ભરૂચ: અંકલેશ્વરમાં (Ankleshwar) દર્દનાક કિસ્સો બન્યો છે. વડોદરાની (Vadodara) ખાનગી હોસ્પિટલમાં પતિના અવસાન બાદ તેની પત્ની અને દિકરો મૃતદેહને (Deadbody) અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે લઈને ગયા હતા. મા-દીકરા મૃતદેહને તો લઇ આવ્યા પણ અંતિમ સંસ્કાર માટે પૈસા ન હોવાથી વિડંબના વચ્ચે આખી રાત ખાટલામાં લાશ મુકીને બેસી રહ્યા. સમગ્ર ઘટનાની જાણ અંકલેશ્વરની સેવાભાવી ટીમને ખબર પડતા તેઓએ પહોંચી જઈ નિરાધારને આધાર આપીને અંતિમ સંસ્કાર કરાવી આપ્યા હતા.
કેટલાક કિસ્સામાં માનવીને મોત બાદ પણ અંતિમ સંસ્કાર માટે પરીજનોએ ઝઝૂમવું પડે એ કફોડી હાલત કહેવાય. આવો જ એક દર્દનાક કિસ્સો ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં વાલિયા ચોકડીએ બ્રિજ નીચે ઘરવિહોણા પરિવાર સાથે બન્યો છે. ઘટના એવી હતી કે ઘરવિહોણા પરિવારનો મોભીને કમળો થતા સારવાર માટે વડોદરાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થઇ ગયું હતું. જો કે આખો પરિવાર નિરાધાર ગરીબ હોવાથી જિંદગી ગમેતેમ કરીને પસાર કરતા હતા. પરિવારના મોભીનું મોત થતા પરિવારનો આશરો પણ છીનવાઈ ગયો હતો. ત્યારે મૃતકની પત્ની અને દીકરો મૃતદેહને હોસ્પિટલમાંથઈ લઈ અંકલેશ્વરની વાલિયા ચોકડીએ પહોંચ્યા હતા.
જો કે કમનસીબી એ હતી કે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે મા દીકરા પાસે એક ફૂટી કોડી પણ ન હતી. તેથી મૃતકની પત્ની અને દિકરો આંખમાં આંસુ સાથે ખાટ્લામાં મૃતદેહને રાખીને આખી બેસી રહ્યાં હતા. સવારે જ્યારે આ પરિવારની કથની અંગે ટ્રાફિક પોલીસના જવાનોએ માહિતી મળી ત્યારે તેઓએ આ ગરીબ પરિવારની મદદ માટે અંકલેશ્વરના સેવાભાવી રજનીશસિંગને સંપર્ક કરીને જાણ કરી હતી.
આખી ઘટના સાંભળીને ઋજુ હૃદયના રજનીશસિંગ પરિવાર પાસે દોડી ગયા હતા અને ખાટલામાંથી મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સબવાહિનીમાં સ્મશાને લઇ જઈને મૃતકના દિકરા પાસે અગ્નિદાહ આપવવાનું ઉત્તમ કાર્ય કર્યું હતું. આખો પરિવારની લાચારી દુર થતા ચિંતામુક્ત થઇ ગયા હતા. જો કે અંકલેશ્વરના રજનીશસિંગે માત્ર આ અંતિમ સંસ્કારનું કામ નથી કર્યું પરંતુ 50થી વધુ અંતિમ સંસ્કારનું કામ કરીને માનવતા જીવતી કરી છે.