અંકલેશ્વર: (Ankleshwar) દેશમાં પેટ્રોલ અને ડીઝલના (Petrol Diesel) વધતાં ભાવો વચ્ચે હવે ઉદ્યોગોને પણ સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. અંકલેશ્વરમાં શનિવારના રોજ પેટ્રોલનો ભાવ રૂ. 88.10 અને ડીઝલનો ભાવ રૂ. 87.55 પર પહોંચી જતાં લોકો તો પરેશાન થઈ ગયા છે સાથે ઔદ્યોગિક (Industries) એકમોને પણ ગંભીર અસર થઈ રહી છે. સૌથી મોટી ઔદ્યોગિક વસાહત એવી અંકલેશ્વર અને અડીને આવેલી પાનોલી (Panoli) વસાહતમાં 2000 જેટલા એકમો કાર્યરત છે.
ઇંધણના ભાવ વધારા અંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ રમેશ ગાબાણીએ જણાવ્યું હતું કે સરકારે આ બાબતે ખરેખર ગંભીરતાથી વિચારવાની જરૂર છે, કારણકે ઉદ્યોગોને ટ્રાન્સપોર્ટેશન મોંઘુ પડે અને એને લીધે ઉત્પાદન ખર્ચ પણ વધે જેને લઇને ઉત્પાદનો પણ મોંઘા થાય. ટૂંકમાં ઇંધણના ભાવવધારાની અસર તમામ વર્ગના લોકો પર થવાની છે. નાનાને નાનો અને મોટો અને મોટો માર પડે છે એ વાસ્તવિકતા છે.
- સરકાર ગંભીરતાથી નહીં વિચારે તો નાનાને નાનો અને મોટા ઉદ્યોગોને મોટો માર પડે છે એ વાસ્તવિકતા છે : અંકેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ
- પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી ઉદ્યોગોનો ટ્રાન્સપોર્ટેશન અને ઉત્પાદન ખર્ચ વધી ગયો છે, જેથી ઉત્પાદનો મોંઘા થઈ રહ્યા છે
પેટ્રોલ-ડીઝલ રોજિંદા જરૂરિયાની વસ્તુ છે, તેનો ભાવ વધે તે લોકોને પરવડે એવો નથી
એક સિનિયર સિટીઝન નીતાબેન પાઠકે જણાવ્યું હતું કે સરકાર ખરેખર આ વખતે ગંભીર બને એ જરૂરી વાત છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ પેટ્રોલ-ડીઝલ રોજિંદી જરૂરિયાતની વસ્તુ છે સાથે જ ગૃહિણીએ ઘર સંભાળવાનો હોય તેનું બજેટ ખોરવાઈ જાય છે શાકભાજીથી લઈ તમામ ચીજવસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થાય છે જે દરેકના ખિસ્સાને પરવડે એવો નથી.
સરકાર જનતાના ખિસ્સા ખાલી કરવા બેઠી છે: કોંગ્રેસ પ્રવક્તા
ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલાએ જણાવ્યું હતું કે સરકાર જનતાને પાયમાલ કરવા બેઠી છે. પેટ્રોલ અને ડીઝલ એ ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોના વાહનોથી લઇ ઉદ્યોગો માટે પણ ફરજિયાત અને રોજિંદી જરૂરિયાત છે ત્યારે સરકાર એમાં જ ભાવવધારો કરીને જનતાના ખિસ્સા ખાલી કરવા બેઠી છે અને પોતાની તિજોરી ભરવા બેઠી છે. જનતા જ આ બાબતે જાગૃત થાય તે જરૂરી છે.