અંકલેશ્વર: અંકલેશ્વરની (Ankleshwar) રાજપીપળા ચોકડી નજીક આવેલા વળાંક પાસે 2 ટ્રક વચ્ચે (Two Truck) બાઈકસવાર (Biker) દબાઈ જતા તેનું ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવારે બપોરે એક બાઈકસવાર અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલા વળાંક પાસેથી પસાર થઇ રહ્યો હતો. એ દરમિયાન કાળ બનીને ધસી આવેલી 2 ટ્રકના ચાલકોએ બાઈકને ટક્કર મારતાં ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકસવાર 2 ટ્રક વચ્ચે દબાઈ જતાં તેને ગંભીર ઈજા પહોંચતાં મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે હાઈવે ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માત અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારે અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિકને પૂર્વવત કરાવી વધુ તપાસ હાથ ધરી હતી.
- 2 ટ્રક વચ્ચે બાઈકસવાર દબાઈ જતા તેનું ગંભીર ઈજાઓને પગલે મોત
- અકસ્માતના પગલે હાઈવે ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો
વલસાડ પોલીસનું ઠેર-ઠેર વાહન ચેકિંગ અભિયાન
વલસાડ : વલસાડ જિલ્લા પોલીસે આગામી ચૂંટણીને અનુસંધાને ઠેર-ઠેર વાહન ચેકિંગ હાથ ધર્યુ છે. પોલીસ દ્વારા વલસાડ શહેર જ નહી, પરંતુ સમગ્ર જિલ્લામાં જુદા જુદા સ્થળોએ આ ચેકિંગ હાથ ધરાયું છે. વલસાડ જિલ્લાના પારડી પોલીસ દ્વારા પાતલિયા ચેક પોસ્ટ પર, રૂરલ પોલીસ દ્વારા વલસાડ હાઇવે પર, ડુંગરી પોલીસ દ્વારા હાઇવે નં. 48 પર વાહન ચેકિંગ હાથ ધરાયું છે. જેમાં તેમના દ્વારા કોઇ પણ વાહનને ઉભા રાખી ચેકિંગ થઇ રહ્યું છે. આ ચેકિંગ દારૂ જ નહી, પરંતુ પૈસાની હેર ફેર પર કે અન્ય કોઇ ગેરકાનુની કૃત્ય અકટાવવા થઇ રહ્યું છે. પોલીસના આ ચેકિંગના પગલે સમગ્ર પંથકમાં ગભરાહટ ફેલાઇ છે. જોકે, આ ચેકિંગ દરમિયાન કોઇ મોટો કેસ હાલ વલસાડ પંથકમાં જોવા મળ્યો નથી. જોકે, આ ચેકિંગના કારણે સામાન્ય લોકોમાં ભારે ચર્ચા સાથે ડરની લાગણી જોવા મળી હતી.