ભરૂચ, અંકલેશ્વર: અંકલેશ્વર GIDCમાં (Ankleshwar GIDC) આવેલી હરિહર કંપનીના માલિક અને બીજા ઉદ્યોગકારનું નાક દબાવી તોડ કરવા ગયેલા મહિલા સહિત ૪ તોડબાજ પત્રકારોની (Journalists) ગેંગનો ખેલ ઊંધો પડ્યો હતો. GIDC પોલીસે (Police) ૨ લાખની ખંડણીનો (Ransom) ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી છે.
મૂળ બોટાદના કિશોર ઉર્ફે અલ્પેશભાઈ પટેલ અંકલેશ્વર GIDCમાં રહે છે. GIDCમાં પારસ ચોકડી ખાતે પ્લોટ નં.૫૧૭૭માં હરિહર કેમિકલ્સના નામે છેલ્લાં વીસ વર્ષથી કંપની ચલાવે છે. મંગળવારે તેઓ કંપની પર હાજર હતા. એ દરમિયાન સાંજના ચારેક વાગ્યે એક મહિલા તથા તેની સાથે બીજા ત્રણ ઈસમો એક લાલ કલરની કાર લઈને કંપની પર આવ્યા હતા. ચાર લોકોની ગેંગે પોતે પત્રકાર હોવાનો ફોડ પાડ્યો હતો. કંપની માલિકને કહ્યું હતું કે, અગાઉ તમારી કંપની પર તથા તમારી બાજુમાં આવેલ કંપનીમાં સરકારી એજન્સીની રેડ પડી હતી. જેના અનુસંધાને અમે આવ્યા છીએ અને તમારી પાસે આ પેટ્રો કેમિકલ્સનો સ્ટોર કરવાનો લાઇસન્સ નથી. તેમ છતાં તમે આ પેટ્રો કેમિકલ્સનો વેપાર કરો છો. તમે આ બધુ ગેરકાયદે કરો છો. મારી પાસે તેના ફોટા તથા વિડીયો છે.
મહિલા પત્રકારે અગાઉ મેં જ રેઇડ કરાવી હતી. હવે અત્યારે તમારે શું કરવું છે તેમ પૂછતાં કંપની માલિકે લઈ-દઈ પતાવટ કરવા માટે જણાવ્યું હતું. ત્યારે આ મહિલાએ અમે એજન્સી મારફતે રેડ કરાવીએ ત્યારે અમને તેમાંથી ૨૦ ટકા રકમ મળે છે. મહિલાએ બાજુમાં જે કંપની ચલાવે છે તે મિતુલભાઈને પણ બોલાવડાવી બંને ઉદ્યોગકારોને ભેગા મળીને રૂ.૨ લાખ આપી મેટર પતાવી દેવા જણાવ્યું હતું.
ત્યારે આ મિતુલભાઈએ અંકલેશ્વર GIDC એસોસિએશનના પ્રમુખને ફોન કરતા થોડીવારમાં અંકલેશ્વર GIDC એસોસિએશનના પ્રમુખ કંપની પર આવી ગયા હતા. એસોસિએશનના પ્રમુખ જશુભાઈ ચૌધરીએ આ મહિલા તથા તેની સાથે આવેલ ઈસમો પાસે પોતે કઈ એજન્સી મારફતે આવેલ છે તે બાબતે ખરાઈ કરી પોતાનું ઓળખપત્ર બતાવવા માટે જણાવતાં આ મહિલા તથા તેની સાથે આવેલા માણસોએ કોઇપણ જાતનું કોઇ ઓળખપત્ર બતાવ્યું ન હતું.
AIA પ્રમુખે પોલીસ બોલાવતાં તોડ કરવા આવેલી મહિલા સુનીતા સુરેશભાઈ પટેલ, ભરત દિનેશભાઈ મિસ્ત્રી, વિનોદ નાથુભાઈ જાદવ અને મહેન્દ્ર ગોવિંદભાઈ વસાવા સામે બે લાખની ખંડણી અને ધંધો બંધ કરાવી દેવાની ધમકીનો ગુનો નોંધી ચારેયની ધરપકડ કરાઈ હતી. ચાર તોડબાજ ટોળકીમાં ભરત મિસ્ત્રી ભરૂચ શહેર ભાજપ મીડિયા સેલનો સભ્ય છે. જ્યારે મહિલાએ કોરોના કાળમાં પણ પોતાના મળતીયાઓ સાથે મળી તોડ કર્યા હોવાની વિગતો સ્ફોટક બહાર આવી છે.