અંકલેશ્વર: ભરૂચ (Bharuch) એલસીબી અને અંકલેશ્વર (Ankleshwar) જીઆઈડીસી (GIDC) પોલીસે (Police) અંકલેશ્વરના ભડકોદ્રા ગામની આદિત્યનગર સોસાયટી સહિત 4 સ્થળે ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કરને વલસાડ (Valsad) ખાતેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ગત તારીખ 23મી ઓગષ્ટના રોજ અંકલેશ્વરના ભડકોદ્રા ગામની આદિત્યનગર સોસાયટીમાં રહેતા ઇલાબેન જાધવના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી અંદર રહેલા 3 ફોન અને સોનાનાં ઘરેણાંની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જ્યારે જીઆઈડીસી વિસ્તારના અન્ય મકાનમાંથી પણ 3 ફોનની ચોરી થઇ હતી.
આ ચોરી અંગે ભરૂચ એલસીબી અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ વડે તપાસ કરતા આ ચોરીમાં મૂળ બિહારના અને હાલ વલસાડ રેલવે સ્ટેશન નજીક રહેતા ધીરજસિંગ દિલીપસિંગ રાજપૂત સંડોવાયેલ હોવાનું માલૂમ પડતાં ભરૂચ એલસીબી અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વલસાડ ખાતેથી ધીરજસિંગને ઝડપી પાડી તેની પૂછપરછ કરતાં તા.22 ઓગસ્ટે અંકલેશ્વર ખાતે હોટલ મયુરામાં રોકાઈ રાતે યુપીના રૂપેશ સાથે ભડકોદ્રા ગામની આદિત્યનગર સોસાયટી સહિત અન્ય એક મકાન તેમજ વર્ષ 2016માં માનવ મંદિર પાસેના ડેક્કન કોલોનીના એક મકાન તેમજ અન્ય 3 મકાને નિશાન બનાવ્યું હોવા સાથે ભીલાડ, વાપી અને દહાણું ખાતે પણ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. ત્યારે હાલ તો પોલીસે ધીરજસિંગ દિલીપસિંગ રાજપૂતને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
‘ગાડીમાંથી ઓઇલ લીક થાય છે’ કહી અંકલેશ્વરમાં ગઠિયો બેગ સેરવી ગયો
અંકલેશ્વર: પાનોલી ખાતેથી આશિષ શુક્લ નામની વ્યક્તિ પોતાની કાર લઈ અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા. દરમિયાન પ્રતીન ચોકડી નજીક એક વ્યક્તિએ બાઇક ઉપર આવી તેમનો દરવાજો ખખડાવી ગાડીમાંથી ઓઇલ લીક થાય છે તેમ જણાવ્યું હતું. આશિષ શુક્લ ગાડીમાંથી બહાર નીકળ્યા ત્યારે ખરેખર ઓઇલ લીક થતું હતું. જેમની મદદે અન્ય એક યુવાન આવ્યો હતો. અને બોનેટ ખોલાવી ચેક કરતો હતો. દરમિયાન કારની સીટ ઉપર પડેલી બેગ લઈ અન્ય એક ઈસમ ફરાર થઈ ગયો હતો. કારચાલક ગેરેજમાં ગયા અને ચેક કરાવ્યું તો કોઈ ઓઇલ લીકેજ થતું ન હતું. પરંતુ તેઓની બેગ ગાયબ હતી. જેમાં રૂ. 1.50 લાખ હતા. આ અંગે તેઓએ પોલીસને જાણ કરી હતી. આશિષ શુક્લની બેગ ભડકોદરા નજીકથી મળી આવી હતી, જેમાંથી તેઓનાં બધાં ડોક્યુમેન્ટ સલામત હતાં, પરંતુ પૈસા ગાયબ થઈ ગયા હતા.