ બલ્ક કેરિયરના પરિસરમાં આવેલ અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ પાઇપલાઇનમાં હાઈલી એસીડીક પીળા રંગના વેસ્ટ વોટરના અંશો જોવા મળ્યા હતા. જીપીસીબીની તપાસ દરમિયાન હાઈલી એસિડીક પીળા રંગના કેમિકલના અંશો પણ ડોમેસ્ટિક વેસ્ટ વોટરના ડિસ્ચાર્જની લાઈનમાં મળી આવ્યા હતા. જ્યારે બી-પમ્પિંગ સ્ટેશન પાસેના સંગ્રહિત પાણીનાં સેમ્પલના પૃથકરણની તપાસ દરમિયાન તેની પીએચ 1.57, સીઓડી 288160 mg/l, ક્લોરાઇડ : 4300 mg/l, એમોનિકલ નાઇટ્રોજન 467.6 mg/l, ટીડીએસ 8826 mg/l, એસએસ 467.60 mg/l, એસિડીટી 14150, બીઓડી 2811 mg/l, સલ્ફાઇડ 41.6 mg/l જોવા મળ્યા હતા.

જે અંગેનો તપાસ રીપોર્ટ અંકલેશ્વર જીપીસીબી દ્વારા ગાંધીનગર વડી કચેરી ખાતે મોકલી અપાતા બનાસ બલ્ક કેરિયરને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારી હતી. જ્યારે પર્યાવરણના નુકસાનના વળતર સબબ રૂ.25 લાખનો દંડ પણ ફટકારાયો છે. વધુમાં ત્વરિત વીજ અને પાણી કનેક્શન કાપવાનો પણ જેતે વિભાગને જીપીસીબી દ્વારા આદેશ કરાયો છે. સમગ્ર જીપીસીબીની કાર્યવાહીથી કેટલાક ટ્રાન્સપોર્ટરો અને ટ્રેડર્સોમાં સોપો પડી ગયો છે.

Most Popular

To Top